દરરોજ નવા રેકોર્ડ સર્જી રહી છે દ્રશ્યમ-2:સૌથી વધુ કલેક્શન કરનારી સિક્વલ ફિલ્મોમાં સામેલ, ટોપ-10 લિસ્ટમાં જગ્યા મેળવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અજય દેવગણ અભિનીત દ્રશ્યમ-2 ટૂંક સમયમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર 200 કરોડની ક્લબમાં પ્રવેશવાની તૈયારીમાં છે. આ ફિલ્મે હવે 160 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે જ આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ સિક્વલ ફિલ્મોની યાદીમાં ટોપ-10માં સામેલ થઇ ગઇ છે. આ લિસ્ટમાં સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ નંબર વન પર છે. દ્રશ્યમ-2 એ 2015ની દ્રશ્યમની સિક્વલ છે.

સૌથી વધુ કલેક્શન કરવાવાળી ટોપ-10 સિક્વલ ફિલ્મોમાં સામેલ થઈ
સિકવલ ફિલ્મોમાં સૌથી વધુ કલેક્શન કરવાના મામલે દ્રશ્યમ-2 ટોપ-10 ફિલ્મોમાં સામેલ થઇ ગઇ છે. સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ (2017) 339 કરોડનાં કલેક્શન સાથે પહેલા નંબર પર છે. 'ટાઇગર ઝિંદા હૈ' સલમાનની વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘એક થા ટાઇગર’ ની સિક્વલ હતી.

તરણ આદર્શે ​​​​​ફિલ્મનું લેટેસ્ટ કલેક્શન શેર કર્યું
બીજા અઠવાડિયામાં પણ આ ફિલ્મ જબરદસ્ત કલેક્શન કરી રહી છે. રજાઓનાં દિવસોમાં પણ ફિલ્મની કમાણીની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. આ ફિલ્મે અત્યાર સુધીમાં 159 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મનું લેટેસ્ટ કલેક્શન પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતાં લખ્યું- ‘દ્રશ્યમ-2 સતત પૈસા એકઠા કરી રહી છે. વીક-ડેઝમાં પણ ફિલ્મની પકડ જબરદસ્ત હોય છે. બીજા અઠવાડિયામાં શુક્રવારે 7.87 કરોડ, શનિવારે 14.05 કરોડ, રવિવારે 17.32 કરોડ, સોમવારે 5.44 કરોડ, મંગળવારે 5.15 કરોડ અને બુધવારે 4.68 કરોડ એટલે કુલ - 159.17 કરોડ.’

વર્ષ 2022માં હાઈએસ્ટ કલેક્શન કરનારી ટોપ-5 હિન્દી ફિલ્મોમાં સામેલ
વર્ષ 2022માં વર્લ્ડવાઇડ કલેક્શનનાં મામલે બ્રહ્માસ્ત્ર 431 કરોડ સાથે પહેલા નંબર પર છે, જ્યારે કાશ્મીર ફાઇલ્સ 341 કરોડ સાથે બીજા નંબર પર છે. ભૂલ ભુલૈયા 2 (266 કરોડ) ત્રીજા નંબર પર છે. હવે કુલ 227 કરોડના વર્લ્ડવાઇડ કલેક્શન સાથે દ્રશ્યમ-2 એ ગંગુબાઇ કાઠિયાવાડી (211 કરોડ)ને પાછળ છોડી દીધી છે.

ફક્ત 60 કરોડમાં ફિલ્મ બની છે
દ્રશ્યમ-2નું બજેટ આશરે 60 કરોડ હતું. આ ફિલ્મે રિલીઝનાં ત્રીજા દિવસે 64 કરોડની કમાણી સાથે તેના બજેટ સંપૂર્ણપણે વસૂલી લીધુ હતું. અભિષેક પાઠક નિર્દેશિત આ ફિલ્મમાં અજય દેવગણ, તબ્બુ, શ્રેયા સરન, અક્ષય ખન્ના અને ઇશિતા દત્તા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના પહેલા ભાગનું દિગ્દર્શન નિશિકાંત કામતે કર્યું હતું પરંતુ, કોવિડ દરમિયાન તેમનું અવસાન થયું હતું, જેના કારણે ફિલ્મના નિર્માતા અભિષેક પાઠકે પણ ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું હતું.