શૂટ સ્ટાર્ટ:અમિતાભ બચ્ચન, અજય અને રકુલ સ્ટારર 'મેડે'નું હૈદરાબાદમાં શૂટિંગ શરૂ થયું, ફિલ્મ 29 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે

એક વર્ષ પહેલા

અમિતાભ બચ્ચન, અજય દેવગણ અને રકુલપ્રીત સ્ટારર ફિલ્મ 'મેડે'નું 11 ડિસેમ્બરથી હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સીટીમાં શૂટિંગ શરૂ થયું છે. આ વાતની જાણકારી અજયે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મારફતે આપી છે. અજયે પોસ્ટમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ અનાઉન્સ કરી દીધી છે. તે આ ફિલ્મનો ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. ફિલ્મ અજયના પ્રોડક્શન હાઉસ 'અજય દેવગણ એફ ફિલ્મ'ના બેનર હેઠળ બની રહી છે.'

અજયે પોસ્ટ શેર કરી લખ્યું, 'મેડે'નું ઓફિશિયલ સ્ટાર્ટ- ટુ- ફિનિશ શૂટિંગ શેડ્યુઅલ શરૂ થવાથી ઘણો ખુશ છું. મારા બધા ફેન્સ, ફેમિલી અને શુભચિંતકોના સમર્થન વગર કઈ જ પૂરું નથી. ફિલ્મ 29 એપ્રિલ, 2022ના રોજ રિલીઝ થશે.'

અજય પહેલીવાર અમિતાભને ડિરેક્ટ કરશે
'સત્યાગ્રહ', 'ખાકી' અને 'મેજર સાબ' જેવી ફિલ્મોમાં બિગ બી સાથે કામ કરી ચૂકેલો અજય પહેલીવાર બિગ બીને ફિલ્મ 'મેડે'માં ડિરેક્ટ કરશે. આ બંને દિગ્ગ્જ જોડીની સાથે ચોથી ફિલ્મ છે. અજય દેવગણ છેલ્લે બિગ બી સાથે 7 વર્ષ પહેલાં પ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ'માં દેખાયો હતો. ફિલ્મ 'મેડે'માં અજયની 'દે દે પ્યાર દે'ની કો-એક્ટર રકુલ તેની સાથે કો-પાયલટ તરીકે દેખાશે. અજય ફિલ્મમાં પાયલટનો રોલ પ્લે કરતો જોવા મળશે.

ફિલ્મની આખી ટીમ હૈદરાબાદમાં બાયો બબલમાં રહેશે
મુંબઈ મિરરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે, 'ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના એન્ડ સુધી નોનસ્ટોપ ચાલશે. રકુલ ટૂંક સમયમાં શૂટિંગ માટે ટીમ સાથે જોડાશે. આખી ટીમ હૈદરાબાદમાં બાયો બબલમાં રહેશે.'

અમિતાભ સાથે કામ કરવાનું મારું સપનું સાકાર થયું
રકુલે તેની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, 'મેં પહેલાં પણ અજય સર સાથે કામ કર્યું છે અને હું ઘણી ઉત્સુક છું કે તેની સાથે ફરી કામ કરવાનો અવસર મળ્યો છે. તે પણ એવી ફિલ્મ જેમાં તે મારા કો-સ્ટાર જ નહીં પણ ડિરેક્ટર પણ હશે.'

આગળ તેણે જણાવ્યું કે, 'જ્યારે મેં અન્ય એક્ટર્સની જેમ એક્ટર બનવાનો નિર્ણય લીધો હતો ત્યારથી અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું મારું સપનું હતું. મને ઘણી ખુશી થાય છે કે આ ફિલ્મમાં તેમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાનું મારું સપનું હકીકત બનશે.'

'શિવાય' બાદ ડિરેક્ટર તરીકે અજયની બીજી ફિલ્મ
'મેડે' પહેલાં અજય દેવગણ 'શિવાય' ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ રહી. હાલમાં જ અજય દેવગણે તેની આગામી ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં પણ અજય એરફોર્સના પાયલટના રોલમાં છે. બિગ બી હાલ 'કૌન બનેગા કરોડપતિ 12'નું શૂટિંગ પૂરું કરીને હૈદરાબાદ પહોંચ્યા છે.

'મેજર સાબ'ના અમુક સીન ડિરેક્ટ કર્યા હતા
આ પહેલાં અજય દેવગણે અમિતાભના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'મેજર સાબ'ના અમુક સીન ડિરેક્ટ કર્યા હતા. તે સમયે ડિરેક્ટર ટીનુ આનંદ અને અમિતાભ વચ્ચે મતભેદ થઇ ગયો હતો અને ટીનુ ફિલ્મ છોડીને જતા રહ્યા હતા. રાજકારણમાંથી પરત આવ્યા બાદ બિગ બી માટે આ ઘણી મહત્ત્વની ફિલ્મ હતી. ઓછા બજેટમાં તે ફિલ્મ પૂરી કરવા ઇચ્છતા હતા, આવામાં અજયે ડિરેક્શનની ઈચ્છા અમિતાભ સામે રાખી હતી. ત્યારબાદ પોતાના મિત્રોની મદદથી અજયે બાકીનું શૂટિંગ પૂરું કર્યું હતું.