કપલનું નવું ઘર:વડોદરાના મહારાજા સમરજીત સિંહ ગાયકવાડનો મુંબઈનો ફ્લેટ અનુષ્કા-વિરાટે ભાડે લીધો, મહિને 2.76 લાખ ભાડું

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના પાવર કપલ ગણાતા અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે બંને પોતાના નવા ઘરને કારણે ચર્ચામાં છે. તેમણે અલીબાગમાં ફાર્મહાઉસ ખરીદ્યું અને મુંબઈમાં ઘર ભાડે લીધું છે.

મહિને કેટલું ભાડું ભરશે?
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, 17 ઓક્ટોબરના રોજ વિરાટ તથા અનુષ્કાએ મુંબઈના જુહૂ સ્થિત ફ્લેટની ડીલ ફાઇનલ કરી હતી. જુહૂમાં આવેલી હાઇ ટાઇડ બિલ્ડિંગના ચોથા માળે આ ફ્લેટ આવેલો છે. તેમણે ડિપોઝિટ પેટે 7.50 લાખ રૂપિયા ભર્યા છે અને ઘર 1650 સ્ક્વેરફુટનું છે. આ ઘરનું ભાડું દર મહિને 2.76 લાખ રૂપિયા છે. આ ફ્લેટની સૌથી ખાસ વાત એ છે કે ઘરમાંથી અરબી સમુદ્ર દેખાય છે. આ ઘર વડોદરાના મહારાજા તથા પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનું છે.

અલીબાગમાં કરોડોનું ફાર્મહાઉસ ખરીદ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનુષ્કા-વિરાટનું ફાર્મહાઉસ અલીબાગના ઝિરાડ ગામમાં આવેલું છે. ફાર્મહાઉસ આઠ એકરમાં ફેલાયેલું છે. અનુષ્કા-વિરાટે ફાર્મહાઉસ 19 કરોડ 24 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદ્યું છે. અનુષ્કા-વિરાટે સરકારી ટ્રેઝરીમાં 1 કરોડ 15 લાખ ડિપોઝિટ કરાવ્યા છે. વિરાટના ભાઈ વિકાસ કોહલીએ 30 ઓગસ્ટના રોજ આ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ટ્રાન્ઝેક્શન ગણેશચતુર્થીના એક દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું. આ ડીલ જાણીતા રિયલ એસ્ટેટ કંપની સમીરા હેબિટેટ્સે કરાવી છે. અલીબાગના એસોસિયેટ સબ-રજિસ્ટ્રાર અશ્વિની ભગત પાસે ફાર્મહાઉસના ખરીદ-વેચાણના ડોક્યુમેન્ટ્સ રજિસ્ટર્ડ કરાવાયા છે. વિરાટ-અનુષ્કાએ 3 લાખ 35 હજારની સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરી છે.

14-18 મહિનામાં ઘર બનીને તૈયાર થશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફાર્મહાઉસ 4BHK છે અને બે કાર ગેરેજ છે. ચાર પાવડર રૂમ સાથે ચાર બાથરૂમ છે. પ્રાઇવેટ પૂલ તથા સ્ટાફ ક્વાર્ટ્સ પણ છે. આ ફાર્મહાઉસ 14-18 મહિનાની અંદર તૈયાર થઈ જશે, તેમ માનવામાં આવે છે.

મુંબઈમાં બે ફ્લેટ છતાં ઘર ભાડે રાખ્યું
અનુષ્કા તથા વિરાટ પાસે વર્લી સ્થિત ઓમકાર બિલ્ડિંગના 35મા માળે પોતાનો ફ્લેટ છે. આ લક્ઝુરિયસ ફ્લેટની કિંમત 34 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત મુંબઈના વર્સોવામાં પણ કપલનો આલીશાન ફ્લેટ છે.

કોણ છે મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ?
સમરજીત સિંહનો જન્મ 25 એપ્રિલ 1967માં થયો હતો. તેમના પિતા રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ તથા માતા શુભાંગીનીરાજે છે. સમરજીતે દેહરાદૂનની દૂન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ સ્કૂલ સમયમાં ક્રિકેટ, ફૂટબોલ તથા ટેનિમ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. 2012માં પિતા રણજીત સિંહનું અવસાન થતાં જૂન, 2012ના રોજ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં તેમને મહારાજાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

મહારાજા સમરજીત સિંહ પરિવાર સાથે.
મહારાજા સમરજીત સિંહ પરિવાર સાથે.

વર્ષ 2002માં સમરજીત સિંહે વાંકાનેરના રોયલ પરિવારની દીકરી રાધિકારાજે સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે. સમરજીત સિંહ પરિવાર તથા માતા સાથે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં રહે છે. નવેમ્બર, 2014માં સમરજીત સિંહ ભાજપમાં જોડાયા હતા, પરંતુ 2017થી તેઓ રાજકારણની કોઈ પ્રવૃતિમાં જોવા મળ્યા નથી.

રણજી ટ્રોફી રમ્યા હતા
સમરજીત સિંહેએ બરોડા તરફથી રણજી ટ્રોફીમાં છ મેચ રમી હતી. ત્યારબાદ તેઓ બરોડા ક્રિકેટ એસોસિયેશનના પ્રેસિડન્ટ પણ બન્યા હતા. 2015થી તેઓ મોતી બાગ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડેમી ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...