બોલિવૂડની હોમ ડિલિવરી / હોટ સ્ટાર પર સાત ફિલ્મ સ્ટ્રીમ થશે, શરૂઆત સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’થી થશે

Alia Bhatt, Abhishek Bachchan, Akshay Kumar and Ajay Devgn will announce their film release dates on hot star
X
Alia Bhatt, Abhishek Bachchan, Akshay Kumar and Ajay Devgn will announce their film release dates on hot star

અમિત કર્ણ

Jun 29, 2020, 05:02 PM IST

મુંબઈ. સોમવાર, 29 જૂનના રોજ વરુણ ધવનની મેજબાનીમાં આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર તથા અજય દેવગન ઝૂમ કોલ પર પોતાની અપકમિંગ ફિલ્મ રિલીઝ જાહેરાત કરી હતી. આ સ્ટાર્સની ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે. સૌ પહેલાં સુશાંતની ફિલ્મ ‘દિલ બેચારા’ સ્ટ્રીમ થશે. આ ફિલ્મ 24 જુલાઈએ આવવાની છે. જુલાઈથી ઓક્ટોબર સુધી આ બોલિવૂડની સાત ફિલ્મ સ્ટ્રીમ થશે.

સ્ટાર્સે ફિલ્મના પોસ્ટરના રિલીઝ કર્યાં

  • અક્ષય કુમારે ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. અક્ષય કુમાર કિન્નરના રોલમાં જોવા મળશે.. અક્ષય ત્રીજીવાર કિઆરા અડવાણી સાથે કામ કરશે. આ પહેલાં અક્ષય તથા કિઆરા ‘ગુડ ન્યૂઝ’ તથા ‘ફુગલી’માં સાથે હતાં.
  • અજયે ‘ભુજ’નું પોસ્ટર શૅર કર્યું હતું. પોસ્ટરમાં અજય દેવગન યુનિફોર્મમાં જોવા મળે છે અને સાથે સંજય દત્ત પણ છે. રિયલ લાઈફ સ્ટોરી પર બનેલી આ ફિલ્મ અંગે અજયે કહ્યું હતું કે કેવી રીતે 24 કલાકની અંદર સેનાને મદદ કરવામાં આવી હતી.
  • ‘સડક 2’ અંગે આલિયાએ કહ્યું હતું કે પરિવારે સાથે આવીને ફિલ્મ બનાવી અને તેની વાત જ અલગ છે. ફિલ્મના પોસ્ટરમાં કોઈ એક્ટર જોવા મળતા નથી પરંતુ કૈલાશ માનસરોવર જોવા મળે છે.
  • ‘બિગ બુલ’ અંગે અભિષેકે કહ્યું હતું કે અજય સાથે તેની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મ મહત્ત્વકાંક્ષાઓની વાત કહે છે. પોસ્ટરમાં અભિષેક બચ્ચન વિચારોમાં ડૂબેલો જોવા મળ્યો હતો. 
  • ઉદય શંકરે ‘દિલ બેચારા’, વિદ્યુત જામવાલની ‘ખુદા હાફિઝ’ તથા કુનાલ ખેમુની ‘લૂટકેસ’ના પોસ્ટર રિલીઝ કર્યાં હતાં.   

આ સાત ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે

લક્ષ્મી બોમ્બઃ અક્ષય કુમારની આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સલમાન ખાનની ‘રાધે’ સામે ટકરાવાની હતી. આ ફિલ્મમાં કિઆરા અડવાણી પણ છે. હોરર-થ્રિલર આ ફિલ્મને રાઘવ લોરેન્સે ડિરેક્ટ કરી છે. અક્ષય કુમારે ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘મુન્ની 2: કંચના’ની રિમેક છે. 

ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાઃ અજય દેવગને આ ફિલ્મમાં ઈન્ડિયન એરફોર્સ સ્ક્વૉડ્રન વિજય કર્ણિકનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. ભુજમાં IAF વિજય કર્ણિકે સ્થાનિક 300 મહિલાઓની મદદથી એરબેઝ બનાવ્યો હતો. ફિલ્મમાં નોરા ફતેહી, સોનાક્ષી સિંહા, સંજય દત્ત, શરદ કેલકર, જેવા કલાકારો છે. આ ફિલ્મને અભિષેકે ડિરેક્ટ કરી છે. ઓરિજિનલી આ ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થવાની હતી.

