એક ખોટાં જવાબથી 'ડમ્બ ગર્લ'ની ઇમેજ બની:આલિયા પર સૌથી વધુ જોક્સ બન્યા; આજે સફળ એક્ટ્રેસ, એક ફિલ્મની ફી 15-20 કરોડ રૂપિયા

11 દિવસ પહેલાલેખક: ઈફત કુરૈશી
  • કૉપી લિંક

'કૉફી વિથ કરન'ના વર્ષ 2013ના એક એપિસોડમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન તથા સિદ્ધાર્થ મલ્હોત્રા ગેસ્ટ હતા. કરને આલિયાને ભારતના રાષ્ટ્રપતિ કોણ છે તે સવાલ કર્યો હતો. આલિયાએ પૃથ્વીરાજ ચૌહાણ કહ્યું હતું. આ જવાબ બાદ સો.મીડિયામાં હંગામો મચી ગયો હતો. આલિયા પર અનેક જોક બન્યા હતા. તેને ડમ્બ (મૂર્ખ)નું ટૅગ આપવામાં આવ્યું હતું.

આટલા ટ્રોલિંગ બાદ કોઈ પણ નર્વસ થઈ જાય, પરંતુ આલિયા એકથી ચઢિયાતી એક ફિલ્મની પસંદગી કરતી હતી. 10 વર્ષના કરિયરમાં આલિયાએ અનેક સફળ ફિલ્મ આપી. વુમન સેન્ટ્રિક ફિલ્મમાં તે અત્યાર સુધીની સફળ એક્ટ્રેસ છે. તેના નામે 'રાઝી', 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'ડાર્લિંગ્સ, 'હાઇવે' જેવી ફિલ્મ છે. આલિયા 'સ્ટૂન્ટ ઑફ ધ યર'ના ઓડિશન માટે સ્કૂલ યુનિફોર્મમાં ગઈ હતી. કરિયરની પીક પર રણબીર સાથે લગ્ન ને 29 વર્ષે માતા બની. પહેલી ફિલ્મ માટે 15 લાખનો ચેક મળ્યો હતો, આજે તે 15-20 કરોડ રૂપિયા એક ફિલ્મ માટે લે છે.

આલિયાના 30મા જન્મદિવસ પર એક ડમ્બ યુવતી સફળ એક્ટ્રેસ બની તેની વાત...

આલિયાને નાનપણથી હિરોઈન બનવું હતું
આલિયાનો જન્મ 15 માર્ચ, 1993માં બ્રિટનમાં થયો છે. આલિયા મહેશ ભટ્ટ અને તેમની બીજી પત્ની સોનીની નાની દીકરી છે. આલિયાને સાવકી બહેન પૂજા ભટ્ટ ને સાવકો ભાઈ રાહુલ ભટ્ટ છે. સગી મોટી બહેન શાહિન છે. આલિયાને નાનપણથી ઘરમાં ફિલ્મી માહોલ મળ્યો છે. આલિયા નાનપણથી એક્ટ્રેસ બનવા માગતી હતી. ટીવી શો 'જીના ઇસી કા નામ હૈ'ના 32મા એપિસોડમાં 8-9 વર્ષની આલિયા પિતા મહેશ ભટ્ટ સાથે આવી હતી. અહીંયા તેણે કહ્યું હતું કે તે એક્ટ્રેસ બનવા માગે છે.

સૌજન્યઃ ઝીટીવી, શો 'જીના ઇસી કા નામ હૈ'
સૌજન્યઃ ઝીટીવી, શો 'જીના ઇસી કા નામ હૈ'

માતાએ એકલે હાથ ઉછેરી, પિતા સાથે સંબંધો સારા નહોતા
મહેશ ભટ્ટ તથા સોની રાઝદાનના સંબંધો એક સમયે સારા નહોતા. સોનીએ દીકરીઓનો એકલે હાથ ઉછેર કર્યો હતો. મહેશ ભટ્ટ પત્ની કે દીકરીઓ પર ખાસ ધ્યાન આપતા નહોતા. એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું કે તે નાનપણમાં પિતાને યાદ કરતી, કારણ કે તેના પિતા તેની સાથે નહોતા. વર્ષો સુધી અલગ રહ્યા બાદ આલિયા ફિલ્મમાં આવી તો પિતા સાથેના સંબંધો સુધરવા લાગ્યા.

