લવબર્ડ્સના વેડિંગ પર ભવિષ્યવાણી:આલિયા ભટ્ટ ભાવિ પતિ રણબીર કપૂર માટે લકી સાબિત થશે, પણ 'બ્રહ્માસ્ત્ર' સુપરફ્લોપ જશે

મુંબઈ3 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • આલિયા-રણબીરની કુંડળી પ્રમાણે, તેમને બે સંતાન થશે, એક દીકરો ને એક દીકરી

રણબીર તથા આલિયા ભટ્ટના લગ્ન 15-16 એપ્રિલે યોજાવાના છે. હાલમાં જ આલિયા તથા રણબીરના લગ્ન અંગે ભવિષ્યવાણી કરવામાં આવી છે. કપૂર તથા ભટ્ટ પરિવારના નિકટના ફ્રેન્ડ તથા જાણીતા સેલિબ્રિટી જ્યોતિષી ભાવિક સંઘવીએ કહ્યું હતું કે રણબીર તથા આલિયા 16 એપ્રિલના રોજ લગ્ન કરશે. દિવ્ય ભાસ્કરની વાતચીતમાં ભાવિકે આ બંને એક્ટર્સ સાથે જોડાયેલી પર્સનલ તથા પ્રોફેશનલ લાઇફ અંગે વાત કરી હતી.

કપૂર પરિવાર માટે '8' નંબર ખાસ છે
ભાવિકે કહ્યું હતું, 'જુઓ 16 એપ્રિલના રોજ રણબીર તથા આલિયા લગ્ન કરશે એ નક્કી છે. બંને પરિવારે RK હાઉસ, ચેમ્બુરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. હું અંગત રીતે રણબીર તથા કપૂર પરિવારને ઓળખું છું. તેઓ 8 નંબરને લકી માને છે. 16 એપ્રિલ, 2022નો ભાગ્યાંક 8 છે. આ જ કારણે આ તારીખ લગ્ન માટે પસંદ કરવામાં આવી છે.

જીવનમાં ચઢાવ-ઉતાર આવશે
બંનેની પર્સનલ ન્યૂમરોલૉજી અંગે વાત કરીએ તો રણબીરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1982ના રોજ થયો છે. તેની 1 નંબર પર્સનાલિટી છે. એ તુલા રાશિ સાથે એસોસિયેટેડ છે. એનો ભાગ્યાંક 3 છે. આલિયાનો જન્મ 15 માર્ચ, 1993ના રોજ થયો છે. તેની રાશિ મેષ છે અને ભાગ્યાંક 4 છે. આ એક સારું કોમ્બિનેશન છે. જોકે એજ ગેપને આપણે અવગણી શકીએ નહીં. બંને વચ્ચે 11 વર્ષનું અંતર છે. રિલેશનશિપની શરૂઆતમાં આ એજ ગેપ સમસ્યા બની શકે છે.

રણબીરનો ગર્લફ્રેન્ડ અંગેનો ઈતિહાસ સારો રહ્યો નથી. જોકે હવે તે પોતાની ચાલીસીમાં છે. તે પોતાની ભૂલોમાંથી શીખ્યો છે. આલિયા બહુ જ લૉયલ પાર્ટનર સાબિત થશે. અનેક લોકોને રણબીરની પર્સનાલિટી જોઈને લાગે છે કે શું આ લગ્ન ટકશે? મારા મતે આ બહુ જ સારું કોમ્બિનેશન સાબિત થશે. આ કહેવું બહુ ઉતાવળભર્યું છે, પરંતુ હું કહીશ કે બંનેની કુંડળી પ્રમાણે, તેમને બે સંતાનના યોગ છે, એક દીકરો ને એક દીકરી. તેમના જીવનમાં પણ ચઢાવ-ઉતાર આવશે, પરંતુ બંને એકસાથે ખુશ રહેશે.

'બ્રહ્માસ્ત્ર' ફ્લોપ જશે
લગ્ન બાદ 9 સપ્ટેમ્બર, 2022ના રોજ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થશે. કમનસીબે આ ફિલ્મનું ભવિષ્ય ઉજ્જવળ નથી. રણબીર માટે 9 અંક ઘણો જ ઘાતક સાબિત થશે, કારણ કે આ ફિલ્મ 9મી તારીખે ને 9મા મહિને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સફળ જશે નહીં. ફિલ્મ શરૂઆતના 2-3 દિવસ સારો બિઝનેસ કરી શકે છે. જોકે લાંબી રેસનો ઘોડો સાબિત થશે નહીં. આલિયા ભટ્ટનું નસીબ આ ફિલ્મને ડિઝાસ્ટર સાબિત થતાં અટકાવશે. બની શકે કે બંનેએ ટીકાઓનો સામનો કરવો પડે. બંનેની ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી ભલે કામ ના કરે, પરંતુ ઓફ સ્ક્રીન બંને લોકપ્રિયતા હાંસિલ કરવામાં સફળ રહેશે.

2022નું વર્ષ આલિયા ભટ્ટના નામે રહેશે
વર્ષ 2022 આલિયા ભટ્ટ માટે અંગત તથા પ્રોફેશનલ રીતે શુભ સાબિત થશે. તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' તથા 'RRR' બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી છે. આલિયા જેની સાથે લગ્ન કરવા માગતી હતી તેની સાથે જ લગ્ન કરી રહી છે. રણબીર સારો એક્ટર છે, પરંતુ તેને સફળતા મળી નથી. આ વર્ષે 'બ્રહ્માસ્ત્ર' પણ ફ્લોપ જશે. આ વાત તેને આંચકો આપશે. જોકે 2023નું વર્ષ રણબીર માટે સારું રહેશે. આલિયા, રણબીર માટે લકી સાબિત થશે.

રણબીરને જ્યોતિષમાં વિશ્વાસ છે
કપૂર પરિવારમાં કરીના કપૂર ભવિષ્ય જાણવા માટે ઉત્સુક હોય છે. તે જ્યારે પણ મને મળે છે ત્યારે પરિવારના સભ્યો અંગે કંઈ ને કંઈ પૂછતી હોય છે. તો રણબીર પોતાના ભવિષ્ય અંગે વધુ ચિંતા કરતો નથી અને ભવિષ્ય જાણવામાં તેને બહુ રસ પણ હોતો નથી. હા, થોડાં વર્ષ પહેલાં જ્યારે અમે પાર્ટીમાં મળ્યાં હતાં ત્યારે રણબીરની ફિલ્મ રિલીઝ થવાની હતી. ત્યારે રણબીર મને કોર્નરમાં લઈ ગયો હતો અને ભવિષ્ય વિશે પૂછ્યું હતું. એ સમયે તે અન્ય કોઈ એક્ટ્રેસને ડેટ કરતો હતો અને આજે તે હેપીલી મેરિડ છે. તેણે તે એક્ટ્રેસ સાથેના રિલેશનશિપ અંગે પણ સવાલ કર્યો હતો.

આલિયાની બહેન પૂજાને પણ જ્યોતિષમાં શ્રદ્ધા
ભટ્ટ પરિવારમાં પૂજા ભટ્ટ પ્રોફેશનલ તથા પર્સનલ લાઇફ અંગે જાણવા ઉત્સુક હોય છે. તે આલિયા વિશે પૂછતી રહેતી હોય છે. પૂજાની વેબ સિરીઝ 'બોમ્બે બેગમ' આવી હતી. એ સમયે તે ઘણી જ નર્વસ હતી. મને યાદ છે કે તેણે મને આ પ્રોજેક્ટ અંગે કન્સલ્ટ કર્યો હતો.