આર્યન ડ્રગ્સ કેસ:શાહરુખના દીકરાના બચાવમાં બોલિવૂડ, અનુષ્કા-દીપિકાથી લઈ કોંગ્રેસનેતા શશિ થરૂર સહિતનાં સેલેબ્સ SRKની પડખે

મુંબઈ11 દિવસ પહેલા
  • અનુષ્કા-દીપિકા-રાની મુખર્જી તથા કાજોલે શાહરુખ સાથે ફોન પર વાત કરી

બે ઓક્ટોબર, શનિવારના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ કોર્ડેલિયા ક્રૂઝ પરની રેવ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. NCBએ શાહરુખના પુત્ર આર્યન સહિત 7 અન્ય લોકોની ધરપકડ કરી હતી. આર્યન સહિત 7 આરોપી 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં રહેશે. આર્યનની ધરપકડ બાદ શાહરુખ-ગૌરી ખાન ટેન્શનમાં છે. આર્યનની ધરપકડથી બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો હતો. બોલિવૂડ શાહરુખ ખાનની પડખે ઊભો રહ્યો છે. પૂજા ભટ્ટથી લઈ સુનીલ શેટ્ટી સહિતના સેલેબ્સે શાહરુખને સાથ આપ્યો છે. આર્યનની ધરપકડ થઈ એ દિવસે સલમાન મળવા આવ્યો હતો. ત્યાર બાદ સલમાનની બહેન અલીવરા, ભાભી સીમા ખાન આવ્યાં હતાં. કાજોલ, રાની મુખર્જી, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્માએ ફોન પર શાહરુખ સાથે વાત કરી છે.

પૂજા ભટ્ટે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'શાહરુખ હું તારી સાથે છું, તને જરૂર છે એટલા માટે નહીં, પરંતુ હું તેમ કરવા માગું છે. આ સમય પણ જતો રહેશે.'

ફિલ્મમેકર હંસલ મહેતાએ કહ્યું હતું, 'બાળકો જ્યારે મુસીબતમાં હોય ત્યારે પેરન્ટ્સ માટે આ સ્થિતિનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. આ વાત ત્યારે વધુ મુશ્કેલીરૂપ બની જાય છે, જ્યારે કાયદો પોતાનું કામ કરે, એ પહેલાં જ લોકો પરિણામ સુધી પહોંચી જાય છે. પેરન્ટ્સ તથા બાળકના સંબંધો માટે આ અપમાનજનક તથા અનુચિત છે. હું શાહરુખની સાથે છું.'

સિંગર સૂચિત્રા કૃષ્ણામૂર્તિએ કહ્યું હતું, 'એક પેરન્ટ્સ માટે પોતાના બાળકને સંકટમાં જોવું સૌથી મુશ્કેલ સમય છે. તમામ માટે પ્રાર્થના.'

સુઝાન ખાને સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'મને લાગે છે કે વાત માત્ર આર્યન ખાનની નથી, કારણ કે દુર્ભાગ્યથી તે ખોટા સમય પર ખોટી જગ્યાએ પર હતો. આ ઘટના એક ઉદાહરણ તરીકે જોઈ શકાય છે કે ચાહકો બોલિવૂડ સાથે જોડાયેલા લોકોને 'વિચ હંટ' (ક્રૂર સજા) કરવામાં લાગી જાય છે. આ બહુ જ દુઃખની તથા ખોટી વાત છે, કારણ કે તે સારો બાળક છે. હું ગૌરી તથા શાહરુખની સાથે છું.'

સુનીલ શેટ્ટીએ એક ઇવેન્ટમાં કહ્યું હતું, 'જ્યારે પણ બોલિવૂડ સાથે જોડાયેલી વાતો થાય છે, તો મીડિયામાં વાતો શરૂ થઈ જાય છે. મને લાગે છે કે આર્યનને એક તક આપવી જોઈએ અને પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. તે એક બાળક છે અને મને લાગે છે કે તેનું ધ્યાન રાખવું આપણી ફરજ છે.'

કોંગ્રેસનેતા શશિ થરૂરે કહ્યું હતું, 'હું ડ્રગ્સનો પ્રશંસક નથી અને મેં ક્યારેય ડ્રગ્સ લેવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ જે રીતે શાહરુખના દીકરાની ધરપકડ અંગે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે એનાથી નફરત જેવું લાગે છે. મિત્રો, થોડી તો સહાનુભૂતિ રાખો. જાહેરમાં બહુ બદનામી થઈ ચૂકી છે, પોતાની મજા ખાતર 23 વર્ષના દીકરાને આટલું કહેવાની જરૂર નથી.'

સિંગર મીકા સિંહે કહ્યું હતું, 'કોર્ડેલિયા ક્રૂઝ પર જવાની ઈચ્છા છે. મેં સાંભળ્યું કે ત્યાં બહુ બધા લોકો હતા, પરંતુ મને આર્યન ખાન સિવાય કોઈ દેખાતું નથી. આટલા મોટા ક્રૂઝમાં માત્ર આર્યન જ ફરતો હતો કે શું...હદ છે...ગુડ મોર્નિંગ...'

વીતેલા સમયની એક્ટ્રેસ નફીસા અલીએ કહ્યું હતું, આર્યન યુવાન છે અને તેના માટે પ્રાર્થના કરું છું. અત્યારે તેને મદદની જરૂર છે, તેને બરબાદ ના કરો અને એ રીતનું ઉદાહરણ ના આપો.