5 વર્ષની ઉંમરમાં પહેલી ફિલ્મ મળી
આલિયાએ મહેશ ભટ્ટની ફિલ્મ 'સંઘર્ષ' (1999)માં ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં આલિયાએ પ્રિટી ઝિન્ટાના નાનપણનો રોલ પ્લે કર્યો હતો.

9 વર્ષની ઉંમરે ભણસાલીએ રિજેક્ટ કરી
આલિયાએ 2005માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બ્લેક' માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ તેને રિજેક્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તે રોલ આયેશા કપૂરે પ્લે કર્યો હતો. આયેશાને તે ફિલ્મ માટે 7 અવૉર્ડ મળ્યા હતા.

12 વર્ષની ઉંમરે રણબીર સાથે ડેબ્યૂ કરવાની હતી
'બ્લેક' ફિલ્મમાં રિજેક્ટ થયા બાદ સંજય લીલા ભણસાલીએ 12 વર્ષની આલિયાને ફિલ્મ 'બાલિકાવધુ' માટે કાસ્ટ કરી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર હતો. જોકે, આ ફિલ્મ બની જ નહીં.

ધોરણ 12 પૂરું ના કર્યું
આલિયા હંમેશાં એક્ટ્રેસ બનવા માગતી હતી, આ જ કારણે તેણે ધોરણ 12નો અભ્યાસ છોડી દીધો.

લેઇટ નાઇટ પાર્ટી કરતા પિતાએ ધમકાવી
ટીનએજમાં આલિયા પાર્ટી ગર્લ હતી. એકવાર તે 16-17 વર્ષની ઉંમરમાં આલિયા ખોટું બોલીને લેટ નાઇટ પાર્ટી ગઈ હતી. મહેશ ભટ્ટને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે આલિયાને ધમકાવી હતી.

500 યુવતીઓની વચ્ચે સ્કૂલ ડ્રેસ પહેરીને આલિયાએ ઓડિશન આપ્યું
આલિયા ભટ્ટને નેપોટિઝ્મના નામે ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ તેને 'સ્ટૂડન્ટ ઑફ ધ યર' ઓડિશનથી જ મળી હતી. આલિયા તે સમયે 19 વર્ષની હતી. તેને ઓડિશનની માહિતી મળી તો તે સ્કૂલ યુનિફોર્મમાં કરનની ઓફિસ ગઈ હતી. અહીંયા 500 યુવતીઓના ઓડિશન થઈ ચૂક્યા હતા. આલિયાએ સ્કૂલ ડ્રેસમાં ઓડિશન આપ્યું. આલિયાને 'બહારા બહારા..' ગીત પર ડાન્સ કરતી જોઈને કરન ઇમ્પ્રેસ થઈ ગયો હતો.

કરનના કહેવા પર 16 કિલો વજન ઘટાડ્યું
આલિયા એક્ટિંગથી કરન ઇમ્પ્રેસ થઈ ગયો હતો. તે સમયે આલિયાનું વજન 68 કિલો હતો. કરને 16 કિલો જેટલું વજન ઘટાડવાનું કહ્યું હતું. આલિયાએ ત્રણ મહિનામાં વજન ઘટાડ્યું હતું.

આલિયા હિરોઈન બની તો સિદ્ધાર્થ મલ્હોત્રાને નવાઈ લાગી
વજન ઘટાડ્યા બાદ આલિયા ફરીવાર સ્કૂલ ડ્રેસમાં કરનની ઓફિસ આવી હતી. અહીંયા આ જ ફિલ્મથી ડેબ્યૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હતો. સ્કૂલ ડ્રેસમાં આવેલા યુવતી ફિલ્મની હિરોઈન છે તે વાત જાણીને તે શૉક્ડ રહી ગયો હતો. સિદ્ધાર્થે કરનને પૂછ્યું કે તમે શ્યોર છો કે આ હિરોઈન બનશે. આ સમયે તેને જાણ થઈ કે આલિયા મહેશ ભટ્ટની દીકરી છે.

