બોલિવૂડની ફિટ એક્ટ્રેસિસમાંથી એક દિશા પટની હાલમાં પ્રોફેશનલ લાઇફને બદલે પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. ટાઇગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ દિશા અવારનવાર એલેકઝાન્ડર એલેક્સ સાથે જોવા મળે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એલેક્ઝેન્ડર એલેક્સ દિશા સાથેના સંબંધો અંગે વાત કરી હતી.
શું કહ્યું એલેક્ઝેન્ડરે?
એલેકઝાન્ડરે દિશા સાથેના લિંકઅપના સમાચાર અંગે કહ્યું હતું, 'હું જોઈ રહ્યો છું કે છેલ્લાં કેટલાંક સમયથી અમારી પર્સનલ લાઇફ અંગે લોકો કંઈકને કંઈક લખે છે. અમને આની સચ્ચાઈ ખબર છે. મને એ ખબર નથી પડતી કે અમારા જીવનમાં બીજા લોકો કેમ દખલ કરે છે? આ લોકો અમને શાંતિથી કેમ જીવવા નથી દેતા? મને આ સમાચારો જોઈને બહુ જ હસવું આવે છે.'
દિશા-ટાઇગરના સંબંધો અંગે હું શું કહું?
એલેકઝાન્ડરને દિશા તથા ટાઇગરના બ્રેકઅપ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું, 'હું કોણ છું કે કોઈના સંબંધો અંગે વાત કરું. તે બંને મારા ખાસ મિત્રો છે. હું બંને સાથે બહાર ફરતો હોઉં છું.' એલેક્ઝેન્ડરે ટાઈગર શ્રોફ તથા તેની બહેન કૃષ્ણા શ્રોફ અંગે વાત કરતાં કહ્યું હતું કે તે આ બંનેને કરિયરના શરૂઆતના દિવસથી ઓળખે છે અને તેઓ સારા મિત્રો છે.
દિશાને ક્યારે મળ્યો હતો?
એલેકઝાન્ડરેએમ પણ કહ્યું હતું કે તે સાઇબિરિયાનો છે અને છેલ્લા સાત વર્ષથી ભારતમાં રહે છે. મુંબઈમાં તે પહેલી જ વાર દિશાને મળ્યો હતો. તે સમયે દિશા બોલિવૂડમાં કામ કરવાનો પ્રયાસ કરતી હતી.
ફ્લેટમાં સાથે રહેતા હતા
એલેકઝાન્ડરે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ 2015માં એક જ ફ્લેટમાં સાથે રહેતા હતા. તે સમયે દિશા કોઈ એજન્સી સાથે જોડાયેલી હતી. તે દિશા તથા અન્ય મોડલ મિત્રો ફ્લેટમાં રૂમ શૅર કરતા હતા. તે અને દિશા બંને ફિટનેસ અંગે ઘણા જ સજાગ છે અને આ જ કારણે તેમની મિત્રતા ગાઢ થઈ હતી. તેઓ સાથે જિમમાં જતા અને પછી લંચ-ડિનર પણ સાથે કરતા હતા. તેના માટે દિશા પરિવાર જેવી છે.
છ વર્ષના બ્રેકઅપ બાદ સંબંધો તૂટ્યા
દિશા તથા ટાઇગર છેલ્લાં છ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. જોકે, થોડાં સમય પહેલાં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. દિશા-ટાઇગરના કોમન મિત્રે દાવો કર્યો હતો કે રિલેશનશિપમાં આવ્યા બાદ બંને લગભગ સાથે જ રહેતા હતા. ટાઇગર છેલ્લાં ઘણાં વર્ષોથી પેરેન્ટ્સ જેકી શ્રોફ તથા આયેશા શ્રોફથી અલગ રહે છે. આથી જ દિશા મોટાભાગે ટાઇગરના ઘરે જ રહેતી હતી. ગયા વર્ષે દિશા પટનીને લગ્નની વાત કરવાનું શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશાએ ટાઇગર સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી હતી અને લગ્ન અંગે કહ્યું હતું. જોકે, ટાઇગરે ચોખ્ખી ના પાડી દીધી હતી. દિશાએ ઘણીવાર લગ્ન અંગે વાત કરી હતી. જોકે, દર વખતે ટાઇગરનો એક જ જવાબ રહેતો, 'ના, અત્યારે નહીં.' દિશા લગ્ન માટે ઉતાવળી હતી, પરંતુ ટાઇગર લગ્નના બંધનમાં બંધાવા માગતો નહોતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.