તમિળ ફિલ્મના સ્ટાર અજીત કુમારની ફિલ્મ 'થુનિવુ'ની ચાહકો લાંબા સમયથી રાહ જોતા હતા. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે મોટી સંખ્યામાં ચાહકો થિયેટરમાં ઉમટી પડ્યા હતા. આટલું જ નહીં ચાહકોએ ફેવરિટ સ્ટારની ફિલ્મ રિલીઝ થતાં ફટાકડા ફોડીને તથા ડાન્સ કરીને ઉજવણી કરી હતી, પરંતુ આ આ દરમિયાન એક ચાહકનું મોત થઈ ગયું હતું. આ ઘટના તમિળનાડુમાં બની હતી.
તમિળનાડુના એક થિયેટરમાં અજીત કુમારની 'થુનિવુ' જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો આવ્યા હતા. થિયેટરની બહાર ચાહકો ફટાકડા પણ ફોડતા હતા. અજીત કુમારની સાથે જ વિજય થલાપતિની ફિલ્મ 'વરીસુ' રિલીઝ થઈ છે તો વિજયના ચાહકો પણ આવ્યા હતા.
ઉત્સાહમાં આવીને લારી પરથી કૂદ્યો
થિયેટર બહાર થતી ઉજવણીમાં એક દુઃખદ ઘટના બની હતી. અજીત કુમારના એક ચાહકનું અવસાન થયું હતું. પોલીસે માહિતી આપી હતી કે ભરત કુમાર નામની વ્યક્તિ 'થુનિવુ' રિલીઝ અંગે ઘણો જ ઉત્સાહમાં હતો અને તેણે ચાલતી ટ્રક પરથી કૂદકો માર્યો હતો. જોકે, ટ્રકની ગતિ ધીમી હતી. ભરત કુમારને ગંભીર ઈજા થઈ હતી અને તેને કારણે તેનું અવસાન થયું હતું.
રાતના એક વાગ્યાનો શો જોવા આવ્યો હતો
આ ઘટના ચેન્નઈના રોહિણી થિયેટરની પાસે પૂનમલ્લી હાઇવે પર બની હતી. પોલીસે કહ્યું હતું કે અજીત કુમારનો ચાહક ભરત ફિલ્મ જોવા માટે રાત્રે એક વાગ્યો આવ્યો હતો. પોલીસે આ અંગે કેસ કર્યો છે. આ ફિલ્મ 11 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. ઘણી જગ્યાએ ફિલ્મના શો રાતના 12 વાગ્યા પછી પણ રાખવામાં આવ્યા છે. ફિલ્મમાં અજીત કુમાર ઉપરાંત મંજૂ વૉરિયર, પ્રેમ કુમાર, પવની રેડ્ડી તથા ચિરાગ જાની સહિતના કલાકારો છે. આ ફિલ્મ બોની કપૂરે પ્રોડ્યૂસ કરી છે.
ચાહકોએ ફેવરિટ સાઉથ સ્ટાર્સ માટે આત્મહત્યા પણ કરી છે
સાઉથમાં ચાહકોમાં ફિલ્મ સ્ટાર્સ પ્રત્યે ઘણું જ જુનૂન જોવા મળે છે. સાઉથ સ્ટારની ફિલ્મ જ્યારે પણ રિલીઝ થાય ત્યારે ચાહકો એક્ટર્સના મોટા મોટા કટઆઉટ લગાવીને દૂધથી સ્નાન કરાવતા હોય છે અને ઢોલ-નગારા વગાડે છે. જોકે, ઘણીવાર આ દીવાનગીમાં દુઃખદ ઘટના પણ બનતી હોય છે. એકવાર 'KGF' ફૅમ યશના ચાહકે પોતાની પર પેટ્રોલ છાંટી દીધું હતું, કારણ કે તે યશને મળવા માગતો હતો. જોકે, કમનસીબે તે ચાહકનું મોત નીપજ્યું હતું. રજનીકાંતની કિડની ખરાબ થઈ ત્યારે એક ચાહકે ઊંઘની દવા ખાઈને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.