બિગ બી કમાણીના શહેનશાહ:અમિતાભ બચ્ચન બાળોતિયાંથી બાઇક અને જ્વેલરી સુધીની એડ્સમાં કામ કરીને કરોડો કમાય છે

મુંબઈ2 મહિનો પહેલા
 • પહેલી ફિલ્મ માટે 5000 રૂપિયા મળ્યા હતા, આજે 15-20 કરોડની ફી
 • દેવાદાર બન્યા બાદ પણ અનેક ગણી કમાણી કરી છે

અમિતાભ બચ્ચનનો આજે, 11 ઓક્ટોબરના રોજ 79મો જન્મ છે. મોટાભાગના લોકો આ ઉંમરમાં જવાનીમાં કરેલી કમાણી પર જીવન પસાર કરતા હોય છે. જોકે, વાત જ્યારે અમિતાભ બચ્ચનની આવે તો તે ફિલ્મ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તથા ટીવી શોમાંથી કમાણી કરે છે. 79ની ઉંમરમાં અમિતાભ બચ્ચન સૌથી વ્યસ્ત કલાકારમાંથી એક છે અને કમાણીના નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. એક સમયે કોલકાતામાં 500 રૂપિયાની કમાણીથી શરૂઆત કરનાર અમિતાભ 1999માં દેવાદાર બની ગયા હતા. આજે અમિતાભ બચ્ચનની 3000 કરોડની નેટવર્થ સાથે વિશ્વના આઠમા સૌથી અમીર એક્ટર માનવામાં આવે છે.

'શોલે'માં એક લાખ મળ્યા હતા, 'ખુદા ગવાહ' બાદ 3 કરોડ રૂપિયા ફી થઈ

 • 1969માં આવેલી પહેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' માટે અમિતાભને 5000 રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ સતત આઠ ફિલ્મ ફ્લોપ થઈ હતી. ચાર વર્ષ બાદ 1973માં 'ઝંજીર'થી નસીબ ચમક્યું હતું. ત્યારબાદ એક પછી એક સુપરહિટ ફિલ્મ આવી હતી અને તે સમયના હાઇએસ્ટ પેઇડ એક્ટર બની ગયા હતા.
 • ક્લાસિક ફિલ્મ 'શોલે'માં જયના પાત્ર માટે અમિતાભને એક લાખ રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ પાંચ વર્ષ પછી આવેલી 'શાન' માટે ફી વધીને 9 લાખ રૂપિયા થઈ ગઈ હતી.
 • 1992માં આવેલી 'ખુદા ગવાહ' બાદ બિગ બીની ફી 3 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આજે અમિતાભનો રોલ ફિલ્મમાં કેટલો લાંબો છે, કેટલાં દિવસની શિડ્યૂઅલ છે, તેના આધારે 15-20 કરોડ રૂપિયા ફી હોય છે.
દરેક ફિલ્મમાં રોલની લંબાઈ પ્રમાણે અમિતાભ બચ્ચન 15-20 કરોડ રૂપિયા ફી લે છે
દરેક ફિલ્મમાં રોલની લંબાઈ પ્રમાણે અમિતાભ બચ્ચન 15-20 કરોડ રૂપિયા ફી લે છે

'મિસ વર્લ્ડ' ઇવેન્ટને કારણે દેવાદાર બન્યા
એવું નથી કે અમિતાભે ફિલ્મમાં એકવાર કમાણી શરૂ કર્યા બાદ સતત કમાણી વધતી ગઈ હતી. જોકે, 1999માં તેઓ દેવાદાર બની ગયા હતા.
1996માં બિગ બીની કંપની ABCL (અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ)એ 'મિસ વર્લ્ડ' ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કર્યું હતું. આ ઇવેન્ટમાં બિગ બીને 7 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કંપનીએ 'મૃત્યુદાતા' ફિલ્મ બનાવી હતી અને તે સુપરફ્લોપ રહી હતી.

'મોહબ્બતેં'થી સિતારો ફરી ચમક્યો
ABCLની નિષ્ફળતા બાદ અમિતાભની પ્રોપર્ટી જપ્ત કરી લેવાની સ્થિતિ આવી ગઈ હતી. આવામાં એક દિવસ સવારે બિગ બીએ પોતાના જૂન મિત્ર યશ ચોપરા સાથે વાત કરીને કામ માગ્યું હતું. યશ ચોપરાએ 'મોહબ્બતેં' ફિલ્મમાં પ્રિન્સિપાલનો રોલ આપ્યો હતો અને આ ફિલ્મ અમિતાભના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી.

