સંદેશ:અનુપમ ખેરે કેન્સર સામે લડતી પત્ની કિરણ માટે દુઆ માગતા ચાહકોને કહ્યું, તમારી વાતોથી અમારું મનોબળ વધ્યું

મુંબઈ7 મહિનો પહેલા

અનુપમ ખેરની પત્ની તથા ચંદીગઢથી ભાજપ સાંસદ કિરણ ખેરને બ્લડ કેન્સર છે. અનુપમ ખેરે શુભચિંતકોની પ્રાર્થના તથા દુઆ માટે આભાર માન્યો છે. શનિવાર, 4 એપ્રિલના રોજ અનુપમ ખેરે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને ચાહકોનો કહ્યું હતું, 'મારા પ્રેમાળ મિત્રો, તમારી દુઆઓ માટે થેંક્યૂ વેરી મચ. તમારી પ્રાર્થનાઓ માટે. તમારી બેસ્ટ વિશ માટે.'

'તમારી વિશ્વાસ ભરેલી વાતોથી અમારું મનોબળ વધ્યું'
અનુપમે વીડિયોમાં કહ્યું હતું, 'તમારી આ પ્રેમાળ વાતોથી, વિશ્વાસ ભરેલી વાતોથી અમારું મનોબળ વધી ગયું છે. અમે આશા કરીએ છીએ કે કિરણ આ સમયનો મક્કમતાથી સામનો કરીને બહાર આવશે. તે પોતાની બીમારીને સફળતાપૂર્વક માત આપશે. બહુ જ સારું, બહુ ઈમોશનલ સપોર્ટ આપ્યો. તેના માટે તમારો બહુ બહુ આભાર. મારી, કિરણ તથા સિકંદર તરફથી આભાર માનું છું. એવા પરિવારો, જેમાં કોઈ સભ્ય કેન્સરગ્રસ્ત છે, તેમના માટે પણ હું પ્રાર્થના કરું છું કે તેમનો પરિવારનો સભ્ય પણ જલ્દીથી ઠીક થઈ જાય.'

પહેલી એપ્રિલે કિરણને કેન્સર હોવાની સમાચાર સામે આવ્યા હતા
કિરણ ખેરને બ્લડ કેન્સર હોવાની વાત 1 એપ્રિલે સામે આવી હતી. અનુપમ ખેરે સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. તેમણે કહ્યું હતું, 'હાલમાં કિરણ ખેરની સારવાર ચાલે છે અને અમને પૂરો વિશ્વાસ છે કે પહેલાં કરતાં તે વધુ મજબૂતાઈથી બહાર આવશે. અમે નસીબદાર છીએ કે તે સારા ડૉક્ટર્સની દેખરેખ હેઠળ છે. તે હંમેશાં ફાઈટર રહી છે. તે રિકવર થઈ રહી છે.'

ગયા વર્ષે નવેમ્બરમાં કેન્સરનું નિદાન થયું હતું
બુધવાર, 31 માર્ચના રોજ ચંદીગઢમાં અરુણ સૂદે સ્પેશિયલ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે 68 વર્ષીય કિરણ ખેરની બીમારી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષથી તેઓ મુંબઈમાં કેન્સરની સારવાર કરાવે છે. વધુમાં અરુણ સૂદે કહ્યું હતું, 'ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ કિરણ ખેરના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યાર બાદ તેમને ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર લઈ જવામાં આવ્યાં હતાં. અહીં તેમને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. કેન્સર ડાબા હાથથી લઈ જમણા ખભા સુધી પ્રસરી ગયું છે. તેઓ ચાર ડિસેમ્બરના રોજ મુંબઈ ગયાં હતાં.'