અજય દેવગને દીકરીના ટ્રોલિંગ અંગે વાત કરી:કહ્યું, 'આ વાત મને ઘણી જ પરેશાન કરે છે, પરંતુ હું તેને ઇગ્નોર કરવાની સલાહ આપું છું'

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અજય દેવગનનની દીકરી ન્યાસા હંમેશાં પોતાના મેકઅપ, કપડાંને કારણે ચર્ચામાં રહે છે, પરંતુ ઘણીવાર તેને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવે છે. આ દરમિયાન અજયને 'ભોલા'ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. એક્ટરે કહ્યું હતું કે તે આ પરિસ્થિતિને કેવી રીતે ડીલ કરે છે.

ટ્રોલર્સને ઇગ્નોર કરવાની સલાહ આપી
અજયે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'હું મારા બંને બાળકોને સમજાવું છું કે તેમણે ઓનલાઇન લખવામાં આવેલી આ વાતોથી ચિંતા કરવાની જરૂર નથી. તમારા ચાહકો ને દર્શકોની તુલનાએ તમને ટ્રોલ કરનારાની સંખ્યા ઘણી જ ઓછી છે. હું પણ આ બધું ઇગ્નોર કરતાં શીખી ગયો છું અને તેમને પણ આ બધું ઇગ્નોર કરવાનું કહું છું.'

વધુમાં અજયે કહ્યું હતું, 'મને એ નથી પડતી કે લોકોના મનમાં આટલી નેગેટિવિટી ક્યાંથી આવે છે. એ લોકો ક્યારેક શું લખે છે, એ પણ મને ખબર પડતી નથી. આ જ કારણે હવે મેં આ અંગે ચિંતા કરવાનું બંધ કરી દીધું છે.

બાળકોની ચિંતા થાય છે
અજયે આગળ કહ્યું હતું, 'મારા બાળકો પર લોકોની નજર હંમેશાં હોય છે અને હું આ વાતથી સતત ચિંતામાં રહું છું. હું ના તો આ બધું બદલી શકું છું કે ના તો ઓનલાઇન ટ્રોલિંગ અટકાવી શકું છું. તમને વાસ્તવમાં ખબર જ નથી કે શું કરવાનું છે, કારણ કે અનેકવાર જે સાચું નથી હોતું, તે અંગે પણ લખવામાં આવે છે. જો હું કોઈ જવાબ આપીશ તો વાતનું વતેસર થઈ જશે.'

ન્યાસા બોલિવૂડમાં કામ કરશે?
ઇન્ટરવ્યૂમાં અજયને જ્યારે પૂછવામાં આવ્યું કે તેના બાળકો ફિલ્મમાં કામ કરવા માગે છે? એક્ટરે જવાબ આપતા કહ્યું હતું, 'દીકરા યુગે તો હજી હમણાં હિંદી ફિલ્મ જોવાની શરૂઆત કરી છે, પરંતુ મારી દીકરી ન્યાસા હજી પણ અમારી ફિલ્મ જોતી નથી. તેને ફિલ્મ જોવામાં કોઈ રસ નથી, હજી સુધી તો નથી. હાલમાં તે વિદેશમાં રહીને અભ્યાસ કરે છે.'

'ભોલા' 30 માર્ચે રિલીઝ થશે
ઉલ્લેખનીય છે કે અજય દેવગનની ફિલ્મ 'ભોલા' સાઉથની હિટ ફિલ્મ 'કૈથી'ની હિંદી રીમેક છે. આ ફિલ્મમાં તબુ ઉપરાંત ગજરાજ રાવ, દીપક ડોબરિયાલ જેવા સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મનું ડિરેક્શન અજયે જ કર્યું છે. આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...