એક્ટરનો ગુસ્સો:પત્રકારે લખ્યું, ‘પત્નીની બીમારીને લીધે રંગ બદલે છે’, અનુપમ ખેરે જવાબમાં કહ્યું, ‘આવા લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે, શરમ આવવી જોઈએ’

5 મહિનો પહેલા
કિરણ ખેરને કેન્સર હોવાની ખબર માર્ચ મહિનામાં ખબર પડી હતી
  • ચંદીગઢના સાંસદ તથા એક્ટ્રેસ કિરણ ખેર બ્લડ કેન્સર સામે લડી રહ્યા છે
  • અનુપમ ખેર અવાર-નવાર એક્ટ્રેસની હેલ્થ અપડેટ આપતા રહે છે

અનુપમ ખેરે એક મહિલા પત્રકારને સોશિયલ મીડિયા પર જડબાતોડ જવાબ આપ્યો છે. આ પત્રકારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, અનુપમ ખેર તેની પત્નીની બીમારીને લીધે રંગ બદલી રહ્યા છે. અનુપમે વળતો જવાબ આપતા કહ્યું, આવા લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ મહિલા કિરણ ખેરની બીમારીને લઈને સંવેદનશીલ જ નહીં પણ આ સ્થિતિનો ઉપ્તોગ કરીને ગમે તેમ બોલી રહી છે. પોતાના દાવાનાં પુરાવા આપ્યા વગર, શરમ આવવી જોઈએ.

પત્રકારે શું દાવો કર્યો?
મહિલા પત્રકારે પોસ્ટમાં લખ્યું,અનુપમ ખેર રંગ બદલી રહ્યા છે તેનું કારણ તેની પત્ની કિરણ ખેરની બીમારી છે. એવું લાગે છે કે તેમને(કિરણ ખેરને) ચંડીગઢની પોતાની પ્લમ સીટ ખાલી કરાવવા અને કોઈ બીજા માટે જગ્યા કરવાનું કહેવામાં આવ્યું છે. આ ખરાબ છે#BJP

ચંદીગઢના સાંસદ તથા એક્ટ્રેસ કિરણ ખેરની 27 મેના રોજ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં બોન સર્જરી થઈ છે. ઉલ્લેખનીય છે કે કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા છે. કેન્સરની સારવાર માટે તેઓ છેલ્લાં પાંચ મહિનાથી મુંબઈમાં છે. ઉલ્લેખનીય છે કે મલ્ટીમલ માયલોમા બ્લડ કેન્સરનો એક પ્રકાર છે. આ બીમારીમાં લોહીમાં વ્હાઈટ બ્લડ સેલ્સમાં કેન્સર પ્લાઝ્મા સેલ બોન મેરોમાં જમા થવા લાગે છે અને તંદુરસ્ત સેલ્સને અસર કરે છે.

અનુપમ ખેરે કહ્યું હતું, પત્નીની તબિયત સારી છે
હાલમાં જ અનુપમ ખેરે પત્નીની તબિયત અંગે કહ્યું હતું, 'કિરણની કેન્સરની જંગ મુશ્કેલ છે, પરંતુ તેની હાલત સારી છે. હોલિવૂડ એક્ટર રોબર્ટ ડી નીરોએ પણ પત્નીની તબિયત અંગે પૂછ્યું હતું. આ પરિસ્થિતિમાં તે બહુ બહાર જઈ શકે તેમ નથી અને મિત્રોને મળી શકે તેમ નથી. જોકે, સારી વાત એ છે કે તે રિકવરી મોડ પર છે. તે હકારાત્મક રીતે વિચારે છે. જોકે, કિમોથેરપીની અસર તેમની પર વિવિધ રીતે થાય છે. અમે અમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીએ છીએ અને તે પણ પ્રયાસ કરે છે. આટલી મુશ્કેલ સારવાર માટે મનની સ્થિતિને સ્ટ્રોંગ બનાવવી પડે છે.'

માર્ચમાં કેન્સર હોવાની વાત સામે આવી હતી
બુધવાર, 31 માર્ચના રોજ ચંદીગઢમાં અરુણ સૂદે સ્પેશિયલ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે 68 વર્ષીય કિરણ ખેરની બીમારી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષથી તેઓ મુંબઈમાં કેન્સરની સારવાર કરાવે છે.

નવેમ્બરમાં ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું
અરુણ સૂદે કહ્યું હતું, 'ગયા વર્ષે 11 નવેમ્બરના રોજ કિરણ ખેરના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. ત્યાર બાદ તેમને ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર લઈ જવામાં આવ્યાં હતાં. અહીં તેમને મલ્ટીપલ માયલોમા હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. કેન્સર ડાબા હાથથી લઈ જમણા ખભા સુધી પ્રસરી ગયું છે. તેઓ ચાર ડિસેમ્બરના રોજ મુંબઈ ગયાં હતાં.'