ફ્લેશબેક:શાહરુખ ખાને કહ્યા વગર ઐશ્વર્યા રાયને અનેક ફિલ્મમાંથી પડતી મૂકી હતી, પૂર્વ મિસ વર્લ્ડે જાતે જ ઘટસ્ફોટ કર્યો હતો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ તથા પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન 47 વર્ષની થઈ ગઈ. પહેલી નવેમ્બર, 1973માં મેંગ્લોરમાં જન્મેલી ઐશ્વર્યા 1997થી બોલિવૂડમાં એક્ટિવ છે. એશ તથા શાહરુખે ફિલ્મ 'જોશ', 'દેવદાસ' તથા 'મોહબ્બતેં' જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. જોકે, એક સમય હતો જ્યારે શાહરુખે એશને પાંચ ફિલ્મમાંથી બહાર કરી દીધી હતી. ઐશ્વર્યાએ સિમી ગરેવાલના શોમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો.

ઐશ્વર્યાએ કહ્યું હતું, મને આજ સુધી કારણ ખબર નથી
વાતચીતમાં ઐશ્વર્યા રાયને પૂછવામાં આવ્યું હતું કે આખરે એવું તો શું કારણ હતું કે 'વીર ઝારા' સહિત શાહરુખ ખાનની પાંચ ફિલ્મમાંથી તેને બહાર કરી દેવામાં આવી હતી? જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'હું આનો જવાબ કેવી રીતે આપી શકું? હા તે સમયે કેટલીક ફિલ્મ અંગે ચર્ચા ચાલતી હતી અને અમે તે ફિલ્મમાં સાથે કામ કરવાના હતા. પછી અચાનક કોઈ પણ સ્પષ્ટીકરણ વગર તેને લેવામાં આવી નહીં. મને પણ આ વાતનો જવાબ આજ સુધી મળ્યો નથી કે આખરે કેમ આવું થયું?'

વધુમાં સિમીએ ઐશ્વર્યાને એ વાત કહી હતી કે શાહરુખ ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આવું એટલાં માટે થયું કારણ કે, તે તેની (ઐશ્વર્યા) પર્સનલ લાઈફમાં ઈનવોલ્વ થઈ ગયો હતો. શાહરુખે સ્વીકાર્યું હતું કે તેણે આવું કરવા જેવું નહોતું. આ વાત પર ઐશ્વર્યા રાયે કહ્યું હતું, 'મારી પાસે આનો કોઈ જવાબ નથી, પરંતુ ફિલ્મ ના કરવાનો નિર્ણય મારો નહોતો.'

ઐશ્વર્યાએ ક્યારેય શાહરુખને સવાલ કર્યા નથી
આટલા મોટા પ્રોજેક્ટ્સમાંથી બહાર કર્યા બાદ ઐશ્વર્યાને કેવું લાગ્યું હતું? જેના જવાબમાં તેણે કહ્યું હતું, 'સ્પષ્ટ રીતે તે સમયે મારી પાસે કોઈ સ્પષ્ટીકરણ નહોતું. મને નવાઈ લાગી હતી અને મને બહુ જ દુઃખ થયું હતું.'

જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે તેણે ક્યારેય શાહરુખ ખાને આ અંગે સવાલ નહોતો કર્યો? તો જવાબમાં કહ્યું હતું, 'મારો આવો સ્વભાવ નથી. જો કોઈ વ્યક્તિને લાગે છે કે એક્સપ્લેન કરવાની જરૂર છે તો તે કરશે. જો નથી લાગતું તો મારો સ્વભાવ નથી કે હું તેને જઈને પૂછું કે કેમ અને શા માટે?'

શાહરુખે ઐશ્વર્યા રાયની માફી માગી હતી
2003માં એક ઈન્ટરવ્યૂમાં શાહરુખ ખાને કહ્યું હતું, 'કોઈની સાથે પ્રોજેક્ટ શરૂ કરવો અને પછી કોઈ પણ ભૂલ વગર તેને બદલે બીજાને લેઈ લેવા એ બહુ જ મુશ્કેલ છે. દુઃખદ છે, કારણ કે ઐશ્વર્યા રાય મારી સારી મિત્ર છે. વ્યક્તિગત રીતે મને લાગે છે કે મેં ખોટું કર્યું છે. જોકે, એક પ્રોડ્યૂસર હોવાને કારણે આ વાત મને સમજમાં આવે છે. હું એશની માફી માગું છું.