સેલેબ લાઇફ:અર્જુન કપૂર પ્રેમિકા મલાઈકા કરતાં 12 વર્ષ નાનો, પહેલી જ વાર એજ ડિફરન્સ અંગે વાત કરી

મુંબઈ15 દિવસ પહેલા
  • અર્જુન કપૂરની ઉંમર 36 વર્ષની તથા મલાઈકાની ઉંમર 48 છે

અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા બોલિવૂડના લવબર્ડ્સ છે. પહેલાં આ બંનેએ પોતાના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. જોકે, પછી બંનેએ પ્રેમનો સ્વીકાર કરી લીધો હતો. મલાઈકા પ્રેમી અર્જુન કરતાં 12 વર્ષ મોટી છે. આ જ કારણે અવારનવાર અર્જુન કપૂર ટ્રોલ થતો હોય છે. જ્યારે પણ તે વેકેશન મનાવીને મુંબઈ પરત ફરે ત્યારે સો.મીડિયામાં તેને ટ્રોલ કરવામાં આવે છે. પહેલી જ વાર અર્જુન કપૂરે આ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યાં સુધી લોકો તેના કામને નોટિસ કરે છે ત્યાં સુધી તેના માટે અન્ય બાબતો કોઈ જ મહત્ત્વની નથી.

ફૅક કમેન્ટ્સથી કોઈ ફેર પડતો નથી
અર્જુન કપૂર 36 વર્ષનો છે, જ્યારે મલાઈકા અરોરા 48 વર્ષીય છે. મલાઈકાએ અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા હતા. માનવામાં આવે છે કે અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા વચ્ચેની નિકટતાને કારણે આ ડિવોર્સ થયા હતા. અર્જુન કપૂરે હાલમાં જ વેબ પોર્ટલ 'મસાલા' સાથે વાત કરતાં કહ્યું હતું, 'પહેલી વાત તો એ કે મને લાગે છે કે મીડિયા જ કમેન્ટ્સ પર ધ્યાન આપે છે. અમે તો 90% કમેન્ટ્સ પર ધ્યાન જ આપતા નથી. આથી જ ટ્રોલિંગને વધુ મહત્ત્વ આપવાની જરૂર નથી, કારણ કે આમાં મોટાભાગની ફૅક જ હોય છે.'

આ મારી પર્સનલ લાઇફ છે
વધુમાં અર્જુને કહ્યું હતું, 'જે લોકો ટ્રોલ કરે છે, સાચી વાત તો એ છે કે તેમાંથી જ મોટાભાગના લોકો સેલ્ફી લેવા માટે તલપાપડ હોય છે. આથી જ આ રીતની વાત પર વિશ્વાસ કરી શકાય નહીં. હું પર્સનલ લાઇફમાં શું કરું છે એ મારી અંગત બાબત છે. જ્યાં સુધી લોકો મારા કામને નોટિસ કરે છે, ત્યાં સુધી બીજી કોઈ બાબત મહત્ત્વની નથી.'

પ્રેમમાં ઉંમરની વાતો બાલિશ
અર્જુને આગળ કહ્યું હતું, 'તમે આ બધી વાતો અંગે વધુ વિચારી શકો નહીં. પછી કોઈ ઉંમરની વાત કરતું હોય કે બીજી કોઈ. આપણે બસ આપણું જીવન જીવીએ છીએ અને બીજાને જીવવા દઈએ છીએ. મને લાગે છે કે આ બધી વાતો બાલિશ છે કે તમે કોઈ સંબંધમાં એજ ડિફરન્સ પર ધ્યાન આપો છો.'

છેલ્લાં 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરે છે
અર્જુન કપૂર તથા મલાઈકા છેલ્લાં 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરે છે. હાલમાં અર્જુન કપૂર કોરોના પોઝિટિવ છે અને તે હોમ આઇસોલેશનમાં છે. 2020માં પણ અર્જુન કપૂરને કોરોના થયો હતો. આ સમયે મલાઈકા પણ પોઝિટિવ હતી. બંને ઘરમાં સાથે જ ક્વૉરન્ટિન થયા હતા.

પ્રેમ એકવાર થાય તે જરૂરી નથી
અન્ય એક ઇન્ટરવ્યૂમાં અર્જુને કહ્યું હતું, 'હું પિતાનું સન્માન કરું છું કે તેમને જીવનમાં બીજીવાર પ્રેમ થયો, પરંતુ પ્રેમ ઘણો જ કોમ્પ્લેક્સ છે. જો આપણે આ સદીમાં એમ કહીએ કે પ્રેમ માત્ર એક જ વાર થાય છે તો આપણે મૂર્ખ છીએ.'