બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો તે કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચે લોરેન્સના નિકટના સાથી સૌરભ મહાકાલની પૂછપરછ પુણેમાં કરી હતી. આ પૂછપરછમાં જાણ થઈ કે સલમાનને તે પત્ર ગેંગસ્ટર લોરેન્સ તરફથી મોકલવામાં આવ્યો હતો. આ ઘટસ્ફોટ થયા બાદ પોલીસની છ અલગ અલગ ટીમ દેશના વિવિધ રાજ્યોમાં ગઈ છે.
ઝાલોરથી ત્રણ લોકો મુંબઈ આવ્યા હતા
ન્યૂઝ એજન્સી 'ANI'ના અહેવાલ પ્રમાણે, મુંબઈ પોલીસે કહ્યું હતું કે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સે જ સલમાન તથા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર લખ્યો હતો. લોરેન્સની ગેંગના ત્રણ લોકો રાજસ્થાનના ઝાલોરથી મુંબઈ પત્ર આપવા આવ્યા હતા. ચિઠ્ઠી મૂક્યા બાદ આ ત્રણેયે આરોપી સૌરભ મહાકાલને પણ મળ્યા હતા.
પોલીસના મતે, સૌરભે એમ પણ કહ્યું હતું કે ગોલ્ડી બરારના માધ્યમથી જ સલીમ ખાન સુધી પત્ર પહોંચાડવામાં આવ્યો હતો. વધુમાં ક્રાઇમ બ્રાંચે પત્ર મૂકનાર લોકોની ઓળખ કરી લીધી છે અને તે સાથે જોડાયેલા પુરાવા પણ મળ્યા છે. ટૂંક સમયમાં તેમને પકડી લેવામાં આવશે.
વિક્રમજીત ગેંગસ્ટર લોરેન્સનો નિકટના સાથી
વિક્રમજીત બરાડ રાજસ્થાનના હનુમાનગઢમાં રહે છે. તે રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલ સિંહનો નિકટનો સાથી હતો, પરંતુ આનંદપાલના એન્કાઉન્ટર બાદ તે લોરેન્સની ગેંગમાં જોડાઈ ગયો હતો. હવે તે લોરેન્સનો નિકટ છે અને તેના માટે કામ કરે છે. વિક્રમજીત પર બે ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે.
સલમાને કહ્યું, મને કોઈ ફોન આવ્યો નથી
બાંદ્રા પોલીસને નિવેદન આપીને સલમાન ખાન અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ જતો રહ્યો હતો. અહીંયા તે 25 દિવસ ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'નું શૂટિંગ કરશે. સલમાન હૈદરાબાદ આવે તે પહેલાં બૉડીગાર્ડ શેરા અને તેની ટીમ પહેલાં પહોંચી ગઈ હતી.
રિપોર્ટ પ્રમાણે, બાંદ્રા પોલીસે સલમાનને ગેંગસ્ટર ગોલ્ડી બરાડ તથા લોરેન્સ બિશ્નોઈ અંગે સવાલ કર્યા હતાં. સલમાને કહ્યું હતું કે ધમકીભર્યા પત્ર અંગે તેને કોઈની પર શંકા નથી. આજકાલ તેની કોઈની સાથે દુશ્મની નથી. લોરેન્સ અંગે 2018માં સાંભળ્યું હતું, કારણ કે તે સમયે તેણે ધમકી આપી હતી. જોકે, તે ગોલ્ડી અને લોરેન્સને ઓળખતો નથી.
ધમકી અંગે વાત કરતાં પોલીસને જણાવ્યું હતું કે હાલમાં તેનો કોઈની સાથે ઝઘડો થયો નથી અને બોલાચાલી પણ થઈ નથી. તેને ધમકીભર્યો મેસેજ કે ફોન આવ્યો નથી. પત્ર પણ તેને નહીં, પરંતુ તેના પિતાને મળ્યો હતો. તેના પિતા મોર્નિંગ વૉક પર ગયા ત્યારે પત્ર મળ્યો હતો.
શું હતું ધમકીભર્યા પત્રમાં?
રવિવાર, પાંચ જૂનના રોજ સવારે સલમાનના પિતા સલીમ ખાન મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. વૉક બાદ સલીમ ખાન જે જગ્યા પર બેસે છે, ત્યાંથી ગાર્ડને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું, 'સલીમ ખાન, સલમાન ખાન, બહુ જલ્દી તમારી હાલત સિદ્ધૂ મૂસેવાલા જેવી થશે.' પોલીસે ભારતીય બંધારણની કલમ 506 હેઠળ કેસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ધોળે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટ લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામેલ હોવાની વાત સામે આવી છે. કાળિયાર હરણ કેસ બાદ લોરેન્સે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.