હનુમાન ચાલીસા-અઝાન વિવાદ:ભજન સમ્રાટ અનુપ જલોટાએ કહ્યું, 'બંને મધુર છે, બસ મોટેથી વગાડવા જોઈએ નહીં'

મુંબઈ3 મહિનો પહેલા
  • અનુરાધા પૌંડવાલ બાદ હવે અનુપ જલોટાએ અઝાન વિવાદ અંગે વાત કરી

લાઉડસ્પીકર પર અઝાન તથા હનુમાન ચાલીસા અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. હવે આ વિવાદમાં ભજન સમ્રાટ પદ્મશ્રી અનુપ જલોટાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આયોજિત એક પ્રોગ્રામમાં અનુપ જલોટાએ આ મુદ્દે વાત કરી હતી.

શું કહ્યું?
અનુપ જલોટાએ હનુમાન ચાલીસા તથા અઝાન વિવાદ પર કહ્યું હતું, 'અઝાનમાં પણ સુર છે. કાન્હાજી વાંસળી લઈને સુર વગાડે છે. આપણાં ત્યાં હનુમાન ચાલીસા તથા અઝાન બંને સંગીતના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. હનુમાન ચાલીસા તથા અઝાન બંને સુરીલા છે. બંનેનું ઘણું જ મહત્ત્વ છે. આપણાં દેશમાં સારો કાયદો છે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચમાં કોઈ જગ્યાએ અવાજ વધુ હોવો જોઈએ નહીં. અવાજ એટલો બધો ના હોવો જોઈએ કે બીજા લોકોને તકલીફ પડે. મધુરતા જળવાઈ રહે તેટલો જ અવાજ રાખવો.'

ગોરખપુરમાં શનિવાર, 30 એપ્રિલની સાંજે સ્વર સાગર સંગીત વિદ્યાલયે 'બચપન સે પચપન' ઇવેન્ટ આયોજીત કરી હતી. અનુપ જલોટાએ આ ઇવેન્ટમાં પોતાના ભજનોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સ્વર સાગર સંસ્થાના પ્રમુખ સુનીષા શ્રીવાસ્તવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને ભજન ગમે છે. તે ભજન ગાયક છે, પરંતુ જો ભજનને મોટા અવાજમાં વગાડવામાં આવે તો કોઈના પણ કાનને તકલીફ થઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે તે રાતના 10 વાગ્યા સુધી જ ભજન ગાય છે. જો ત્યારબાદ ગાય તો પોલીસ આવી જશે. 10 વાગ્યા બાદ તે જાતે જ ના પાડે દે છે.

અનુપ જલોટાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના વખાણ કર્યા
અનુપ જલોટાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તે 40 વર્ષથી ગોરખપુરને જુએ છે. 10 વર્ષ પહેલાં જે ગોરખપુર આવ્યું હોય તેને હવે લાવવામાં આવે તો તે આ શહેરને ઓળખી શકે નહીં. આ શહેરે ઘણો જ વિકાસ કર્યો છે.

આ પહેલાં અનુરાધા પૌંડવાલ-સોનુ નિગમે અઝાન વિશે વાત કરી હતી
થોડાં દિવસ પહેલાં ઝી ન્યૂઝના એક કાર્યક્રમમાં સિંગર અનુરાધાએ કહ્યું હતું, 'હું દુનિયાની અનેક જગ્યાએ ગઈ છું, પરંતુ ભારતમાં જેવું થાય છે એવું મેં અન્ય ક્યાંય જોયું નથી. હું કોઈપણ ધર્મના વિરોધમાં નથી, પરંતુ આપણે ત્યાં જબરદસ્તી એને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવીને અઝાન ચલાવવામાં આવે છે, આથી અન્ય લોકોને એમ લાગે છે કે તેઓ કેમ પોતાના સ્પીકર ના ચલાવે? મિડલ ઇસ્ટના દેશોમાં પણ મેં પ્રવાસ કર્યો છે, પરંતુ ત્યાં તો લાઉડસ્પીકર પર અઝાન ચલાવવા પર પ્રતિબંધ છે. જ્યારે મુસ્લિમ દેશોમાં લાઉડસ્પીકર પર અઝાન ચાલતી નથી તો ભારતમાં કેમ આમ થઈ રહ્યું છે? જો દેશમાં આ જ રીતે અઝાન ચાલતી રહેશે તો અન્ય લોકો હનુમાન ચાલીસા પણ વગાડશે. ત્યાર બાદ તો વિવાદ વધતો જ જશે. આ વાત દુઃખદ છે.'

સોનુ નિગમે પણ અઝાન અંગે વાત કરી હતી
સોનુ નિગમે 2017માં અચાનક જ સવારમાં સો.મીડિયામાં લાઉડસ્પીકર અંગે પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'મને નથી લાગતું કે કોઈ મંદિર કે ગુરુદ્વારા જે લોકો ધર્મનું પાલન કરતા નથી તેમના માટે વીજળીનો ઉપયોગ કરતું હશે. તો આવું કેમ? આ તો ગુંડાગર્દી છે. જ્યારે મુસ્લિમ ધર્મની સ્થાપના થઈ ત્યારે વીજળી નહોતી તો એડિસન પછી આ અવાજ કેમ? ભગવાન તમામ પર કૃપા-દૃષ્ટિ રાખે. હું મુસ્લિમ નથી છતાં મારે અઝાનને કારણે સવારે ઊઠવું પડે છે. ભારતમાં ક્યારે આ બંધ થશે? આ પોસ્ટ બાદ સોનુ નિગમ વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો હતો. સોનુએ મુંડન પણ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...