SBI બિગ બીની ભાડુઆત:અમિતાભ બચ્ચને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને પ્રોપર્ટી ભાડે આપી, દર મહિને લાખો રૂપિયાનું ભાડું મળશે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમિતાભને SBI પહેલાં સિટી બેંકને પ્રોપર્ટી ભાડે આપી હતી

અમિતાભ બચ્ચને પોતાના બંગલા જલસાની નજીક આવેલી પ્રોપર્ટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ને 15 વર્ષ માટે લીઝ પર આપી છે, એટલે કે SBI અમિતાભ બચ્ચનની ભાડુઆત બની ગઈ છે. દર મહિને બેંક બિગ બીને લાખો રૂપિયાનું ભાડું આપશે.

પહેલાં પાંચ વર્ષે 18.90 લાખ રૂપિયા દર મહિને મળશે
બિગ બીની આ પ્રોપર્ટી જુહૂ વિલે પાર્લેમાં છે. આ અપાર્ટમેન્ટનું બિગ બીએ વત્સ રાખ્યું છે. દર મહિને હવે બિગ બીને 18.90 લાખ રૂપિયા મળશે. 3150 સ્કેવર ફૂટમાં ફેલાયેલો આ અપાર્ટમેન્ટ 2019 સુધી સિટી બેંક પાસે લીઝ પર હતો.

SBIએ 28 સપ્ટેમ્બરે રજિસ્ટ્રેશન કર્યું
પોર્ટલ ઝેપકીના અહેવાલ પ્રમાણે, લીઝના કાગળનું રજિસ્ટ્રેશન 28 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. આ ડીલમાં 30 લાખ 86 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટીની સાથે 30 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી આપવામાં આવી હતી. અમિતાભ બચ્ચનની આ પ્રોપર્ટીનું ભાડું પ્રતિ સ્કેવર ફૂટ 600 રૂપિયે છે. માર્કેટ રેટ કરતાં આ ભાવ વધારે છે.

બેંકે 2.26 કરોડ રૂપિયા આપ્યા
સ્ટેમ્પ ડ્યૂટી ડોક્યુમેન્ટના મતે, અમિતાભે 3150 સ્કેવર ફૂટની પ્રોપર્ટીને 15 વર્ષ માટે લીઝ પર આપી છે. દર પાંચ વર્ષે 25% ભાડું વધી જશે. આ ડીલ પ્રમાણે, પ્રથમ પાંચ વર્ષમાં 18 લાખ 90 હજાર રૂપિયા દર મહિનાનું ભાડું છે. પછીના પાંચ વર્ષ માટે રૂ. 23,62,500 અને છેલ્લાં પાંચ વર્ષ માટે રૂ. 29,53,125 ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

SBIએ અમિતાભ બચ્ચનને 2.26 કરોડ રૂપિયા આપ્યા છે. આ એક વર્ષનું એડવાન્સ ભાડું છે. અમિતાભ બચ્ચનની પ્રોપર્ટી જુહૂના કોર્નર પર છે અને તે પ્રાઇમ લોકેશન છે અને આ વિસ્તારમાં હાલમાં 400-500 પ્રતિ સ્કેવર ફૂટ લીઝ રેન્ટ ચાલે છે.