પહેલી ફિલ્મ માટે 15 લાખ મળ્યા
આલિયા ભટ્ટને પહેલી ફિલ્મ માટે 15 લાખ રૂપિયા ફી મળી હતી. આ રકમ તેણે માતા સોનીને આપી હતી. ત્યારબાદથી સોની જ આલિયાનું ફાઇનાન્સ જુએ છે.

રાતના ત્રણ વાગ્યે બૉડીગાર્ડ નશામાં પહોંચ્યો
આલિયા એકવાર સિદ્ધાર્થ મલ્હોત્રાને મળતા તેના ઘરે ગઈ હતી. આલિયાએ બૉડીગાર્ડને ઘરની બહાર ઊભા રહેવાનું કહ્યું હતું. જ્યારે તે બહાર નીકળી ત્યારે બૉડીગાર્ડ નહોતો. આલિયાએ ફોન કર્યા, પરંતુ જવાબ મળ્યો નહોતો. જ્યારે બૉડીગાર્ડ આવ્યો ત્યારે આલિયાએ વાત કરી તો તેને ખ્યાલ આવ્યો કે તે નશામાં ધૂત છે. આલિયાએ માતાને આ અંગે વાત કરી, અને બીજા દિવસે સોની રાઝદાને બૉડીગાર્ડને કાઢી મૂક્યો હતો.

ફિલ્મમાં આવતા મા-બાપનું ઘર છોડ્યું
કરિયર સ્ટેબલ થતાં જ આલિયાએ પેરેન્ટ્સનું ઘર છોડીને બહેન શાહિન સાથે નવું ઘર ખરીદીને ત્યાં રહેવા લાગી હતી. તેણે પોતાની પ્રાઇવસી માટે આ નિર્ણય લીધો હતો.

'કૉફી વિધ કરન'માં ખોટાં જવાબને કારણે 'ડમ્બ ગર્લ'ની ઇમેજ બની
2013માં આલિયા 'કૉફી વિથ કરન'ની ચોથી સિઝનમાં વરુણ ધવન તથા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આવી હતી. રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરન જોહરે ભારતના પ્રેસિડન્ટ અંગે સવાલ કર્યો હતો. આલિયાએ અવાજ મોટો કરીને જવાબમાં પૃથ્વીરાજ ચૌહાણ કહ્યું હતું. તે સમયે ભારતના રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી હતા. સિદ્ધાર્થ જવાબ સાંભળીને શૉક્ડ થઈ ગયો હતો તો કરન હસી હસીને બેવડ વળી ગયો હતો. સાચો જવાબ જાણ્યા બાદ આલિયાએ કહ્યું હતું કે બંનેના નામ 'P'થી શરૂ થાય છે.

IQની મજાક ઉડાવી તો જાતે વીડિયો બનાવી
આલિયાના IQની દેશભરમાં મજાક ઉડી હતી અને તેની પર અઢળક મીમ બન્યા હતા. જર્નલિસ્ટ માલવિકા સાંઘવીએ એક આર્ટિકલમાં આલિયાને ડમ્બ બ્લોન્ડ સ્ટીરિયોટાઇપ કહી હતી. 2015માં આલિયાએ ટ્રોલિંગ પર AIBની યુ ટ્યૂબ ચેનલ માટે 'આલિયા ભટ્ટઃ જીનિયસ ઑફ ધ યર' વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સટાયર હતો. આલિયાએ પોતાની મજાક ઉડાવી હતી.