દિલ બેચારાઃ સુશાંત સિંહ રાજપૂત તથા સંજના સાંઘીની આ ફિલ્મનું નામ પહેલાં ‘કિઝી એન્ડ મૅન્ની’ હતું. આ ફિલ્મ હોલિવૂડ રોમાન્સ ડ્રામા ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની રિમેક છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યાં છે. આ ફિલ્મ 8 મેના રોજ રિલીઝ થવાની હતી. સુશાંતની આ છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મ 24 જુલાઈએ સ્ટ્રીમ થશે.

ધ બિગ બુલઃ અભિષેકની આ ફિલ્મ હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. અભિષેકે હર્ષદ મહેતાનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં ઈલેના ડીક્રૂઝ, નિકીતા દત્તા તથા સોહમ શાહ છે. આ ફિલ્મને અજય દેવગન તથા આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મને કુકી ગુલાટીએ ડિરેક્ટ કરી છે. 

સડક 2: 1991માં આવેલી ફિલ્મ ‘સડક’ની સીક્વલ છે. ઓરિજિનલ ફિલ્મમાં પૂજા ભટ્ટ તથા સંજય દત્ત હતાં. રિમેકમાં પૂજા ભટ્ટ તથા સંજય દત્ત ઉપરાંત આલિયા ભટ્ટ તથા આદિત્ય રોય કપૂર છે. આલિયા ભટ્ટ પહેલી જ વાર પિતા સાથે કામ કરી રહી છે. આ ફિલ્મને મહેશ ભટ્ટે ડિરેક્ટ કરી છે. 

ખુદા હાફિઝઃ આ ફિલ્મને ફારુક કબીરે ડિરેક્ટ કરી છે. ફિલ્મને કુમાર મંગત પાઠક તથા અભિષેક પાઠકે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં વિદ્યુત જામવાલ તથા શિવાલિકા ઓબેરોય લીડ રોલમાં છે. 

લૂટકેસઃ આ ફિલ્મમાં કુનાલ ખેમુ ઉપરાંત ગજરાજ રાવ, રસિકા દુગ્ગલ, રણવીર શૌરી તથા વિજય રાઝ છે. ફિલ્મને રાજેશ ક્રિષ્નને ડિરેક્ટ કરી છે અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયોએ પ્રોડ્યૂસ કરી છે. 

લૉકડાઉનના અનુભવો શૅર કર્યાં

અક્ષય કુમારે કહ્યું હતું કે 20 વર્ષની કરિયરમાં તે પહેલી વાર આટલા દિવસ ઘરમાં રહ્યો. આટલા દિવસમાં તો તેણે તથા ડેવિડ ધવને સાથે મળીને બે-ત્રણ ફિલ્મ બનાવી દીધી હોત. હાલમાં તે જીવનની મજા માણી રહ્યો છે. 

ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે અક્ષયે કહ્યું હતું કે તે શનિવારે ફિલ્મ જોવા માટે ક્રેઝી હતો. તેને જમવાનું પણ યાદ રહેતું નહોતું. મહામારી દરમિયાન તે માને છે કે જે બાબતો બદલી ના શકાય તેનો સ્વીકાર કરી લેવો જોઈએ. પરિવાર તથા મિત્રોની સાથે લિવિંગ રૂમમાં ફિલ્મ જોવાની મજા માણો. આ સમયે શો ટાઈમ, ઈન્ટરવલ તથા નાસ્તો બધું  જ તમારી પસંદનું હશે. 

આલિયાએ કહ્યું હતું કે તેણે મેં ગિટારના ક્લાસ શરૂ કર્યાં છે. અઠવાડિયામાં ત્રણ-ચાર ક્લાસ હોય છે. મેડિટેશન કોર્સ પણ કરે છે. આનાથી ઘણી રાહત મળે છે. ટીવી પણ બહુ  જ જોવે છે. 

અજયે કહ્યું હતું કે 22 વર્ષ પહેલાં તે લૉકડાઉન થઈ ગયો હતો. આથી તેણે બદલો લેવાનું વિચાર્યું અને બધું જ લૉકડાઉન કર્યું. જ્યારે ઘરે રહેતો ત્યારે બધાને હેરાન કરતો હતો. જ્યારે એકલો પડતો ત્યારે રાત્રે દોઢ કલાક વેબ શો જોતો હતો. થિયેટર તથા ઘરમાં ફિલ્મ જોવાનો અનુભવ અલગ છે. રોજ થિયેટર જવું શક્ય નથી. હવે નવું માધ્યમ છે અને તેના યુઝર વધારે છે. સારી ફિલ્મ બનશે.

