આક્રોશ:વેકેશનની તસવીર સો.મીડિયામાં શૅર કરનાર સેલેબ્સ પર અન્નુ કપૂર ભડક્યા, કહ્યું- તમે ભૂખ્યા લોકોની સામે 56 ભોગની થાળી જમો છો

મુંબઈ5 મહિનો પહેલા
  • આ વર્ષે માધુરી દીક્ષિત, રણબીર-આલિયા સહિતના સેલેબ્સ માલદીવ્સ ગયા હતા
  • અન્નુ કપૂરે કહ્યું, અમને ખબર છે કે તમે અફોર્ડ કરી શકો છો. તમે પૈસાદાર છો

બોલિવૂડના વરિષ્ઠ એક્ટર અન્નુ કપૂર સો.મીડિયામાં ઘણાં જ એક્ટિવ રહે છે. તેઓ સો.મીડિયામાં અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો પ્રગટ કરે છે. હાલમાં જ અન્નુ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડ સેલેબ્સની વેકેશનની તસવીરો અંગે વાત કરી હતી. કોરોનાકાળમાં ઘણાં સેલેબ્સ માલદીવ્સ ફરવા ગયા હતા અને તેમણે વેકેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. અન્નુ કપૂરે કહ્યું હતું કે જ્યારે દેશ કોરોના સામે લડતો હતો ત્યારે આ પ્રકારનો દેખાડો યોગ્ય નથી.

તમે ભૂખ્યા લોકોની સામે 56 ભોગની થાળી લગાવો છો
અન્નુ કપૂરે આવા સેલેબ્સ પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું, તમે ભૂખ્યા લોકોની સામે 56 ભોગની થાળી તૈયાર કરીને ખાઈ રહ્યાં છો. અમને ખબર છે કે તમે અફોર્ડ કરી શકો છો. તમે પૈસાદાર છો. અમને એ પણ ખબર છે કે તમારી પાસે સુંદર શરીર છે. આ ઉપરાંત તમે બીજી કઈ વસ્તુ બતાવી શકો છો? પણ દેખાડો કરો તે સારું લાગતું નથી. એક જર્મ ટર્મ છે, -‘kitsch’ એટલે કે આર્ટ ઈન બેડ ટેસ્ટ. જાણીતી હસ્તીઓએ 'સંવેદનશીલ' હોવું જોઈએ અને 'સહાનુભૂતિ' બતાવવી જોઈએ.

એપ્રિલ 2020માં અન્નુ કપૂરે આ અંગે સો.મીડિયામાં પણ પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, 'હું વિનમ્રતાપૂર્વક તમામ અમીર તથા પ્રસિદ્ધ લોકોને અપીલ કરું છું કે વિદેશમાં રજાઓ મનાવો તેની તસવીરો પોસ્ટ ના કરો. મોટાભાગની દુનિયા કોરોનામાં સપડાયેલી છે. કોઈની બદદુઆ શા માટે લેવી.' ઉલ્લેખનીય છે કે આ પહેલાં શ્રુતિ સેઠ, નવાઝુદ્દીન સિદ્દીકી સહિતના સેલેબ્સે માલદીવ્સ વેકેશનની તસવીરો પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સેલેબ્સ માલદીવ્સ ગયા
ગયા વર્ષે મૌની રોય, સારા અલી ખાન, કેટરીના કૈફ, ટાઈગર શ્રોફ, દિશા પટની સહિતના સેલેબ્સે માલદિવ્સ જઈને વેકેશન માણ્યું હતું. આ વર્ષે પણ સ્ટાર્સ બ્રેક લઈને માલદિવ્સ ગયા હતાં. માધુરી દીક્ષિત, જાન્હવી કપૂર તથા ટીવી એક્ટ્રેસ સુરભિ જ્યોતિ પણ માલદિવ્સ ગયાં હતાં. શ્રદ્ધા કપૂર છેલ્લા 2 મહિનામાં ત્રણવાર માલિદિવ્સ ગઈ હતી. ફેબ્રુઆરીમાં આલિયા ભટ્ટ પોતાની ફ્રેન્ડ્સ સાથે માલદિવ્સ ગઈ હતી. જોકે તે સમયે રાજીવ કપૂર (રણબીર કપૂરના કાકા)નું આકસ્મિક અવસાન થતાં તે ટ્રિપ ટૂંકાવીને તાત્કાલિક મુંબઈ આવી ગઈ હતી. આલિયા તથા રણબીરનો કોરોના રિપોર્ટ એપ્રિલમાં નેગેટિવ આવ્યો પછી બંને માલદીવ્સ ગયા હતા.