નોન ગ્લેમરસ રોલથી ડમ્બ ગર્લની ઇમેજ બદલી
2014માં આલિયા ફિલ્મ 'હાઇવે'માં જોવા મળી હતી. આ ફિલ્મ માટે તેને ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. ગ્લેમરસ આલિયાને નોન-ગ્લેમરસ રોલમાં જોઈને દરેકને નવાઈ લાગી હતી. પછી તે '2 સ્ટેટ્સ', 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'કપૂર એન્ડ સન્સ', 'ઉડતા પંજાબ', 'ડિયર જિંદગી', 'બદ્રીનાખ કી દુલ્હનિયા', 'રાઝી' જેવી ફિલ્મ કરીને આલિયા ટોચની એક્ટ્રેસ બની હતી.

બિહારી યુવતી માટે મોબાઇલ વાપરવો બંધ કર્યો
2016માં આલિયા 'ઉડતા પંજાબ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ગામડાંની બિહારી યુવતી ને હૉકી પ્લેયરનો રોલ પ્લે કર્યો હતો. વૉગને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પાત્રને સમજવા માટે તેણે રિયલ લાઇફમાં મોબાઇલ વાપરવાનો બંધ કરી દીધો હતો અને પંકજ ત્રિપાઠીની મદદથી બિહારી શીખી હતી.

આ ફિલ્મ્સથી એક્ટિંગ સ્કિલ વખણાઈ
'રાઝી'માં આલિયાએ સહમત ખાન નામની અંડરકવર એજન્ટનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ માટે તેણે કોડિંગ ને હથિયર ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. આલિયાએ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં દમદાર એક્ટિંગ કરી હતી. આ ફિલ્મમાં આલિયાના કાસ્ટિંગ સામે અનેક લોકોએ સવાલ કર્યા હતા. જોકે, ફિલ્મ રિલીઝ થતાં જ ક્રિટિક્સે આલિયાની એક્ટિંગના ભરપેટ વખાણ કર્યા હતા. કોરોનાકાળમાં રિલીઝ થયેલી આ ફિલ્મે 209 કરોડનો બિઝનેસ કર્યો હતો.

ગયા વર્ષે લગ્ન કર્યા
આલિયા તથા રણબીર કપૂરે પાંચ વર્ષના ડેટિંગ બાદ એપ્રિલ, 2022માં લગ્ન કર્યા હતા. 'કૉફી વિથ કરન'ના એક એપિસોડમાં આલિયાએ કહ્યું હતું કે તેના સ્વયંવરમાં તે કયા એક્ટરને બોલાવશે તો આલિયાએ રણબીરનું નામ લીધું હતું. આલિયા નવ વર્ષની હતી, ત્યારથી તેને રણબીર પર ક્રશ હતો. આલિયાએ નવેમ્બર, 2022માં દીકરી રાહાને જન્મ આપ્યો હતો.

પ્રોડક્શનમાં ડેબ્યૂ કર્યું
આલિયાએ 2022થી 'ડાર્લિંગ્સ' ફિલ્મથી પ્રોડક્શનમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીજ થઈ હતી. આલિયાના પ્રોડક્શનનું નામ 'ઇન્ટરનલ્સ સનશાઇન પ્રોડક્શન' છે.

આલિયા ભટ્ટ બિઝનેસ વુમન છે
આલિયા એક ફિલ્મ માટે 15-20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. 2013માં આલિયાએ 'સ્ટાઇલ ક્રેકર' નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. 2020માં આલિયાએ 'એડ એ મમ્મા' કરીને નવી કંપની શરૂ કરી હતી. આ કંપની ચારથી 12 વર્ષના બાળકોના કપડાં ને જરૂરી સામાન વેચે છે. 2022માં આલિયાએ પ્રેગ્નન્ટ મહિલાઓ માટેનું કલેક્શન લૉન્ચ કર્યું હતું. આલિયાની આ બ્રાન્ડે 2021માં 150 કરોડનો બિઝનેસ કર્યો હોવાનો અહેવાલ છે. આલિયાની નેટવર્થ 189 કરોડ છે. મુંબઈ ઉપરાંત લંડનમાં પણ તેનું ઘર છે.

અન્ય સમાચારો પણ છે...