અમિતાભ બચ્ચને આજે એટલે કે 7 માર્ચના રોજ પોતાની તબિયત અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે ધીમે ધીમે રિકવર થઈ રહ્યા છે, પરંતુ સેટ પર ડૉક્ટરની સલાહ પર જ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં અમિતાભ બચ્ચન ફિલ્મ 'પ્રોજેક્ટ K'ના એક્શન સીન દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. તેમની પાંસળી તૂટી ગઈ હતી. તેમને તાત્કાલિક હૈદરાબાદની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને પછી તેઓ મુંબઈ આવ્યા હતા.
આ દરમિયાન અજય દેવગને અમિતાભ બચ્ચનનાં વખાણ કર્યા હતા. ફિલ્મ 'ભોલા'ના ટ્રેલર લૉન્ચમાં અજય દેવગને કહ્યું હતું કે 1998માં આવેલી ફિલ્મ 'મેજર સાબ'ના એક્શન સીનમાં બિગ બીએ 30 ફૂટની ઊંચાઈએ કૂદકો માર્યો હતો.
અજયે જણાવ્યું હતું, 'અમિતાભ સરે મને એમ કહ્યું હતું કે આપણે 30 ફૂટથી કૂદીશું. આ લગભગ ત્રણ માળ જેટલું ઊંચું હતું. મેં તેમને તે સીન કરવાની ના પાડી દીધી હતી. રાતનો સીન હતો. મેં કહ્યું કે આપણે ડુપ્લિકેટથી કામ ચલાવી લઈશું, પરંતુ તેઓ માન્યા નહીં. અમે સીન શૂટ કર્યો અને અમને વાગ્યું પણ હતું. જોકે, સીન કરવામાં ઘણી મજા આવી હતી.'
'ઉંમર વધી, વસ્તુઓ સરળ થઈ રહી છે'
અજયે આગળ કહ્યું હતું, 'આજે સેટ પર તમામ પ્રકારની સુરક્ષા ને સાવચેતી રાખવામાં આવે છે. સેટ પર ડૉક્ટર ને એમ્બ્યુલન્સ પણ હોય છે. ઈજાથી બચવા માટે પેડિંગ તથા અન્ય ઘણી બાબતો હોય છે. પહેલાંની તુલનાએ હવે એક્શન સીક્વન્સ કરવા સરળ થઈ ગયાં છે. ભગવાનનો આભાર છે, જેમ જેમ અમારી ઉંમર વધી રહી છે, વસ્તુઓ સરળ થતી જાય છે.'
વધુમાં અજયે કહ્યું હતું, 'એક્શન સીન કરવો હવે કાર ચલાવવા જેવો છે. તમારી સાથે ક્યારેક દુર્ઘટના થઈ શકે છે. તમે સલામત રહીને પ્રયાસ કરો છો, પરંતુ જોખમ રહેલું છે. બચ્ચનસર પોતાની કરિયરની શરૂઆતથી જ એક્શન સીન કરે છે. ત્યારે કોઈ કેબલ નહોતા અને સીન કર્યા બાદ ઘાયલ પણ થઈ જતા હતા. તમે કલ્પના ના કરી શકો એ રીતે શોટ્સ આપ્યા છે.'
બિગ બીએ કહ્યું, તમારી દુઆઓ જ મારી સારવાર
બિગ બીએ સો.મીડિયામાં હેલ્થ અપડેટ આપતાં કહ્યું હતું, 'તમને બધાને બહુ બધો પ્રેમ. તમારી ચિંતા ને શુભેચ્છા માટે ઘણો જ આભાર. તમારી દુઆઓ જ મારા માટે સારવાર છે. મારી તબિયત સુધારા પર છે, પરંતુ સમય લાગશે. ડૉક્ટરે આપેલી સલાહનું પાલન કરી રહ્યો છું. તમામ કામ બંધ છે અને તબિયત સુધરે ત્યારે તથા ડૉક્ટરની પરમિશન બાદ જ કામ પર પરત ફરીશ. તમારા તમામનો ઘણો જ આભાર.'
અમિતાભે હોળીની શુભેચ્છા પાઠવી
અમિતાભે એમ પણ કહ્યું હતું, ગઈ કાલે (6 માર્ચે) જલસામાં હોલિકા દહન કરવામાં આવ્યું. હોળીની તારીખ અંગે ઘણું જ કન્ફ્યૂઝન હતું. હોળી આજે ને કાલે એમ દિવસ મનાવવામાં આવી છે. હોળીના રંગો તમારા જીવનમાં બહુ બધા રંગ લઈને આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.