ધરમ કરતાં ધાડ પડી:અક્ષય કુમારને રોડ સલામતીની જાહેરાત કરવી ભારે પડી, દહેજપ્રથાને પ્રોત્સાહન આપવાનો આરોપ

મુંબઈ20 દિવસ પહેલા

ભારત સરકાર કારમાં છ એરબેગનો નિયમ લાગુ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે, કારણ કે હજી પણ કાર કંપનીઓ આ નિયમનો સ્વીકાર કરવા તૈયાર નથી. સરકારના આ નિર્ણય પર દેશની દિગ્ગજ કાર કંપની મારુતિ સુઝુકીએ કહ્યું હતું કે જો આ નિયમ લાગુ કરવામાં આવ્યો તો નાની કારનું બજેટ ઘણું જ વધી જશે અને અનેક મોડલ્સના બેઝ વેરિયન્ટનું પ્રોડક્શન બંધ કરવું પડશે. આ દરમિયાન સરકારે છ એરબેગની જાગૃતિ લાવવા માટે એક જાહેરાત રિલીઝ કરી છે. આ જાહેરાતમાં અક્ષય કુમાર છે. જોકે અક્ષય કુમાર આ જાહેરાતને કારણે સો.મીડિયામાં ઘણો જ ટ્રોલ થયો છે.

શું છે આ જાહેરાતમાં?
આ જાહેરાતમાં અક્ષય કુમાર ટ્રાફિક-પોલીસ બન્યો છે. કન્યા વિદાય થઈ રહી છે. જાહેરાતમાં દુ્લ્હનને પિતા તરફથી કાર ગિફ્ટમાં મળી છે અને તે કારમાં બેસીને રડે છે. અક્ષય કુમાર દુલ્હનના પિતાને કહે છે કે આ કારમાં છ એરબેગ નથી અને દીકરી રડશે જ. ત્યાર બાદ પિતા દીકરીને 6 એરબેગવાળી કાર ગિફ્ટ કરે છે અને તે હસવા લાગે છે. આ વીડિયો યુનિયન મિનિસ્ટર નીતિન ગડકરીએ સો.મીડિયામાં શૅર કર્યો છે. જોકે આ વીડિયોમાં દહેજને પ્રમોટ કર્યો હોવાનો આક્ષેપ નેતા તથા સો.મીડિયા યુઝર્સે કર્યો છે.

શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીને આ એડ વાંધાજનક લાગી હતી. તેમણે કહ્યું હતું કે દહેજને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પ્રિયંકાએ કહ્યું હતું કે આ જાહેરાત ખરેખર વાંધાજનક છે. કોણે આ જાહેરાત પાસ કરી? શું સરકાર સલામતીને બદલે આ જાહેરાતના માધ્યમથી દહેજને પ્રમોટ કરે છે?

તૃણમુલ કોંગ્રેસના નેશનલ પ્રવક્તા સાકેત ગોખલેએ કહ્યું હતું કે ઇન્ડિયન ગવર્નમેન્ટ દહેજને પ્રમોટ કરે છે, આ ખરેખર નિંદનીય છે. કાર અકસ્માત ખોટી રોડ ડિઝાઇનને કારણે થયો હતો અને સરકાર રસ્તાઓ યોગ્ય કરવાને બદલે સિક્સ એરબેગ્સ પર ભાર મૂકી રહી છે.

અન્ય એક સો.મીડિયા યુઝરે કહ્યું હતું કે આ જાહેરાત બકવાસ છે. લગ્ન, વિદાય ને દહેજની સાથે છ એરબેગ કારને કઈ રીતે જોડી શકાય? સરકાર પાસે રોડ સેફ્ટી અંગે વાત કરવા માટે બીજો કોઈ રસ્તો નહોતો?

નોંધનીય છે કે જાણીતા બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યાર બાદ સરકારે રોડ સેફ્ટીની જાહેરાત રિલીઝ કરી હતી.

નીતિન ગડકરીએ સો.મીડિયામાં જાહેરાત શૅર કરી
સરકારે લોકોમાં કારમાં છ એરબેગ્સ માટે અવેરનેસ લાવવા માટે અક્ષય કુમારને લઈ જાહેરાત બનાવી છે. મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે ઑફ ઇન્ડિયાએ આ જાહેરાત બનાવી છે. પરિવહનમંત્રી નીતિન ગડકરીએ સો.મીડયામાં આ જાહેરાત શૅર કરીને કહ્યું હતું, '6 એરબેગવાળી કારમાં સફર કરવાથી તમારું જીવન સલામત રહેશે.'

અન્ય સમાચારો પણ છે...