અક્ષય કુમારને અવાર-નવાર કેનેડિયન કુમાર કહીને ટ્રોલ કરવામાં આવે છે. 2019માં હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટમાં અક્ષય કુમારે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી હોવાનું કહ્યું હતું. હવે ફરી એકવાર આ જ સમિટમાં અક્ષય કુમારે કહ્યું હતું કે ટૂંક સમયમાં તેનો ભારતીય પાસપોર્ટ આવી જશે.
શું કહ્યું અક્ષય કુમારે?
અક્ષય કુમારને સમિટમાં પૂછવામાં આવ્યું હતું કે તેનો પાસપોર્ટ આવી ગયો? અક્ષય કુમારે જવાબમાં કહ્યું હતું કે કેનેડિયન પાસપોર્ટ હોવાનો અર્થ એ નથી કે તે ભારતીય નથી. તે આજે પણ સાચો દેશવાસી છે. કેનેડિયાન પાસપોર્ટ આવ્યાના નવ વર્ષથી તે ભારતમાં રહે છે.
અક્ષયે વધુમાં કહ્યું હતું કે તેણે 2019માં તેણે પાસપોર્ટ માટે અરજી કરી હોવાની વાત કહી હતી. ત્યારબાદ કોરોના આવી ગયો હતો. બે-અઢી વર્ષ સુધી બધુ બંધ રહ્યું હતું. હવે તેનો રિનાઉન્સનો લેટર આવી ગયો છે અને ટૂંક સમયમાં તેનો પાસપોર્ટ પણ આવશે.
એક વર્ષમાં એકથી વધુ ફિલ્મ કરવા અંગે શું કહ્યું?
સમિટમાં અક્ષય કુમારને પૂછવામાં આવ્યું હતું કે સો.મીડિયા યુઝર્સે તે વર્ષમાં ઘણી બધી ફિલ્મ કરતો હોવાને કારણે ટ્રોલ કરે છે. આ અંગે એક્ટરે કહ્યું હતું કે તેને ખબર નથી પડતી કે તેમને વાંધો શું છે. તે વર્ષમાં ચાર ફિલ્મ કરે છે અને જાહેરાતો કરે છે. તે પોતાનું કામ કરે છે, કોઈની પાસેથી કંઈ છીનવી લેતો નથી. લોકો એવું પૂછે છે કે તે કેમ વહેલો ઊઠે છે, પરંતુ સવારે વહેલા ઊઠવું જરૂરી છે. હું કામ કરું છું. જો 50 દિવસ જરૂરી હોય તો તેટલા આપું છું અને 90 દિવસની જરૂર હોય તે રીતે આપું છું.
અક્ષયને કેવી રીતે કેનેડાની નાગરિકતા મળી?
અક્ષયે 2019માં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તેની બેક ટુ બેક 14 ફિલ્મ ફ્લોપ ગઈ હતી. તેને ખબર નહોતી પડતી કે તેણે શું કરવું જોઈએ. ત્યારે કેનેડામાં રહેતા તેના નિકટના ફ્રેન્ડે ત્યાં આવીને કામ કરવાનું કહ્યું હતું. તેણે કેનેડાના પાસપોર્ટ માટે અરજી કરી હતી. તેને ભારતમાં એવું લાગ્યું કે તેની કરિયર પૂરી થઈ ગઈ છે અને અહીંયા કામ મળશે નહીં. જોકે, તેની 15મી ફિલ્મ સફળ થઈ અને પછી તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. આ સમય દરમિયાન તેને કેનેડાની નાગરિતા પણ મળી ગઈ હતી. જોકે, તેને ક્યારેય પાસપોર્ટ બદલવાનો વિચાર આવ્યો નહોતો.
ભારતીય હોવાનો પુરાવા માગવામાં આવે ત્યારે તકલીફ થાય છે
અક્ષયે એમ પણ કહ્યું હતું કે જ્યારે કોઈ તેની રાષ્ટ્રીયતાનો પુરાવો માગે ત્યારે તેને તકલીફ થાય છે. તે ભારતીય છે અને તેની પત્ની-બાળકો પણ ભારતીય છે. તે અહીંયા ટેક્સ ભરે છે અને તેનું જીવન અહીંયાનું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.