બોલિવૂડ-સાઉથ સિનેમાનો વિવાદ:અજય દેવગનનો કિચ્ચા સુદીપને સવાલ- જો હિંદી રાષ્ટ્રીય ભાષા નથી તો પછી તમારી ફિલ્મ ડબ કેમ કરો છો?

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અજય દેવગને કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપને જડબાતોડ જવાબ આપ્યો છે. સુદીપે કહ્યું હતું કે હિંદી હવે રાષ્ટ્ર ભાષા નથી. આ નિવેદન અંગે અજયે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ સાથે જ કિચ્ચાને સવાલ પણ કર્યો હતો કે જો હિંદી રાષ્ટ્રીય ભાષા નથી તો સાઉથ ઇન્ડસ્ટ્રીના મેકર્સ પોતાની ફિલ્મ હિંદીમાં ડબ કેમ કરે છે?

અજયનો કિચ્ચા સુદીપને જડબાતોડ જવાબ
અજય દેવગને પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'કિચ્ચા સુદીપ મારા ભાઈ, તમારા મતે જો હિંદી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે તમારી માતૃભાષાની ફિલ્મને હિંદીમાં ડબ કરીને કેમ રિલીઝ કરો છો? હિંદી અમારી માતૃભાષા તથા રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશાં રહેશે. જન ગણ મન.'

કિચ્ચા સુદીપે સ્પષ્ટતા કરી
અજય દેવગનની પોસ્ટ પર કિચ્સા સુદીપે ચોખવટ કરતાં કહ્યું હતું, 'સર, હું દેશની તમામ ભાષાને પ્રેમ તથા આદર કરું છું. હું ઈચ્છું છું કે આ મુદ્દે ચર્ચા ના થાય, કારણ કે મેં તે લાઇન અલગ જ સંદર્ભમાં કહી હતી. ઘણો જ પ્રેમ...'

અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું, 'સર, જે કોન્ટેક્સ્ટમાં જે વાત કહી હતી, મને લાગે છે કે તે વાતને બહુ જ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. કદાચ હું મારી વાતને તમને મળીને સારી રીતે સમજાવી શકીશ. મારો કહેવાનો અર્થ એ નહોતો. હું શા માટે કોઈની લાગણીને ઠેસ પહોંચાડું અને કોઈ વિવાદને પ્રોત્સાહન આપું. હું કેમ આવું કરીશ સર.'

બીજી એક પોસ્ટમાં સુદીપે કહ્યું હતું, તમે જે હિંદીમાં ટેકસ્ટ મોકલી તે હું સમજી ગયો, કારણ કે આપણે બધા હિંદીને આદર આપીએ છીએ, પ્રેમ કરીએ છીએ અને શીખીએ છીએ, પરંતુ જો મેં મારી પ્રતિક્રિયા કન્નડમાં ટાઇપ કરી હોત તો શું થાત? શું અમે ભારતના નથી?

કિચ્ચાએ આગળ કહ્યું હતું, 'ટ્રાન્સલેશન તથા ઇન્ટરપ્રિટેન્શન્સ માત્ર પર્સેપેક્ટિવ છે. આખી વાત જાણ્યા વગર રિએક્ટ કરવું જોઈએ નહીં અને આ વાત મહત્ત્વની છે. અજય સર હું તમને દોષ આપવા માગતો નથી, પરંતુ મને આનંદ થાત જો તમારા તરફથી ક્રિએટ પોસ્ટ મળી હોત. તમને બહુ જ પ્રેમ.'

અજયે સામે શું રિપ્લાય આપ્યો?
સુદીપની પ્રતિક્રિયા બાદ અજયે કહ્યું હતું, 'તું મારો મિત્ર છે. ગેરસમજણ દૂર કરવા માટે આભાર. હું હંમેશાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક ગણું છું. અમે તમામ ભાષાને માન આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે દરેક અમારી ભાષાને માન આપે. કદાચ, ટ્રાન્સલેશનમાં કંઈક મિસિંગ હતું.'

અજય દેવગન ઉપરાંત સિને સંગઠન FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ)એ સુદીપના નિવેદનનો વિરોધ કર્યો છે. સંગઠનના પ્રેસિડન્ટ બીએન તિવારીએ કહ્યું હતું, 'કિચ્ચા સુદીપનું નિવેદન બેજવાબદાર છે. અમે આ નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. તેણે માફી માગવી જ જોઈએ. જો તે આગળ પણ આ જ રીતે વાત કરશે તો અમે તેની તથા સાઉથની અન્ય ફિલ્મને નોર્થમાં રિલીઝ તથા વોર્મ વેલકમ અંગે બીજીવાર વિચાર કરીશું.'

ડિરેક્ટર રાજ શાંડિલ્યે કહ્યું હતું, 'કિચ્ચા સુદીપને પૂછવું જોઈએ કે જો બોલિવૂડ સાઉથમાં સ્ટ્રગલ કરે છે તો તે લોકો હિંદીમાં પોતાની ફિલ્મ ડબ કરીને કેમ ચલાવે છે? તે કેમ એમને એમ નથી ચલાવતા. દરેક એક્ટરને રાઇટરની જરૂર હોય છે કે તે ભૂલથી પણ ખોટું નિવેદન આપી ના દે. મારા મતે સુદીપને સારા ડાયલોગ રાઇટરની જરૂર છે. તે સુદીપને જણાવી શકે કે ક્યારે શું બોલવું જોઈએ.'

બોલિવૂડ હવે પેન ઇન્ડિયા ફિલ્મ બનાવી રહ્યું છે
કિચ્ચા સુદીપે હિંદી ભાષા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે હિંદી હવે રાષ્ટ્ર ભાષા રહી નથી. બોલિવૂડ પેન ઇન્ડિયા ફિલ્મ બનાવવામાં સ્ટ્રગલ કરી રહ્યું છે, જ્યારે સાઉથ ઇન્ડસ્ટ્રી પહેલેથી જ સફળ રહી છે. 'KGF 2'ની સફળ થતાં કિચ્ચાએ આ નિવેદન આપ્યું હતું. 14 એપ્રિલના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે કમાણીના અનેક રેકોર્ડ્સ તોડ્યા છે.

સો.મીડિયામાં સુદીપનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કહે છે કે પેન ઇન્ડિયા ફિલ્મ કન્નડમાં બનાવવામાં આવી છે. આ સાંભળીને સુદીપ બોલે છે, 'હું કરેક્શન કરવા માગું છું. હિંદી હવે રાષ્ટ્રીય ભાષા રહી નથી. બોલિવૂડ હવે પેન ઇન્ડિયા ફિલ્મ બનાવી રહ્યું છે. તે લોકો તમિળ તથા તેલુગુમાં ફિલ્મ ડબ કરીને સફળતા મેળવવા સંઘર્ષ કરે છે. તેમ છતાં સફળતા મેળવી શક્યા નથી, પરંતુ આજે અમે લોકો એવી ફિલ્મ બનાવી રહ્યા છે, જે દરેક જગ્યાએ જોવાય છે અને તેના વખાણ થાય છે.'

હિંદી બેલ્ટમાં સાઉથની ફિલ્મ હિટ રહી
તમિળ, તેલુગુ તથા કન્નડની ફિલ્મ સાઉથ ઉપરાંત હિંદી બેલ્ટમાં પણ લોકપ્રિય થઈ છે. આ ફિલ્મ કમાણી પણ બોલિવૂડની ફિલ્મ કરતાં વધુ કરે છે. 'KGF' પહેલાં 'RRR', 'પુષ્પા', 'બાહુબલી'એ હિંદી બેલ્ટમાં સારો બિઝનેસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...