એક્ટરનો સામાન ચોરાયો:ફ્રાંસમાં અન્નુ કપૂરનું આઇપેડ, કેશ, ક્રેડિટ કાર્ડ ચોરાયું, લોકોને અલર્ટ કરીને કહ્યું- અહીં આવો તો પોકેટમારથી સાવચેત રહેજો

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અન્નુ કપૂર હાલમાં યુરોપ ટૂર પર છે. અહીંયા પેરિસ નજીક તેમની બેગ ચોરાઈ ગઈ હતી. અન્નુ કપૂરે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને પોતાની સાથે બનેલી ઘટના અંગે વાત કરી હતી. અન્નુ કપૂરે એમ પણ કહ્યું હતું કે કેટલાંક લોકો મદદ લેવાના બહાને આવ્યા હતા અને ટ્રેનમાંથી તેમની મોંઘી પ્રાડાની બેગ ચોરી લીધી હતી. આ બેગમાં રોકડા પૈસા, આઇપેડી, ડાયરી, ક્રેડિટ કાર્ડ સહિતની વસ્તુઓ હતી. અન્નુ કપૂરે પેરિસ ફરવા આવતા ભારતીયોને ચેતવણી આપી છે.

શું કહ્યું અન્નુ કપૂરે?
અન્નુ કપૂરે વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'મારી પ્રાડાની બેગ ચોરાઈ ગઈ. આ બેગમાં યુરો, સ્વીસ ફ્રાન્સની ઘણી જ બધી કેશ હતી. મારું આઇપેડ, મારી ડાયરી તથા ક્રેડિટ કાર્ડ હતું. આ તમામ વસ્તુની ચોરી થઈ છે. તમે જ્યારે ફ્રાંસ આવો ત્યારે પોકેટમારથી સાવધાન રહેવાની જરૂર છે. અહીંયા અપ્રામાણિક તથા ચોરોથી સાવચેતી રાખવી.'

વધુમાં અન્નુ કપૂરે કહ્યું હતું, 'જ્યારે હું પેરિસ પહોંચીશ ત્યારે પેરિસ પોલીસમાં ફરિયાદ કરીશ. અહીંયે રેલવે અધિકારીઓએ સપોર્ટ કર્યો છે અને તેઓ સાથે આવશે તેમ કહ્યું હતું. તમે જ્યારે પણ ફ્રાંસ આવો ત્યારે બહુ જ સાવચેત રહો. મારી સાથે ઘણી જ મોટી દુર્ઘટના ઘટી છે, પરંતુ ભગવાનનો આભાર કે મારો પાસપોર્ટ મારી પાસે હતો, પરંતુ ક્રેડિટ કાર્ડ, રોકડ રકમ ચોરાઈ ગયા. મને લાગ્યું કે તમે ફ્રાંસ આવવાનું વિચારતા હો તો તમને વોર્નિંગ આપી દઉં.'

વીડિયો શૅર કરીને શું કહ્યું?
અન્નુ કપૂરે વીડિયો શૅર કરીને કહ્યું, 'અત્યારે હું યુરોપ ટૂર પર છું. દુઃખની વાત એ છે કે મારા ગેજેટ્સ તથા કિંમતી સામાન ફ્રાંસમાં ચોરાઈ ગયો.'

ટ્રેન અંગે ફરિયાદ કરી
અન્નુ કપૂરે અન્ય એક પોસ્ટમાં વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અન્નુ કપૂર રેલવે સ્ટેશન આગળ જોવા મળે છે અને તે પેરિસમાં છે. તેમણે કહ્યું હતું, 'આ દેશના લોકોને પોતાના સાહિત્ય, પેઇન્ટિંગ તથા ફ્રેંચ ક્રાંતિનો ઘણો જ ગર્વ છે, પરંતુ મેં નોટિસ કર્યું છે કે અહીંયાના 50% લોકો અભિમાની તથા દંભી છે. 18 જૂનના રોજ મારો સામાન ચોરી થઈ ગયો હતો. ફ્રાંસની રેલવે ઘણી જ બકવાસ છે. જો વ્યક્તિ પાસે એક બેકપેક હોય તો તે મૂકી શકાય તેટલી જ જગ્યા ટ્રેનમાં હોય છે, પરંતુ જો તેની પાસે વધુ સામાન હોય તો તે મૂકવા માટે જગ્યા જ નથી. આના કરતાં તો ભારતની રેલવે દસ ગણી સારી છે.'

વર્કફ્રન્ટની વાત કરીએ તો અન્ન કપૂર ફિલ્મ 'ચેહરે'માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા. અન્નુ કપૂરે બિગ બી સાથે ફિલ્મ 'કાલા પથ્થર'થી કરિયરની શરૂઆત કરી હતી. 40થી વધુ વર્ષની કરિયરમાં અન્નુ કપૂર એક્ટર, પ્રોડ્યૂસર, ડિરેક્ટર, સિંગર તથા હોસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમને બેવાર નેશનલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...