ખિલાડી કુમાર બીજીવાર કોરોના પોઝિટિવ:કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં, BMCએ કહ્યું- અમને ખબર નથી

મુંબઈ14 દિવસ પહેલા
  • ગયા વર્ષે એપ્રિલમાં અક્ષય કુમારને કોરોના થયો હતો

બોલિવૂડનો ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર બીજીવાર કોરોના પોઝિટિવ થયો છે. તેણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. પોઝિટિવ હોવાને કારણે તે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં. આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને કન્ટ્રી ઑફ ઓનર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની સાથે ભારતીય પ્રતિનિધિ મંડળમાં અક્ષય કુમાર પણ જવાનો હતો.

કાન માટે ટીમને શુભેચ્છા પાઠવી
'કાન 2022માં ભારતીય પેવેલિયનમાં આપણા સિનેમા માટે હું ઘણો જ ઉત્સાહમાં હતો, પરંતુ દુઃખની વાત એ છે કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ જ કારણે હવે હું આરામ કરીશ. કાન માટે અનુરાગ ઠાકુર તથા તેમની ટીમને અઢળક શુભેચ્છા.' નોંધનીય છે કે ગયા વર્ષે એપ્રિલમાં અક્ષય કુમારને કોરોના થયો હતો અને તે હોસ્પિટલમાં એડમિટ થયો હતો.

અક્ષય કુમારની સો.મીડિયા પોસ્ટ.
અક્ષય કુમારની સો.મીડિયા પોસ્ટ.

હોમ ક્વૉરન્ટિન છે
BMCના અધિકારીઓએ કહ્યું હતું કે અક્ષય કુમારનું નામ અમારા કોવિડ પોઝિટિવ દર્દીઓના લિસ્ટમાં સામેલ નથી. બની શકે તેણે ઘરે જ ટેસ્ટ કરાવ્યો હોય. અક્ષય કુમારે કોવિડ પોઝિટિવ માર્ક કરવા માટે ઑફિશિયલ એપનો ઉપયોગ કરવો પડશે. તે સાત દિવસ સુધી હોમ ક્વૉરન્ટિન રહેશે.

'પૃથ્વીરાજ'ના એક સીનમાં માનુષી સાથે અક્ષય.
'પૃથ્વીરાજ'ના એક સીનમાં માનુષી સાથે અક્ષય.

અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ' 3 જૂનના રોજ રિલીઝ થશે. આ ઉપરાંત તેણે 'સેલ્ફી'નું શૂટિંગ પૂરું કર્યું છે. રાધિકા મદન સાથે અનટાઇટલ્ડ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. 11 ઓગસ્ટના રોજ 'રક્ષાબંધન' રિલીઝ થશે. ઓક્ટોબરમાં 'રામસેતુ' આવશે.

ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત 'કન્ટ્રી ઑફ ઓનર'
આ વર્ષે યોજાનારા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને ઑફિશિયલી 'કન્ટ્રી ઑફ ઓનર' તરીકે પસંદ કરવામાં આવ્યું છે. પહેલી જ વાર કાનમાં આ રીતની ટ્રેડિશન શરૂ કરવામાં આવી છે. અનુરાગ ઠાકુરે કહ્યું હતું, 'કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઑફિશિયલી ભારતને કન્ટ્રી ઑફ ઓનર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. અમે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એક જ મેસેજ આપવા માગીએ છીએ કે 'ઇન્ડિયા ધ કન્ટેન્ટ હબ ઑફ ધ વર્લ્ડ', ભારતને અમે આ દિશામાં રજૂ કરીશું.'