ભૂતકાળની ઈમોશનલ મોમેન્ટ:અમિતાભ બચ્ચનને પિતાજીની યાદ આવી, કહ્યું- જ્યારે હું મૃત્યુને હરાવીને પરત ફર્યો, ત્યારે મેં પહેલીવાર પિતાજીને રડતા જોયા હતા

એક વર્ષ પહેલા

મહાનાયક અમિતાભ બચ્ચનનું માનીએ તો તેમણે તેમના પિતાને પહેલીવાર ત્યારે રડતા જોયા હતા, જ્યારે તે ફિલ્મ 'કૂલી'ના સેટ પરની દુર્ઘટના બાદ ઠીક થઈને હોસ્પિટલથી ઘરે પહોંચ્યા હતા. બિગ બીએ આ જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી છે. ટ્વિટર પર તેમના 45 મિલિયન ફોલોઅર્સ હોવાની ખુશીમાં એક ફેને તેમનો અને તેમના પિતાજી હરિવંશ રાય બચ્ચન અને દીકરા અભિષેક બચ્ચનનો ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું, 'પૂજ્ય માતા અને પિતાજીના આશીર્વાદ સાથે 45 મિલિયનની શરૂઆત.'

ફોટો ઘણું બધું કહે છે
અમિતાભે ફેન્સની પોસ્ટને રી-પોસ્ટ કરીને જવાબમાં લખ્યું, 'કેપ્શનમાં ટ્વિટર પર 45 મિલિયન ફોલોઅર્સની જાણકારી આપી છે. આભાર જેસ્મિન. પણ ફોટો ઘણું બધું કહે છે. આ તે પળ છે, જ્યારે હું કૂલી દુર્ઘટના બાદ મૃત્યુથી જીતીને પરત ફર્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે મેં મારા પિતાને રડતા જોયા હતા. ચિંતિત અભિષેક મારી તરફ જોઈ રહ્યો હતો.'

ફોટોમાં જોઈ શકાય છે કે હરિવંશ રાય બચ્ચનની આંખમાં આસું છે અને અમિતાભ બચ્ચન તેમને પગે લાગે છે. જ્યારે અભિષેક તેના દાદાજીની બાજુમાં ઊભો છે અને તેના ફેસ પર પણ ચિંતા દેખાઈ રહી છે.

ફાઇટ સીનમાં ઘાયલ થયા હતા
24 જુલાઈ 1982માં બેંગ્લુરુમાં 'કૂલી'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સ્ક્રિપ્ટ મુજબ, ફિલ્મના એક ફાઇટ સીનમાં પુનિત ઈસ્સરનો મુક્કો અમિતાભના મોઢા પર લાગવાનો હતો, જેનાથી તે ટેબલ પર પડે છે. સીન પ્લાન મુજબ શૂટ થયો અને એકદમ અસલી લાગ્યો પણ ટેબલનો એક ખૂણો અમિતાભના પેટમાં ઘણી ખરાબ રીતે ખૂંચી ગયો. તેમના પેટની પટલ (જે પેટના અંગોને જોડી રાખે છે અને કેમિકલ્સથી તેને બચાવે છે) અને નાનું આંતરડું ફાટી ગયું હતું. બેંગ્લોરમાં તેમની સર્જરી થઇ હતી.

એવું જણાવાય છે કે દુર્ઘટના પછી 4 દિવસ સુધી તેમની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો ન હતો, પણ બીજે જ દિવસે જ્યારે પાછી તબિયત બગડી તો તેમને મુંબઈ લાવીને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. અમિતાભ લગભગ મૃત્યુના દ્વાર સુધી પહોંચી ગયા હતા. જોકે ડોક્ટર્સના પ્રયાસ અને ફેન્સની દુઆઓ રંગ લાવી અને 24 સપ્ટેમ્બર, 1982ના રોજ તે સાજા થઈને ઘરે પરત ફર્યા હતા.