'ખિલાડી કુમાર'નો ઈતિહાસ પર સવાલ:અક્ષય કુમારે કહ્યું, 'આક્રમણકારીઓ અંગે ભણાવવામાં આવ્યું, આપણા રાજા-મહારાજા અંગે નહીં'

મુંબઈ2 મહિનો પહેલા
  • અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' 3 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થશે

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની નવી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' 3 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. અક્ષય કુમાર જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. હાલમાં જ અક્ષય કુમારે ન્યૂઝ એજન્સી ANIને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યૂથી લઈને મુઘલોની ક્રૂરતા અંગે વાત કરી હતી.

​​​​​​શું કહ્યું અક્ષયે?
અક્ષય કુમારે કહ્યું હતું, 'આપણને જે ઈતિહાસ ભણાવવામાં આવ્યો છે, તેમાં આપણા રાજાઓ જેવા કે મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ અંગે બહુ ઓછી વાત કરવામાં આવી છે. હું એજ્યુકેશન મિનિસ્ટરને અપીલ કરવા માગીશ કે તે આ બાબત જુએ. આપણે બેલેન્સ કરવું જોઈએ. હું એમ નથી કહેતો કે મુઘલો અંગે ના ભણાવવામાં આવે, પરંતુ આપણા રાજાઓ અંગે પણ ભણાવવામાં આવે. તે પણ મહાન હતાં અને આ માહિતી દરેકને કહેવી જોઈએ. બાળકોને મહારાણા પ્રતાપ અંગે જણાવવું જોઈએ.'

વધુમાં અક્ષય કુમારે કહ્યું હતું કે ઈતિહાસના પુસ્તકોમાં પૃથ્વીરાજ ચૌહાણ વિશે તો બે-ત્રણ લાઇન જ છે. આક્રમણકારીઓ અંગે પુસ્તકો લખવામાં આવ્યા છે. એક્ટરને કાશી તથા સોમનાથ જવા અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં અક્કીએ કહ્યું હતું કે તે અહીંયા હિંદુત્વ માટે નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાને કારણે ગયો હતો. આ ઉપરાંત પૃથ્વીરાજનો આ જગ્યાઓ સાથે સંબંધ છે. તે ધાર્મિક આસ્થાને કારણે નહીં, પરંતુ સંસ્કૃતિને કારણે ગયો હતો. તે એટલે ગયો હતો, કે તે લોકોને કહી શકે કે આ આપણી સંસ્કૃતિ છે. ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ તેને કહ્યું હતું કે પૃથ્વીરાજ ચૌહાણ તથા સોમનાથ-કાશી વચ્ચે શું સંબંધો છે.

અક્ષય કુમાર જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
અક્ષય કુમાર જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

કેકેના મોત અંગે શોક પ્રગટ કર્યો
અક્ષય કુમારે 53 વર્ષીય બોલિવૂડ સિંગર કેકેના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે સિંગર તેના કરિયરનો હિસ્સો હતાં. જે પણ થયું તે આઘાતજનક હતું. માનસિક સ્વાસ્થ્ય અંગે એક્ટરે કહ્યું હતું કે તમારે તમારી જાતને શાંત રાખવી જોઈએ. લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાની જરૂર છે. જ્યાં સુધી કોવિડ 19માંથી આપણે બહાર ના આવીએ ત્યાં સુધી દોડાદોડી થોડી ઓછી કરવી જોઈએ.

ડિરેક્ટરનો સવાલ, સોમનાથ ને કાશી કોણે તોડ્યું હતું?
આ દરમિયાન ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે તે સાંસ્કૃતિક પુનરુત્થાન તથા મંદિરોનું બીજીવાર નિર્માણ કરવામાં આવે તેને ખોટું માનતા નથી. તેઓ સોમનાથ અને વારાણસી કેમ ગયા? આપણને ખ્યાલ છે કે ભારતનું સાંસ્કૃતિક પાટનગર વારાણસી છે. ગંગા તથા હિમાલય આપણા ઈતિહાસના સાક્ષી છે, આ આપણી ભાવનાની વાત છે. આ દેશમાં ઘણી જ ડિબેટ ચાલે છે, તેથી જ તેમના મનમાં હતું કે લોકોને યાદ કરાવે કે પહેલી વાર કાશી વિશ્વનાથ મંદિરને કુતુબુદ્દીને તોડ્યું હતું. ફિલ્મમાં સોમનાથનો ઉલ્લેખ પણ છે. સોમનાથને અનેક વાર તોડવામાં આવ્યું અને લોકોની સામે સવાલ હતો કે શું તેને એમ જ રહેવા દેવામાં આવે? જોકે, 1947માં સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી તથા રાજેન્દ્ર પ્રસરાદ સહિતના નેતાઓએ પ્રયાસ કર્યો. ઈસ 1192 પછી દેશ ગુલામ રહ્યો અને દેશે ઘણું જ સહન કર્યું છે. હવે આ સમય છે જ્યારે પુનરુત્થાન થવું જોઈએ.

ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી.
ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી.

વધુમાં ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું હતું કે ઈતિહાસમાં અલગ અલગ દૃષ્ટિકોણ છે અને તેને વધુ રસપ્રદ બનાવે છે. તેમને જે ફિલ્મ બનાવી છે, તેમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે લોકપ્રિય વિચાર કયો છે. તેમને એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે ઈતિહાસના વિરોધમાં કંઈ ના હોય. તમામ વિચારોનું ધ્યાન રાખ્યું છે. તેમને આજ સુધી ઈતિહાસ વિરુદ્ધનું કંઈ જ બનાવ્યું નથી.

અક્ષયે વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યૂ લીધો તે અંગે શું કહ્યું?
અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ લીધો હતો. આ અંગે એક્ટરને સવાલ કરવામાં આવ્યો હતો. ખિલાડી કુમારે કહ્યું હતું, 'મને ખ્યાલ નહોતો કે વડાપ્રધાનના ઇન્ટરવ્યૂ કરવાની તક મળશે. શરૂઆતમાં હું અસહજ હતો, પરંતુ જ્યારે મેં વાત કરવાની શરૂ કરી ત્યારે તેમણે મને સહજ ફિલ કરાવ્યું હતું. તેમની સૌથી સારી વાત એ હતી કે તેમને ખ્યાલ છે કે પોતાને કેવી રીતે લોકો પ્રમાણે ઢાળવાના છે. જો તે બાળકો સાથે વાત કરશે તો તેઓ બાળક બનીને વાત કરશે. આપણી સાથે વાત કરશે તો તે એ રીતે પોતાની જાતને ઢાળશે.

અન્ય સમાચારો પણ છે...