ફિલ્મમેકર અનુરાગ કશ્યપે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાના ખરાબ સમયની વાત કરી હતી. અનુરાગે કહ્યું હતું કે ત્રણ વર્ષથી વધુ સમય સુધી તે ડિપ્રેશનમાં હતો. તે ત્રણવાર રિહેબ સેન્ટર પણ ગયો હતો, પરંતુ તેણે કામ કરવાનું બંધ કર્યું નથી.
અનુરાગે જીવનના ડાર્ક ફેઝની વાત કરી હતી
અનુરાગે કહ્યું હતું કે લૉકડાઉનને કારણે જ્યારે તેની ફિલ્મ 'ઓલમોસ્ટ પ્યાર વિધ ડીજે મોહબ્બત'ના શૂટિંગમાં મોડું થયું હતું અને તેની વેબ સિરીઝ 'તાંડવ'માં વિવાદમાં ફસાઈ હતી. ત્યારે તે પોતાના જીવનના ડાર્ક ફેઝમાંથી પસાર થતો હતો. પછી તે ત્રણવાર રિહેબ સેન્ટરમાં પણ ગયો હતો. આ દરમિયાન તેની તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી અને હાર્ટ અટેક આવ્યો હતો.
દીકરીને રેપની ધમકી મળતી હતી
અનુરાગે કહ્યું હતું કે તેમની દીકરી આલિયાને એગ્ઝાઇટી અટેક આવતા હતા. આ સમયે તે ટ્વિટરથી દૂર થઈ ગયો હતો, કારણ કે સો.મીડિયામાં દીકરીને ટ્રોલ કરવામાં આવતી હતી. તેને રેપની ધમકીઓ મળતી હતી અને આ જ કારણે તેને એગ્ઝાઇનટી અટેક આવતા હતા. ઓગસ્ટ, 2019માં તેણે ટ્વિટરમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું અને તે પોર્ટુગલ જતો રહ્યો.
CAA પ્રોટેસ્ટ્સ સમયે અનુરાગે ટ્વિટર પર કમબેક કર્યું
અનુરાગે CAA વિરુદ્ધ વાત કરી હતી અને CAAના વિરોધમાં ભાગ પણ લીધો હતો. અનુરાગે આ અંગે કહ્યું હતું, 'હું લંડનમાં ફિલ્મનું શૂટિંગ કરતો હતો અને જામિયા મિલિયાની ઘટના થઈ તો હું ભારત પરત ફર્યો. તે સમયે મને લાગ્યું કે હવે હું વધુ સહન કરી શકીશ નહીં. કોઈ કંઈ જ બોલતું નથી. આ જ કારણે હું ટ્વિટર પર પરત ફર્યો.'
'મારી પાસે એટલી લક્ઝરી નથી કે હું રાહ જોઈને બેસી રહું'
અનુરાગ કશ્યપે ગયા વર્ષે હાર્ટ અટેક આવ્યો અને તબિયત અંગે પણ વાત કરી હતી. અનુરાગે કહ્યું હતું, 'મને ખ્યાલ નહોતો આવતો કે હું આ બધી બાબતોનો કેવી રીતે સામનો કરું, પરંતુ હવે હું ઠીક છું. હું હજી પણ ફિલ્મ બનાવી રહ્યો છું. બીજા લોકોની જેમ મારી પાસે એટલી લક્ઝરી નથી કે હું શાંતિથી બેસી રહીને રાહ જોઉં.'
અનુરાગ એક્ટર પણ છે
અનુરાગ ફિલ્મમેકરની સાથે સાથે એક્ટર પણ છે. મીડિયા રિપોર્ટ્સના મતે, અનુરાગ 'ફાઇલ નંબર 323'માં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓ પર આધારિત છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.