આલિયા ભટ્ટને હોસ્પિટલમાંથી રજા મળી:માતા બન્યા બાદ પહેલી વાર જોવા મળી, નાનકડી પ્રિન્સેસ સાથે કપલ ઘરે આવ્યું

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ હાલમાં જ પેરેન્ટ્સ બન્યા છે. આલિયાએ 6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો છે. દીકીરના જન્મના પાંચ દિવસ બાદ આજે એટલે કે 10 નવેમ્બરના રોજ આલિયાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રણબીર તથા આલિયા દીકરીને લઈ ઘરે ગયા હતા. નાનકડી દીકરીના વેલકમ માટે કપૂર પરિવારે જોરશોરથી તૈયારી કરી રાખી છે.

હોસ્પિટલની બહાર ચાહકો ઉમટ્યા
રણબીર તથા આલિયા હોસ્પિટલમાંથી બહાર આવતા હોય તે સમયની કેટલીક તસવીરો ને વીડિયો સામે આવ્યા છે. બ્લેક રેન્જ રોવર કારમાં રણબીર પોતાના ખોળામાં દીકરી સાથે જોવા મળ્યો હતો. આલિયાની દીકરીની પહેલી ઝલક જોવા માટે હોસ્પિટલની બહાર ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી. આલિયાના ચહેરા પર માતા બનવાની ખુશી સ્પષ્ટ દેખાતી હતી. જોકે, હજી સુધી આલિયાની દીકરીનો ચહેરો સામે આવ્યો નથી.

અમારા જીવનના બેસ્ટ ન્યૂઝ આવ્યા
દીકરીના જન્મની જાહેરાત સો.મીડિયામાં કરી આલિયાએ સો.મીડિયામાં સિંહ, સિંહણ તથા બાળ સિંહની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને આલિયાએ કહ્યું હતું, 'અમારા જીવનના બેસ્ટ ન્યૂઝ આવી ગયા છે. અમારું બેબી આ દુનિયામાં આવી ગયું છે અને તે દીકરી છે. આ ખુશીને વ્યક્ત કરવી મુશ્કેલ છે. અમે બ્લેસ્ડ પેરેન્ટ્સ બની ગયા છીએ. પ્રેમ, પ્રેમ, પ્રેમ આલિયા તથા રણબીર.'

6 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો
આલિયાએ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં પહેલેથી જ રૂમ બુક કરાવીને રાખ્યો હતો. છ નવેમ્બરના રોજ આલિયા તથા રણબીર સવારે સાડા સાત વાગે હોસ્પિટલ આવ્યા હતા. માનવામાં આવે છે કે આલિયાએ C સેક્શનથી દીકરીને જન્મ આપ્યો છે. જોકે, હજી સુધી પરિવારે આ અંગે કોઈ વાત કહી નથી. ઉલ્લેખનીય છે કે આ જ હોસ્પિટલમાં રિશી કપૂર એડમિટ હતા અને તેમણે અહીંયાં અંતિમ શ્વાસ લીધા હતા. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યા હોવાના સમાચાર સામે આવતા જ સેલેબ્સ તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી છે. અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત, મૌની રોય સહિતના સેલેબ્સે કપલને શુભેચ્છા પાઠવી હતી.

14 એપ્રિલે લગ્ન કર્યાં ને જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી
રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં. 27 જૂનના રોજ આલિયાએ સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. તસવીરમાં તે અલ્ટ્રા સાઉન્ડ કરાવતી હતી. આલિયાની સાથે પતિ રણબીર કપૂર હતો. આલિયાએ પ્રેગ્નન્સીમાં સતત કામ કર્યું હતું. પહેલાં તેણે 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે 'ડાર્લિંગ્સ' તથા 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન કર્યું હતું. આલિયાએ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'નું પણ શૂટિંગ કર્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નીતુ સિંહ ફિલ્મ 'જુગ જુગ જિયો'માં જોવા મળ્યાં હતાં. આલિયા તથા રણબીર 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળ્યાં હતાં. આલિયા હવે હોલિવૂડ પ્રોજેક્ટ તથા હિંદી ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'માં જોવા મળશે. રણબીર કપૂર ફિલ્મ 'એનિમલ' તથા લવ રંજનની ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે કામ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...