ફોટોશૂટ:એન્જલિના જોલી 18 મિનિટ સુધી મધમાખીઓ સાથે ઊભી રહી, ફોટોશૂટ માટે ત્રણ દિવસ સુધી ન્હાઈ નહોતી

લોસ એન્જલસએક વર્ષ પહેલા
  • એન્જલિનાએ શરીર પર ફેરોમોન નામનું કેમિકલ લગાવ્યું હતું
  • એક મધમાખી એન્જલિનાના ડ્રેસની અંદર જતી રહી હતી

હોલિવૂડ એક્ટ્રેસ એન્જલિના જોલીએ હાલમાં જ મધમાખીઓની વચ્ચે શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે નેશનલ જિયોગ્રાફિક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મધમાખીઓ આપણાં માટે ઘણી જ જરૂરી છે. તેણે મધમાખીઓના ઝૂંડ વચ્ચે ફોટોશૂટ કરાવ્યું હતું. આ મધુમાખીઓ ડેન વિન્ટર્સની હતી. ડેને શોખથી મધમાખીઓનો ઉછેર કર્યો છે. એન્જલિનાએ આ ફોટોશૂટ મધમાખી ઉછેરને સપોર્ટ કરવા માટે કરાવ્યું હતું. આ ફોટોશૂટ માટે એન્જલિના ત્રણ દિવસ સુધી ન્હાઈ પણ નહોતી.

ફોટોશૂટ માટે એન્જલિના ત્રણ દિવસ સુધી નાહી નહીં
આ ફોટોશૂટ અંગે એન્જલિનાએ કહ્યું હતું કે આ ઘણું જ રસપ્રદ છે. તેને કહેવામાં આવ્યું હતું કે ફોટોશૂટ પહેલાં ત્રણ દિવસ સુધી તે ન્હાય નહીં. કારણ કે જો તેના શરીરમાંથી શેમ્પુ તથા પર્ફ્યૂમની સુગંધ આવશે તો મધમાખીઓ તેને ઓળખી શકશે નહીં. આથી તેણે નાક તથા કાનમાં રૂ નાખવું પડશે, જેથી મધમાખીઓ શરીરની અંદર ના જાય. ફોટોશૂટ દરમિયાન તેણે શરીર પર ફેરોમોન લગાવ્યું હતું. ફેરોમોન એક પ્રકારનું કેમિકલ હોય છે, જે મધમાખીઓને આકર્ષિત કરે છે. ફોટોશૂટ દરમિયાન એન્જલિનાએ ઓફ શોલ્ડર વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો મધમાખીઓ તેના ડ્રેસ, ખભા તથા તેના શરીર પર ચોંટી ગઈ હતી. એન્જલિના 18 મિનિટ સુધી મધમાખીઓ સાથે રહી હતી.

મધમાખી ફોટોશૂટ દરમિયાન ડ્રેસની અંદર જતી રહી હતી
એન્જલિનાએ કહ્યું હતું કે ફોટોશૂટ દરમિયાન એક મધમાખી તેના ડ્રેસની અંદર જતી રહી હતી. તેને લાગ્યું કે તે મધમાખી તેની ઘુંટણી આસપાસ ફરી રહી છે. ક્યારેક પગ પર જતી હતી. શૂટિંગ પૂરું થયું પછી બધી જ મધમાખીઓ તેના શરીર પરથી જતી રહી ત્યારબાદ તેણે સ્કર્ટ ઊંચું કર્યું અને તે મધમાખીને ત્યાંથી ઉડાડી હતી.

મધમાખીનો ઉછેર કરનાર મહિલાઓ માટે એન્જલિના ગોડમધર
એન્જલિનાની હાલમાં જ મધમાખીઓનો ઉછેર કરનાર મહિલાઓની ગોડમધર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખરી રીતે, યુનેસ્કોએ મધમાખીઓનો ઉછેર કરતી મહિલાઓને ટ્રેનિંગ તથા સપોર્ટ આપવા માટે એક ખાસ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ જ કારણે એન્જલિનાને ગોડમધર બનાવવામાં આવી છે. તેણે કહ્યું હતું કે આ સુંદર જીવો સાથે જોડાવવું તેને ઘણું જ સારું લાગ્યું છે. જોકે, તેણે સ્વીકાર્યું હતું કે ફોટોશૂટ દરમિયાન એકદમ સ્થિર રહેવું તેના માટે મુશ્કેલ હતું. તેના શરીર પર મધમાખીઓ ચાલતી હતી અને તેના માટે આ સરળ નહોતું. યુનેસ્કો 50 મહિલાઓને મધમાખી ઉછેરની ટ્રેનિંગ આપશે.

આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ
એન્જલિનાએ કહ્યું હતું કે સામાન્ય રીતે મધમાખીને ખતરનાક માનવામાં આવે છે. તેના ડંખથી લોકો ડરે છે. જોકે, આપણે આવી રીતે કેમના રહી શકીએ. અમારો ઉદ્દેશ છે કે આપણે એક જ ગ્રહમાં રહીએ છીએ અને એકબીજા પર પરાવલંબી છીએ. તેને આ કામ કરવાની ઘણી જ મજા આવી અને તેને પોતાની જાત પર ગર્વ છે. ઉલ્લેખનીય છે કે એન્જલિના છેલ્લે 'વુ વિથ મિ ડેડ'માં જોવા મળી હતી. હવે તે માર્વેલની 'એન્ટર્નલ્સ'માં જોવા મળશે.

ફોટોગ્રાફરે શું કહ્યું?
ફોટોગ્રાફર ડેન વિન્ટર્સે ફોટોશૂટ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે એન્જલિના 18 મિનિટ સુધી એક જ જગ્યાએ સ્થિર હતી અને તેના શરીર પર મધમાખીઓ હતી. તે મધમાખીઓનો ઉછેર કરે છે અને તે મધમાખીઓ તેની જ હતી. જ્યારે તેને એન્જલિના સાથેના કામનું અસાઇનમેન્ટ આપવામાં આવ્યું ત્યારે તેને સૌથી વધુ ચિંતા સલામતીની હતી. શૂટિંગ દરમિયાન તેણે 40 વર્ષ પહેલાં રિચાર્ડ એવેડોને પોતાના મધમાખીઓના ઉછેરનું પોટ્રેટ બનાવવા માટે જે ટેકિનિકનો ઉપયોગ કર્યો હતો, તે જ ટેકનિકનો ઉપયોગ તેણે કર્યો હતો.

વધુમાં તેણે કહ્યું હતું, 'એન્જલિના સિવાય સેટ પર હાજર તમામ લોકો પ્રોટેક્ટિવ સૂટમાં હતા. હું ઈચ્છતો હતો કે એન્જલિનાના શરીરના આ ભાગ પર મધમાખીઓ બેસે, ત્યાં જ મેં ફેરોમોન કેમિકલ લગાવ્યું હતું. અમે એન્જલિનાની સામે મધમાખીઓ મૂકી હતી. એન્જલિના શાંતિથી 18 મિનિટ ઊભી હતી અને મધમાખીઓએ પણ એન્જલિનાને એક પણ ડંખ માર્યો નહોતો. મને મધમાખીઓ આસપાસ હોય તો હંમેશાં ભય લાગે છે. મને લાગે છે કે હાજર રહેલાં દરેક લોકો માટે આ ફોટોશૂટ એક આશ્ચર્યજનક ઘટના હતી. 'વર્લ્ડ બી ડે' (વિશ્વ મધમાખી દિવસ)ના પ્રસંગે અમારી ફોટોગ્રાફીએ ઈતિહાસ બનાવ્યો છે.'