ઉદય શંકરે કહ્યું હતું કે લોકો ઘરમાં બંધ છે. આ સમયે તેમણે એક્ઝિબિશનનું વૈકલ્પિક વર્લ્ડ બનાવવાનું વિચાર્યું. દરેક પ્રકારના પ્રોડ્યૂસરને તક મળે. ફર્સ્ડ ડે ફર્સ્ડ શોની થ્રિલ અહીંયા પણ ફીલ થાય. તેમની પહેલી ફિલ્મ ‘દિલ બેચારા’ છે. આ ફિલ્મથી તેઓ સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ ઓક્ટોબર સુધી તેમની પાસે સારી સારી ફિલ્મ લાઈનઅપમાં છે.

ડિઝ્ની પ્લસ હોટસ્ટારની અંદર સ્ટાર પ્લસ, સ્ટાર ગોલ્ડ જેવી કંપની આવે છે. આ તમામ સાથે અજય દેવગન, અક્ષય કુમારના જૂના સંબંધો છે. અજય તથા સલમાનની સાથે સ્ટારે થોડાં વર્ષ પહેલાં 400 કરોડની ડીલ કરી હતી. અજયને જ્યારે કંપનીએ ‘ભુજ’માટે ડિજિટલ રિલીઝનું પૂછ્યું ત્યારે તે ના પાડી શક્યો નહીં. અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ’આ કંપની હેઠળ જ બને છે. અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ અજયના હોમ પ્રોડક્શનની ફિલ્મ છે. 

‘સડક 2’ ઓગસ્ટના અંતમાં રિલીઝ થઈ શકે છે
આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’નું શૂટિંગ થોડું બાકી છે અને પોસ્ટ પ્રોડક્શનનું કામ બાકી છે. આથી ઓગસ્ટના છેલ્લાં શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા છે. આલિયાનું આ પ્રકારનું એસોસિયેશન પહેલી જ વાર કંપનીની સાથે છે. 

ડિજિટલ રિલીઝને કારણે થિયેટરને ભય નહીં
બિગ સ્ટાર્સની ફિલ્મ ડિજિટલ પર જવા છતાંય ડિસ્ટ્રીબ્યૂટર તથા એક્ઝીબિટર્સે હજી સુધી વિરોધ કર્યો નથી. અક્ષય રાઠીએ કહ્યું હતું કે ફિલ્મ ક્યા રિલીઝ કરવી તેનો અંતિમ નિર્ણય પ્રોડ્યૂસર કરે છે. તેઓ ફિલ્મ બનાવે છે. પ્રોડ્યૂસર્સ તથા એક્ઝીબિટર્સ વચ્ચે છેલ્લાં 100 વર્ષથી સંબંધ છે. આ સંબંધ ક્યારેય તૂટશે નહીં. સારી વાત છે કે સિનેમા તો રહેવાનું જ છે. થિયેટરમાં નવા વિષયોની ક્યારેય ઉણપ આવશે નહીં. 

છ મહિનામાં ફિલ્મ તૈયાર થાય છે
ટેક્નોલૉજી એટલી એડવાન્સ છે કે હવે માત્ર છ મહિનામાં બિગ બજેટની ફિલ્મ તૈયાર થઈ જાય છે. સંજય લીલા ભણસાલીથી લઈને રોહિત શેટ્ટી જેવા ડિરેક્ટર્સ આમ કરે છે. અક્ષય કુમાર વર્ષની ચાર ફિલ્મ કરે છે. આગામી છ-આઠ મહિનામાં થિયેટર માટે ભરપૂર કન્ટેટ રહેશે. જેવું થિયેટર ખુલશે એટલે ફિલ્મ રિલીઝ થવા લાગશે. શરૂઆતમાં જૂની ફિલ્મ રિલીઝ થશે, જેવી રીતે ઓસ્ટ્રેલિયા, ફિજી, ન્યૂઝીલેન્ડમાં ‘સિમ્બા’તથા ‘ગોલમાલ અગેન’રિલીઝ થવાની છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી