આલિયાનો વાઇરલ વીડિયો:‘બ્રહ્માસ્ત્ર’ની સાથોસાથ પ્રેગ્નન્સીનું પણ પ્રમોશન, મોટરકારની ‘બેબી ઓન બોર્ડ’ લાઇન આલિયા પોતાના ડ્રેસ પર લગાવીને આવી!

3 મહિનો પહેલા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 9મી સપ્ટેમ્બરે થિયેટરોમાં રજૂ થશે. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. આલિયા ભટ્ટ અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વચ્ચે 'બ્રહ્માસ્ત્ર'ની ટીમ ફિલ્મના પ્રમોશન માટે હૈદરાબાદ પહોંચી હતી. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણાં લોકો આલિયાનાં વખાણ કરી રહ્યાં છે, તો ઘણા રાબેતા મુજબ ટ્રોલ પણ કરી રહ્યા છે.

આલિયા ભટ્ટ જે રીતે પ્રેગ્નન્સી દરમિયાન પણ પ્રમોશન કરી રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે. આલિયાએ 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશન માટે ગુલાબી રંગનો શરારા પહેર્યો હતો. ગુલાબી રંગના આઉટફિટમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો બીજી તરફ આલિયાનો પતિ અને એક્ટર રણબીર કપૂર તેને પ્રોટેક્ટ કરતો જોવા મળી રહ્યો છે.

આ પ્રમોશનલ ઇવેન્ટમાં કરન જોહર અને રણબીર કપૂરે આલિયાને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. પરંતુ સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય તો આલિયાનો ઇવેન્ટ સૂટ. આલિયાએ સૂટની પાછળ પોતાની પીઠ પર 'બેબી ઓન બોર્ડ' લખાવ્યું હતું. વીડિયોમાં આલિયા 'બેબી ઓન બોર્ડ' (અહીં એક નાનું બાળક છે) ટેગ લાઈન ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે આ લાઇન લોકો નાના બાળકને લઇને નીકળે ત્યારે પોતાની કારના પાછળના ભાગમાં સ્ટિકર તરીકે ચિપકાવતા હોય છે, જેથી ધીમે ચાલતી કાર પર કોઈ વધુ પડતાં હોર્ન ન મારે.

હાલમાં જ રણબીર ચેન્નઈ ગયો હતો
રણબીર કપૂરે ચેન્નઈમાં ડિરેક્ટર એસ એસ રાજમૌલી તથા નાગાર્જુન સાથે 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન કર્યું હતું. જ્યારે રણબીર કપૂર ઇવેન્ટમાં આવ્યો ત્યારે નાગાર્જુન ને રાજમૌલીને જોતાં જ તે પગે લાગ્યો હતો. આ વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. ચાહકોને રણબીરનો આ વિવેક ઘણો જ ગમ્યો હતો. ચેન્નઈમાં રણબીરે સાઉથ ઇન્ડિયન ફૂડની મજા માણી હતી.

9 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી 'બ્રહ્માસ્ત્ર' 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં આલિયા-રણબીર ઉપરાંત મૌની રોય, નાગાર્જુન, અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં રણબીરે 'શિવા' તથા આલિયાએ 'ઈશા'નો રોલ પ્લે કર્યો છે. અમિતાભે ફિલ્મમાં પ્રોફેસર અરવિંદ ચતુર્વેદીની ભૂમિકા ભજવી છે. મૌનીના પાત્રનું નામ 'દમયંતી' છે.

ફિલ્મની વાર્તા લીક?
સો.મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે ફિલ્મના ટ્રેલરમાં આ વાત બતાવવામાં આવી નથી, પરંતુ રિયલ વિલન આલિયા ભટ્ટ છે. તે શિવા એટલે કે રણબીર કપૂરને હની ટ્રેપ કરીને ફસાવે છે. તે શિવાની મદદથી શસ્ત્રો સુધી પહોંચવા માગે છે. જોકે, કેટલાક યુઝર્સે એવો પણ દાવો કર્યો છે કે આલિયા પોતે પણ એક શસ્ત્ર છે અને તે વાતનો ઘટસ્ફોટ ફિલ્મના અંતમાં થશે.

ફિલ્મને બોયકોટ કરવાની અપીલ
સો.મીડિયામાં #BoycottBrahmastra ટ્રેન્ડ થયું હતું. યુઝર્સે કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂર ચંપલ પહેરીને મંદિરમાં જાય છે. તેણે હિંદુ સંસ્કૃતિનું અપમાન કર્યું છે. આથી જ ફિલ્મને બોયકોટ કરવી જોઈએ.

આલિયા-રણબીર વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ 'હાર્ટ ઑફ સ્ટોન',તથા 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે. રણબીર કપૂર 'એનિમલ'માં કામ કરી રહ્યો છે. શ્રદ્ધા કપૂર સાથે પણ એક ફિલ્મમાં રણબીર જોવા મળશે.