જાહેરાતને કારણે ટ્રોલ:આલિયા ભટ્ટ ખાંડ નથી ખાતી ને શુગર પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરી, યુઝર્સે કહ્યું- 'પૈસા માટે કંઈ પણ'

મુંબઈ2 મહિનો પહેલા
  • સો.મીડિયા યુઝર્સે જૂનો વીડિયો શૅર કરીને આલિયાને આડેહાથ લીધી

આલિયા ભટ્ટ ફિલ્મ તથા પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ આલિયા ભટ્ટ પોતાની નવી જાહેરાતને કારણે ચર્ચામાં છે. આ જાહેરાતને કારણે યુઝર્સે એક્ટ્રેસને આડેહાથ લીધી છે. યુઝર્સે 'ધ કપિલ શર્મા શો'નો જૂનો વીડિયો શૅર કરીને આલિયાને અરીસો બતાવ્યો છે.

આખરે શોના જૂના વીડિયોમાં શું છે?
આલિયા ભટ્ટ ફિલ્મ 'કલંક'ના પ્રમોશન માટે 'ધ કપિલ શર્મા શો'માં આવી હતી. અહીં આલિયાને કૉફી સર્વ કરવામાં આવી હતી. જોકે એક ઘૂંટડો પીતા જ આલિયાને આંચકો લાગ્યો હતો, કારણ કે એમાં ખાંડ હતી. તેણે તરત જ પૂછ્યું હતું કે આમાં ખાંડ છે? તો કપિલે જવાબ આપ્યો હતો કે થોડીક છે. પછી આલિયાએ કૉફી પીવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આલિયાની આ હરકત પર કપિલે મજાકમાં કહ્યું હતું, 'ખાંડ ના ખાશો, મીઠું ના ખાશો, તો માણસ મરી જાય?' આના પર આલિયાએ કહ્યું હતું, 'ખાંડ સ્વાસ્થ્ય માટે સારી નથી. તમે ફ્રૂટ્સના ફોર્મમાં ખાંડ લઈ શકો છો.'

હવે કેમ વિવાદ થયો?
આલિયાની નવી જાહેરાત શુગર ડ્રિંકની છે. આલિયા રિયલ લાઇફમાં ખાંડ ખાતી નથી અને તેણે શુગર પ્રોડક્ટ્સ એન્ડોર્સ કરીને દર્શકોને એ લેવાનું કહ્યું છે. આ જોઈને યુઝર્સ ભડકી ઊઠ્યા છે અને એક્ટ્રેસને ટ્રોલ કરી હતી. યુઝર્સે કહ્યું હતું, 'પૈસા માટે કંઈપણ કરીશ ?' અન્ય એક યુઝરે કહ્યું હતું કે પૈસા માટે સેલેબ ઝેર વેચવા પણ તૈયાર થઈ જશે!

આ પહેલાં દીપિકાની કૉપી કરતાં ટ્રોલ થઈ
આલિયા તાજેતરમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી. તેનો લુક જોઈને યુઝર્સે તેની મજાક ઉડાવી હતી. આલિયાએ હેરસ્ટાઇલથી લઈ કપડાં સહિત વસ્તુમાં દીપિકાની કૉપી કરી હતી. આલિયા ભટ્ટ દુબઈ ગઈ છે. અહીં રણબીર કપૂર ફૂટબોલ મેચ માટે આવ્યો છે. આલિયા અને રણબીર દુબઈમાં હોલિડે એન્જોય કરશે.