અમિતાભ બચ્ચને હાલમાં જ પાન મસાલા કંપનીને લીગલ નોટિસ ફટકારીને પોતાની જાહેરાતનું પ્રસારણ અટકાવવાની માગણી કરી છે. એક્ટર ઘણાં સમયથી આ કંપનીની જાહેરાતમાં જોવા મળતા હતા, પરંતુ તેમણે 11 ઓક્ટોબરે આ કંપની સાથેનો કરાર પૂરો કર્યો હતો. કરાર પૂરો થયો હોવા છતાંય કંપની સતત આ જાહેરાતનું પ્રસારણ કરે છે.
બિગ બીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે કમલા પસંદ કંપનીને ટીવી કર્મશિયલ જાહેરાતનું પ્રસારણ અટકાવવા માટે લીગલ નોટિસ મોકલી છે.
અમિતાભે 79મા જન્મદિવસ પર કોન્ટ્રાક્ટ પૂરો થયાની જાહેરાત કરી
અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે 'કમલા પસંદ' ગુટખાની જાહેરાત સાથેનો કરાર તે તોડી રહ્યા છે. તેઓ અચાનક બ્રાન્ડ સાથેનો પોતાનો કોન્ટ્રેક્ટ પૂરો કરે છે. સરોગેટ એડવર્ટાઇઝિંગ હેઠળ તેમની જાહેરાત આવે છે, એ અંગેની સંબંધિત જાણકારી તેમને નહોતી. તેમણે પૈસા પણ પરત કરી દીધા છે.
એન્ટી ટોબેકો ઓર્ગેનાઇઝેશને દખલગીરી કરી હતી
નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ઇરૅડિકેશન ઓફ ટોબેકોના પ્રમુખ ડૉ. શેખર સાલ્વકરે અમિતાભ બચ્ચનને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું હતું કે મેડિકલ રિસર્ચથી ખ્યાલ આવ્યો કે તમાકુ તથા પાન મસાલા જેવી વસ્તુઓ વ્યક્તિ અને તેમાંય ખાસ કરીને યુવાઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અમિતાભ બચ્ચન પોલિયો કેમ્પેનના સરકારી બ્રાન્ડ-એમ્બેસડર છે અને તેમણે પાન મસાલાની જાહેરાતમાંથી જલદીથી દૂર થવાની જરૂર છે.
સો.મીડિયામાં ટ્રોલ થયા હતા
અમિતાભે જ એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું, 'ઘડિયાળ ખરીદીને હાથમાં શું બાંધી લીધી, સમય પાછળ જ પડી ગયો છે.' આ પોસ્ટ પર યુઝરે કમેન્ટ કરી હતી, 'પ્રણામ સર, માત્ર એક જ વાત પૂછવી છે, તમારે એવી શેની જરૂર હતી કે તમારે પણ કમલા પસંદ પાન મસાલાની જાહેરાત કરવી પડી. તો પછી તમારામાં અને અન્યમાં ફેર શું?'
બિગ બીએ જવાબ આપ્યો
બિગ બીએ કહ્યું હતું, 'માન્યવર, ક્ષમા પ્રાર્થી છું. કોઈપણ વ્યવસાયમાં જો કોઈનું ભલું થતું હોય તો એ વિચારવું ના જોઈએ કે આપણે કેમ તેની સાથે જોડાયેલા છીએ? હા, જો વ્યવસાય હોય તો આપણે પોતાના વ્યવસાય અંગે વિચારવું જોઈએ. હવે તમને લાગે છે કે મારે આ કરવું જોઈએ નહીં, પરંતુ મને આ કરવામાં ધનરાશિ મળે છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.