કેબીસીનો એક એપિસોડ શૂટ કરવા માટે અમિતાભને 3.5 કરોડ રૂપિયા ફી મળે છે
કેબીસીનો એક એપિસોડ શૂટ કરવા માટે અમિતાભને 3.5 કરોડ રૂપિયા ફી મળે છે

'કેબીસી'માંથી કરોડોની કમાણી
માનવામાં આવે છે કે 'કૌન બનેગા કરોડપતિ' શોને હોસ્ટ કરવા માટે અમિતાભને એક એપિસોડના 3.5 કરોડ રૂપિયા મળે છે. સામાન્ય રીતે આ 'કેબીસી' અઢીથી ત્રણ મહિના ચાલે છે. અઠવાડિયામાં પાંચ દિવસ આ શો ટેલિકાસ્ટ થતો હોય છે.

20થી વધુ બ્રાન્ડના એમ્બેસેડર
અમિતાભ માત્ર ફિલ્મમાં જ નહીં, બ્રાન્ડે એન્ડોર્સમેન્ટની દુનિયામાં પણ સૌથી વધુ પસંદ કરાતા એક્ટર્સમાંના એક છે. ‘ડફ એન્ડ ફેલ્પ્સ’ના રિપોર્ટ પ્રમાણે, 2020ની સ્થિતિમાં તેમની બ્રાન્ડ વેલ્યૂ 330 કરોડ રૂપિયા હતી. એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેઓ અંદાજે 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

અમિતાભ પાસે 30થી વધુ બ્રાન્ડ છે
અમિતાભ પાસે 30થી વધુ બ્રાન્ડ છે

પ્રતીક્ષા 8 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, હાલમાં 31 કરોડનો ડુપ્લેક્સ ખરીદ્યો

 • અમિતાભના મુંબઈમાં ચાર બંગલા છે. સૌ પહેલાં પ્રતીક્ષા 1975માં 8,06,248 રૂપિયામાં ખરીદ્યો હતો. સોશિયલ ફંક્શન આ જ બંગલામાં થાય છે. અભિષેક તથા ઐશ્વર્યાના લગ્ન પણ આ જ બંગલામાં થયા હતા.
 • પ્રતીક્ષાની બાજુમાં જલસા બંગલો છે. અહીંયા બચ્ચન પરિવાર રહે છે. બાજુમાં જનક બગંલો છે અને અહીંયા ઓફિસ છે. એક બંગલો વત્સ છે. જે હાલમાં જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને લીઝ પર આપવામાં આવ્યો છે.
 • અમિતાભે ‘જનક’ બંગલો 8 કરોડ તથા ‘વત્સ’ બગંલો 5 કરોડમાં ખરીદ્યો હતો. થોડા સમય પહેલાં જ બિગ બીએ અંધેરીમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં 27-28 માળે એક ડુપ્લેક્સ ખરીદ્યો હતો. 5184 સ્કવેર ફિટ એરિયામાં ફેલાયેલા આ ડુપ્લેક્સની કિંમત 31 કરોડ રૂપિયા છે.
 • અમિતાભની પ્રયાગરાજમાં પ્રોપર્ટી છે. ફ્રાન્સમાં પણ પ્રોપર્ટી છે.
આજે અમિતાભ પાસે 11 લક્ઝુરિયસ કાર છે
આજે અમિતાભ પાસે 11 લક્ઝુરિયસ કાર છે

લક્ઝૂરિયસ કાર
એક સમયે બિગ બી કોલકાતામાં સેકન્ડ હેન્ડ ફિઆટ કારમાં ફરતા હતા. આજે તેમની પાસે મર્સિડિઝ, ઓડી, પોર્શે, લેન્જ રોવર સહિત 11 કાર છે.

સંપત્તિ-લોનની માહિતી

 • જયા બચ્ચને 2018માં રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાની તથા અમિતાભની સંપત્તિની જાણ કરી હતી.
 • આ એફિડેવિટ પ્રમાણે, 2016-17માં અમિતાભની વાર્ષિક આવક 78 કરોડ રૂપિયા હતી
 • અમિતાભના વિવિધ બેંક અકાઉન્ટમાં 50 કરોડ રૂપિયા જમા હતા. 97 કરોડ રૂપિયા શેર માર્કેટમાં રોકાયેલા હતા.
 • 28 કરોડની જ્વેલરી હતી.
 • ગાંધીનગર જિલ્લાના શાહપુરમાં 23169 એકર જમીન 2011માં 23 નવેમ્બરે 69.50 લાખમાં જમીન લીધી હતી.
 • અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના મીતલ ગામમાં 1800 સ્કવેર યાર્ડ જમીન 2011માં 19 જાન્યુઆરીમાં 9 લાખમાં લીધી હતી.
 • જયાના ડિકલેરેશન પ્રમાણે, અમિતાભ બચ્ચન વ્હીકલ લોન લેતા હોય છે.
 • 2018ની સ્થિતિ પ્રમાણે, બેંક ઓફ ઇન્ડિયામાં તેમની 1.84 કરોડ, 64.03 લાખ, 30.21 લાખ તથા 12.46 લાખ એમ અલગ અલગ વ્હીકલ લોન ચાલતી હતી.
અન્ય સમાચારો પણ છે...