ડેડીકેશન:આલિયા ભટ્ટ એક દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ, ડિસ્ચાર્જ બાદ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ શરૂ કર્યું

મુંબઈ2 વર્ષ પહેલા

આલિયા ભટ્ટ હાલમાં સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ કરી રહી છે. ગયા વર્ષે કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે પડતું મૂકવામાં આવ્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરથી ફરી પાછુ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આલિયા સતત કામ કરતી હોવાને કારણે તેને એક દિવસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

ડિસ્ચાર્જ બાદ આરામ કરવાને બદલે સેટ પર ગઈ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયા ભટ્ટ ડિસેમ્બર, 2020થી સતત કામ કરી રહી છે. ડિસેમ્બરમાં તેણે 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ કર્યું. ત્યારબાદ હૈદરાબાદમાં 'RRR'નું શૂટિંગ કર્યું હતું. બ્રેક દરમિયાન આલિયા ભટ્ટ પરિવાર તથા રણબીર કપૂર સાથે રણથંભોર ગઈ હતી. ત્યાંથી પરત આવ્યા બાદ ફરી પાછું તેણે શૂટિંગ શરૂ કરી દીધું હતું. સત કામને કારણે આલિયા ભટ્ટમાં એકદમ નબળાઈ આવી હતી. 17 જાન્યુઆરી, રવિવારના રોજ આલિયા ભટ્ટને એડમિટ કરવામાં આવી હતી. આલિયાને એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં એક દિવસ માટે દાખલ કરવામાં આવી હતી. તેને એ જ દિવસે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. આલિયાએ હોસ્પિટલમાંથી આવીને આરામ કરવાને બદલે બીજા દિવસે એટલે કે 18 જાન્યુઆરીના રોજ શૂટિંગ ચાલુ કરી દીધું હતું.

નવા વર્ષે સગાઈ કરે તેવી ચર્ચા હતી
આલિયા ભટ્ટ પરિવાર અને રણબીર કપૂર સાથે રણથંભોર ગઈ હતી. રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ સાથે હોવાથી ચર્ચા થવા લાગી હતી કે બંને નવા વર્ષે સગાઈ કરશે, કારણ કે કપૂર તથા ભટ્ટ પરિવાર અને નિકટના સાથીઓ પણ રણથંભોરમાં હતા. જોકે, આ વાત માત્ર અફવા જ સાબિત થઈ હતી. અહીંયા રણબીર-આલિયાએ સગાઈ કરી નહોતી.

રણબીરે કહ્યું, કોવિડ 19 ના હોત તો આલિયાને પરણી ગયો હોત
ઉલ્લેખનીય છે કે લૉકડાઉનમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરે લગ્ન અંગે કહ્યું હતું કે જો કોરોનાવાઈરસ ના હોત તો તે ક્યારનો આલિયા ભટ્ટને પરણી ગયો હોત.

'બ્રહ્માસ્ત્ર'માં પહેલી જ વાર રણબીર સાથે જોવા મળશે
આલિયા ભટ્ટ પ્રેમી રણબીર કપૂર સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ છેલ્લાં ઘણાં સમયથી બની રહી છે. આલિયા ભટ્ટ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હીરા મંડી'માં કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત, દીપિકા પાદુકોણ, પરિણીતી ચોપરા, વિદ્યા બાલન પણ કામ કરે તેવી શક્યતા છે. આ ફિલ્મ થિયેટરને બદલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થાય તેવી શક્યતા છે.