વિવાદોમાં બિગ બી:અમિતાભ બચ્ચન પાન-મસાલાની એડ કરીને વિવાદોમાં ફસાયા, NGOએ લેટર મોકલીને વહેલી તકે કેમ્પેન છોડવાની માગ કરી

2 મહિનો પહેલા
  • નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર ઇરેડિકેશન ઓફ ટોબેકોના પ્રેસિડન્ટ શેખર સાલ્કરે અમિતાભ બચ્ચનને આ મામલે એક લેટર મોકલ્યો
  • મિસ્ટર બચ્ચન સરકારના હાઇ-પ્રોફાઇલ પલ્સ પોલિયો કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર છે, તેથી તેમને આવી એડ ન કરવી જોઈએ

બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન પાન-મસાલાની એડ કરીને વિવાદોમાં ફસાઈ ગયા છે. લોકો તેમના મનપસંદ અભિનેતાને પાન-મસાલાનું પ્રમોશન કરતા જોઈને ગુસ્સે થયા છે. હવે આ વિવાદમાં નેશનલ એન્ટી ટોબેકો ઓર્ગેનાઇઝેશન (NGO)એ પણ હસ્તક્ષેપ કરવાનું શરૂ કરી દીધું છે. NGO દ્વારા બિગ બીને એક ઓફિશિયલ લેટર મોકલવામાં આવ્યો છે, જેમાં તેમને વહેલી તકે આ એડ કેમ્પેનને છોડવાની વાત કરવામાં આવી છે.

તાજેતરમાં એબીપીના રિપોર્ટના અનુસાર, નેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર ઈરેડિકેશન ઓફ ટોબેકોના પ્રેસિડન્ટ શેખર સાલ્કરે અમિતાભ બચ્ચનને આ મામલે એક લેટર મોકલ્યો છે. તેમણે જણાવ્યું છે કે ઘણા રિસર્ચમાં એ સાબિત થયું ચૂક્યું છે કે પાન-મસાલા અને તમાકુના સેવનની આદતથી હેલ્થને નુકસાન થાય છે, ખાસ કરીને યુવાનોને. મિસ્ટર બચ્ચન સરકારના હાઈ-પ્રોફાઈલ પલ્સ પોલિયો કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર છે, તેથી તેમને પાન-મસાલા એડ કેમ્પેનને વહેલી તકે છોડી દેવી જોઈએ.

શેખર સાલ્કરે આગળ જણાવ્યું છે કે એક ઓન્કોલોજિસ્ટ અને તમાકુવિરોધી NGOના મેમ્બર હોવાથી હું શંકાસ્પદ પગલાં સામે લડવા માટે દુઃખી અને ગુસ્સે છું. આ પ્રકારનું કામ કોઈ પ્રભાવશાળી બોલિવૂડ એક્ટર, જેમ કે શાહરુખ ખાન, અજય દેવગન, રણવીર સિંહ અને ઋતિક રોશન દ્વારા કરવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓની વચ્ચે તમાકુનું સેવન વધી રહ્યું છે.

પાન-મસાલાની એડ માટે ટ્રોલ થવા પર બિગ બીએ જવાબ આપ્યો હતો
અમિતાભે હાલમાં જ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું, 'ઘડિયાળ ખરીદીને હાથમાં શું બાંધી લીધી, સમય પાછળ જ પડી ગયો છે.' આ પોસ્ટ પર યુઝરે કમેન્ટ કરી હતી, 'પ્રણામ સર, માત્ર એક જ વાત પૂછવી છે, તમારે એવી શેની જરૂર હતી કે તમારે પણ કમલા પસંદ પાન-મસાલાની જાહેરાત કરવી પડી. તો પછી તમારામાં અને અન્યમાં ફેર શું?'

બિગ બીએ કહ્યું હતું, 'માન્યવર, ક્ષમા પ્રાર્થી છું. કોઈપણ વ્યવસાયમાં જો કોઈનું ભલું થતું હોય તો એ વિચારવું ના જોઈએ કે આપણે કેમ તેની સાથે જોડાયેલા છીએ? હા, જો વ્યવસાય હોય તો આપણે પોતાના વ્યવસાય અંગે વિચારવું જોઈએ. હવે તમને લાગે છે કે મારે આ કરવું જોઈએ નહીં, પરંતુ મને આ કરારમાં ધનરાશિ મળે છે.'