પનામા પેપર્સ મામલામાં બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની પૂછપરછ પુરી થઈ ગઈ છે. EDએ સોમવારે તેમની દિલ્હીના લોકનાયક ભવનમાં લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ EDના અધિકારી એશ્વર્યા માટે સવાલોની લિસ્ટ પહેલેથી તૈયાર કરી ચુક્યા હતા. તેઓ સાંજે 7:30 વાગ્યે ED ઓફિસથી રવાના થયા.
પનામા પેપર્સ મામલે ભારતના લગભગ 500 લોકો સામેલ થવાની વાત સામે આવી હતી. જેમાં નેતા, અભિનેતા, ખેલાડી, બિઝનેસમેન દરેક વર્ગના પ્રમુખ લોકોના નામ છે. આ લોકો સામે ટેક્સમાં ગોટાળો કરવાનો આરોપ છે, જેને લઈને ટેક્સ ઓથોરિટી તપાસ કરી રહી છે.
એક મહિના પહેલાં અભિષેક બચ્ચન ED પહોંચ્યો હતો
પનામા પેપર્સ મામલે ઘણા સમયથી તપાસ ચાલી રહી છે. એક મહિના પહેલાં અભિષેક બચ્ચન EDના કાર્યાલયે પહોંચ્યો હતો. તેણે અમુક ડોક્યુમેન્ટ પણ EDના ઓફિસર્સને સોંપ્યા છે. EDનાં સૂત્રોનું માનીએ તો ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનને પણ તેડું આવવાનું છે.
બચ્ચન પરિવારનું નામ કેમ આવ્યું?
વર્ષ 2016માં બ્રિટનમાં પનામાના લો ફર્મના 1.15 કરોડ ટેક્સ ડોક્યુમેન્ટ લીક થયા હતા. એ પછી દુનિયાભરના નેતાઓ, બિઝનેસમેન અને સેલિબ્રિટીનાં નામ સામે આવ્યાં હતાં. ભારતની વાત કરીએ તો આશરે 500 લોકોનાં નામ હતાં. એમાં બચ્ચન પરિવાર પણ સામેલ છે. એક રિપોર્ટ પ્રમાણે, અમિતાભ બચ્ચનને 4 કંપનીના ડિરેક્ટર બનાવ્યા હતા. તેમાં ત્રણ બહામાસમાં હતી અને એકે વર્જિન આઇલેન્ડમાં હતી. આ કંપનીઓનું કેપિટલ 5 હજારથી 50 હજાર ડોલર વચ્ચે હતું, પરંતુ આ કંપનીઓ કરોડો રૂપિયાનાશિપ્સનો બિઝનેસ કરતી હતી.
ઐશ્વર્યાને પહેલાં એક કંપનીની ડિરેક્ટર બનાવવામાં આવી હતી. એ પછી તેને કંપનીની શેરહોલ્ડર ડિક્લેર કરી. કંપનીનું નામ અમિક પાર્ટનર્સ પ્રાઇવેટ લિમિટેડ હતું. તેનું હેડક્વાર્ટર વર્જિન આઇલેન્ડમાં હતું. ઐશ્વર્યા ઉપરાંત તેના પિતા, માતા અને ભાઈ આદિત્ય રાય પણ કંપનીમાં તેનાં પાર્ટનર હતાં. આ કંપની 2005માં શરૂ કરી હતી. ત્રણ વર્ષ પછી એટલે કે 2008માં કંપની બંધ થઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.