તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશ માટે:અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી કોરોનાની લડાઈમાં મદદ માટે આગળ આવ્યા, 2 કરોડ દાનમાં આપીને ફંડરેઝરની શરૂઆત કરી

મુંબઈ4 મહિનો પહેલા
  • અનુષ્કા તથા વિરાટ કોહલીએ વીડિયો શૅર કરીને તમામને સપોર્ટ કરવાનું કહ્યું
  • અનુષ્કાએ કહ્યું, આપણો દેશ કોવિડ 19ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે

પ્રિયંકા ચોપરા-નિક જોનસ બાદ હવે ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું અભિયાન શરૂ કર્યુ છે. વિરાટ તથા અનુષ્કાએ ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની અપીલ કરી છે. અનુષ્કા તથા વિરાટે આ ફંડમાં રૂપિયા 2 કરોડનું દાન આપ્યું છે.

વિરાટ કોહલીએ આ વાત કહી

વિરાટ કોહલીએ કહ્યું હતું, 'અનુષ્કા તથા મેં કોવિડ 19ની સામેની જંગમાં કેટ્ટો (ફંડરેઝિંગ કરતી વેબસાઈટ) પર ફંડ ભેગું કરવાનું અભિયાન શરૂ કર્યું છે. અમે તમારા સમર્થનના આભારી રહીશું. આપણે સાથે મળીને આગળ આવીએ તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ. હું તમામને અમારા આ અભિયાનમાં સામેલ થવાનો આગ્રહ કરું છું.'

વીડિયોમાં આ વાત કહી
વિરાટ તથા અનુષ્કાએ 46 સેકન્ડનો એક વીડિયો પણ શૅર કર્યો છે, જેમાં તે કહે છે, 'ભારતની સ્થિતિ હાલ ઘણી જ મુશ્કેલ છે. દિવસ રાત લડતા લોકોને સલામ, પરંતુ હવે તેમને જરૂર છે, આપણા સપોર્ટની તથા તેમની સાથે ઊભા રહેવાની. આથી જ અમે એક ફંડરેઝરની શરૂઆત કરી છે.'

અનુષ્કાએ આ વાત કહી
વીડિયો પોસ્ટ કરીને અનુષ્કાએ કહ્યું હતું, 'આપણો દેશ કોવિડ 19ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે, આપણી હેલ્થકેર સિસ્ટમ અનેક પડકારોનો સામનો કરી રહી છે. લોકોની મજબૂરી જોઈને મારું હૃદય ભાંગી પડ્યું છે. તેથી જ મેં તથા વિરાટે કેટ્ટો સાથે મળીને #InThisTogether નામનું અભિયાન શરૂ કર્યું છે. આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. મહેરબાની કરીને ભારત તથા ભારતીયોના સપોર્ટમાં આગળ આવો. તમારું કોન્ટ્રીબ્યૂશન આ મુશ્કેલ સમયમાં કોઈનું જીવન બચાવી શકે તેમ છે માસ્ક પહેરો, ઘરમાં રહો, સલમાત રહો.

સાત દિવસ અભિયાન ચાલશે
આ અભિયાન કેટ્ટો પર 7 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ ફંડમાં ભેગી થયેલી રકમ ACT ગ્રાન્ટ્સને આપવામાં આવશે. ACT અભિયાનનો ઈમ્પ્લિમેન્ટેશન પાર્ટનર છે. ACT કોરોનાકાળમાં ઓક્સિજન, દવા, મેનપાવર, વેક્સિનેશન તથા નાગરિકોમાં જાગૃતતા વધારવાનું કામ કરે છે.

અનુષ્કાએ જન્મદિવસ પણ સેલિબ્રેટ નહોતો કર્યો
પહેલી મેના રોજ અનુષ્કા શર્માનો જન્મદિવસ હતો. જોકે, તેણે પોતાના બર્થડે સેલિબ્રેટ કર્યો નહોતો. સો.મીડિયામાં અનુષ્કા શર્માએ વીડિયો શૅર કરીને બર્થડે વિશ માટે આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે દેશ જ્યારે કોવિડ 19ના સંકટ સામે ઝઝૂમે છે, ત્યારે તેને પોતાનો જન્મદિવસ મનાવવો યોગ્ય લાગ્યો નહીં. અનુષ્કાએ સંકટની ઘડીમાં સાથે મળીને દેશને સમર્થન કરવાની અપીલ કરી હતી.

વિરાટ મુંબઈ આવી ગયો
IPL 2021ની બાકીની મેચ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. હવે બાકીની મેચ રમાશે, ક્યારે રમાશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તમામ ખેલાડીઓ ઘરે પરત ફરી રહ્યાં છે. વિરાટ કોહલી પણ મુંબઈ આવી ગયો છે.