બર્થડે અને ગુડ ન્યૂઝ:પાકિસ્તાન સરકારે દિલીપ કુમાર - રાજ કપૂરના પૈતૃક મકાનોની કિંમત નક્કી કરી, બંનેને ખરીદવા પુરાતત્વ વિભાગે 2 કરોડ માગ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લેજન્ડ એક્ટર અને ટ્રેજેડી કિંગના નામથી ફેમસ દિલીપ કુમારનો 11 ડિસેમ્બરે 98મો જન્મદિવસ છે. ગઈકાલે તેમના માટે એક ગુડ ન્યૂઝ આવ્યા છે. દિલીપ કુમાર અને રાજ કપૂરના પાકિસ્તાનના પેશાવર સ્થિત પૈતૃક મકાનોની કિંમત નક્કી કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે આ નિર્ણય દિલીપ કુમારના જન્મદિવસના એક દિવસ પહેલાં લેવામાં આવ્યો છે. આજે દિલીપ કુમાર 98 વર્ષના થયા.

ઇમરાન સરકારે દિલીપ સાહેબની હવેલીની કિંમત 80.56 લાખ અને રાજ કપૂરની કોઠીની કિંમત 1.5 કરોડ રૂપિયા નક્કી કરી છે. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાં રાજ કપૂર અને દિલીપ કુમારે આ જ ઘરમાં તેમના જીવનનો શરૂઆતનો સમય પસાર કર્યો છે.

રાષ્ટ્રીય ધરોહર જાહેર થઇ ચૂક્યા છે બંને મકાન
પાકિસ્તાનની ખૈબર પખ્તૂનખ્વા સરકારે બંને હસ્તીઓના મકાનને ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ ઐતિહાસિક મકાનોને સંરક્ષિત કરવામાં આવશે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે આ બંને મકાન પર કોલાપ્સ થવાનું જોખમ હતું. પેશાવરના મુખ્ય વિસ્તારમાં જ આ બંને મકાન છે અને હવે તેને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી દેવામાં આવ્યા છે.

મોલ બનવાનો હતો, પણ પુરાતત્વ વિભાગે દખલ કરી
પેશાવરના ડેપ્યુટી કમિશ્નર મોહમ્મ્દ અલી અસગરે દિલીપ કુમારની 4 માળની અને રાજ કપૂરની 6 માળની બિલ્ડીંગની કિંમત નક્કી થવાની જાણકારી આપી છે. આ દરમ્યાન પુરાતત્વ વિભાગે ખૈબર પખ્તૂનખ્વા સરકારને અપીલ કરી કે તેઓ તેમને 2 કરોડ રૂપિયા અલોટ કરે, જેથી ડિપાર્ટમેન્ટ બંને મકાન ખરીદીને તેને રિનોવેટ કરી શકે.

નાપાક:પાકિસ્તાને દિલીપ કુમાર અને રાજ કપૂરનાં જે ઘરોને મ્યુઝિયમ બનાવવાનો વાયદો કર્યો એમાં લોકો કચરો ફેંકે છે, કહે છે કે હવેલી ગમે ત્યારે પડશે

હવે તે મકાનોમાં મ્યુઝિયમ બનાવવામાં આવશે
આ મકાનો પર અગાઉ પણ પાડી નાખવાનું જોખમ હતું. તેના માલિક આ જગ્યા પર મોલ બનાવવા ઈચ્છે છે, કારણકે આ પેશાવરના પ્રાઈમ લોકેશન પર છે. ત્યારે પુરાતત્વ વિભાગે દખલ દઈને આવું થવા ન દીધું કારણકે તે આ ઐતિહાસિક મહત્ત્વની જગ્યાઓને સંરક્ષિત કરવા ઈચ્છતા હતા.

સરકારની યોજના આ બંને મકાનને મ્યુઝિયમમાં ફેરવવાની છે જેથી દરેક અહીંયા આવી શકે. તેની પાછળનો હેતુ એ દેખાડવાનો છે કે દુનિયા અને બોલિવૂડ માટે પેશાવરનું શું યોગદાન છે.

જન્મદિવસ નહીં મનાવે
દિલીપ સાહેબ આ વર્ષે 98 વર્ષના થયા પણ આ વર્ષે તેમના બે સગા ભાઈઓનું નિધન કોરોનાને કારણે થયું. તેના દુઃખમાં તેમણે જન્મદિવસનું સેલિબ્રેશન કેન્સલ કરી દીધું છે. દિલીપ સાહેબ તરફથી તેમની પત્ની સાયરા બાનોએ ફેન્સને અપીલ કરી છે કે તેઓ બર્થડે પર તેમના ઘરે કોઈ ગિફ્ટ ન મોકલે અને ખુદ મુલાકાત માટે પણ ન આવે.