ડ્રગ્સ કેસમાં રાહત નહીં:5 મહિનાથી જેલમાં બંધ અરમાન કોહલીની બોમ્બે હાઇકોર્ટે જામીન અરજી ફગાવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોમ્બે હાઇકોર્ટે અરમાન કોહલીની જામીન અરજી ફગાવી દીધી છે. અરમાને 25 ઓક્ટોબરે ડ્રગ્સ કેસમાં જામીન મળે તે અંગેની અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ અરમાનના ઘરમાંથી ઓગસ્ટ, 2021માં 1.2 ગ્રામ કોકેન મળી આવ્યો હતો. અરમાન ત્યારથી જ જેલમાં બંધ છે. આ જ કેસમાં અન્ય બે લોકો કરીમ ધનાની તથા ઈમરાન અન્સારીને જામીન આપી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં 14 ઓક્ટોબરના રોજ NDPS કોર્ટે પણ અરમાનની જામીન અરજી ફગાવી દીધી હતી. NCBએ અરમાનના ઘરે ઓપરેશન 'રોલિંગ થંડર' હેઠળ દરોડા પાડ્યા હતા. એજન્સી સુશાંત સિંહ રાજપૂતના મોત કેસ બાદથી જ મુંબઈમાં સતત ડ્રગ પેડલર્સ તથા સપ્લાયર્સના નેટવર્ક પર કાર્યવાહી કરી રહી છે.

ડ્રગ પેડલરે અરમાનનું નામ લીધું હતું
NCBએ ડ્રગ પેડલર અજય રાજુ સિંહની ધરપકડ કરી હતી અને તેણે અરમાન કોહલીનું નામ લીધું હતું. ત્યારબાદ NCBએ પહેલાં અરમાન કોહલીની પૂછપરછ કરી હતી અને પછી ધરપકડ કરી હતી. તે સમયે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ દાવો કર્યો હતો કે અરમાન ડ્રગ્સ ઉપરાંત અન્ય ગંભીર કેસમાં પણ આરોપી છે. તપાસમાં એ વાત સામે આવી હતી કે અરમાનના ઘરેથી મળેલું ડ્રગ્સ દક્ષિણ અમેરિકાનું છે.

આ પહેલાં પણ ધરપકડ થઈ છે
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 2018માં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પોતાના ઘરે વ્હિસ્કીની 41 બોટલ રાખવાના આરોપસર અરમાન કોહલીની ધરપકડ પણ કરી હતી. આ ઉપરાંત 'બિગ બોસ 7' દરમિયાન પણ અરમાનની ધરપકડ કરવામાં આવી હતી. સ્પર્ધક સોફિયા હયાતે અરમાન વિરુદ્ધ માર મારવાનો કેસ કર્યો હતો. સાંતાક્રૂઝ પોલીસે અરમાન પર મારપીટનો કેસ કર્યો હતો, પરંતુ લોનાવલા સિટી પોલીસે અરમાન પર હેરેસમેન્ટનો પણ આરોપ મૂક્યો હતો. થોડાં સમય બાદ અરમાનને જામીન મળી ગયા હતા. ફિલ્મમેકર રાજકુમાર કોહલીનો દીકરો એવો અરમાન કોહલી ફ્લોપ એક્ટર હોવા છતાં બોલિવૂડનો જાણીતો ચહેરો છે અને એણે ‘પ્રેમ રતન ધન પાયો’, ‘જાની દુશ્મન’ જેવી 17થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અરમાન કોહલી ‘બિગ બોસ 7’માં ભાગ લીધો હતો.