મૂવી રિવ્યૂ:અક્ષય કુમારની 'બેલબોટમ' કોરોનાકાળમાં ચાહકોને થિયેટર સુધી લાવવાની ક્ષમતા ધરાવે છે

મુંબઈ2 વર્ષ પહેલાલેખક: આકાશ ખરે
  • કૉપી લિંક
  • ટાઇમ ડ્યૂરેશનઃ 2 કલાક 5 મિનિટ
  • મૂવી રેટિંગઃ 4/5

કોરોનાને કારણે દુનિયામાં હાહાકાર મચી ગયો હતો ત્યારે અક્ષય કુમારે 'બેલબોટમ'થી હિંદી સિનેમાનું કામ ફરીથી શરૂ કર્યું હતું. આજે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરી છે. 'બેલબોટમ' એવી ફિલ્મ છે, જે જોવા માટે દર્શકો થિયેટર સુધી લાંબા થઈ શકે છે. અફલાતનુ સ્ટોરી, દમદાર સ્ક્રીનપ્લે, બેસ્ટ એક્ટિંગ તથા કમાલનું ડિરેક્શન. જેને ખામીઓ કાઢવી જ છે, તે પણ આ ફિલ્મમાં ભાગ્યે જ કોઈ ખામી કાઢી શકશે.

તમે આ ફિલ્મ પાસેથી જેવી એક્શનની અપેક્ષા રાખો છો, તેવી એક્શન જોવા મળશે નહીં. 'લખનઉ સેન્ટ્રલ' તથા 'પટિયાલા હાઉસ' જેવી ફ્લોપ ફિલ્મ આપનારા ડિરેક્ટર રણજીત એમ તિવારીએ આ ફિલ્મમાં ઘણી જ મહેનત કરી છે. અસીમ અરોરા તથા પરવેઝ શેખે આ ફિલ્મ લખી છે.

80ના દાયકામાં થયેલા રિયલ લાઇફ હાઇજેકિંગ ઇવેન્ટ્સ પર આધારિત
ફિલ્મની વાર્તા 80ના દાયકામાં થયેલા રિયલ લાઇફ હાઇજેકિંગ ઇવેન્ટ્સથી પ્રેરિત છે. ફિલ્મ ભારતમાં થયેલા એક પ્લેન હાઇજેકથી શરૂ થાય છે. આ મિશનને નિષ્ફળ બનાવવા માટે રૉ એજન્ટ બેલબોટમ (અક્ષય કુમાર)ને બોલાવવામાં આવે છે. ત્યારબાદ બેલબોટમની બેક સ્ટોરી ચાલે છે અને દર્શકોને ખ્યાલ આવે છે કે તે કેવી રીતે રૉ એજન્ટ બન્યો હતો. પછી કહાની ફરી વર્તમાનમાં આવે છે. દુબઈમાં ભારતનું કોવર્ટ મિશન શરૂ થાય છે. ફિલ્મમાં ઘણાં જ ઇમોશન્સ જોવા મળે છે અને અનેક ટર્ન એન્ડ ટ્વિસ્ટ છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં દર્શકો માટે સરપ્રાઇઝ પણ છે.

ફિલ્મમાં કલાકારોએ દમદાર કામ કર્યું
એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમારે ઘણી જ સારી એક્ટિંગ કરી છે. વાણી કપૂરનો રોલ નાનો છે, પરંતુ તેણે નાના રોલમાં પણ પોતાની દમદાર ઇમેજ બનાવી છે. લારા દત્તાએ ઈન્દિરા ગાંધીનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં હુમા કુરૈશી તથા આદિલ હુસૈન પણ છે. મુખ્ય હાઇજેકરના રોલમાં ઝૈન ખાન દુર્રાની જોવા મળે છે.

ફિલ્મના વિઝ્યુઅલ્સ સારા છે. સ્કોટલેન્ડના રિયલ લોકેશન હોય કે પછી ત્યાં બનાવવામાં આવેલો ફિલ્મ સેટ, તમામ દૃશ્યો ફીલ ગુડ કરાવે છે. ફિલ્મના સંવાદો દમદાર નથી. એકાદ-બે સંવાદોને બાદ કરીએ તો એક પણ સંવાદ યાદ રહી જાય તેવો નથી. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક કમાલનું છે. જો તમે લાંબા સમયથી થિયેટરમાં ના ગયા હો તો આ ફિલ્મ તમને થિયેટરમાં જકડી રાખશે અને સહેજ પણ નિરાશ કરશે નહીં.