વખાણ:'થલાઈવી'નું ટ્રેલર જોઈ સમાંથાએ કહ્યું- 'કંગના, અમારી પેઢીની સૌથી બહાદુર તથા કાબિલ એક્ટ્રેસ'

મુંબઈ10 મહિનો પહેલા

કંગનાની આગામી ફિલ્મ 'થલાઈવી'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ચાહકોને ટ્રેલર ઘણું જ પસંદ આવ્યું છે. ચારે બાજુ કંગનાની એક્ટિંગના વખાણ કરવામાં આવી રહ્યાં છે. આ પહેલાં જૂહી ચાવલાએ કંગનાના લુક તથા એક્ટિંગના વખાણ કર્યા હતા. હવે સમાંથાએ કંગનાની પ્રશંસા કરી છે. સમાંથાએ ટ્રેલર જોયા બાદ કંગનાને આજની પેઢીની સૌથી બહાદુર એક્ટ્રેસ ગણાવી છે.

સમાંથાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'થલાઈવી'નું ટ્રેલર શાનદાર છે. કંગના અમારી પેઢીમાંથી સૌથી બહાદુર, સાહસી તથા નિર્વિવાદ રીતે સૌથી વધારે કાબિલ અભિનેત્રી છે. વિજયસર અત્યારે ઘણાં જ ઉત્સુક હશે. હું આ ફિલ્મનો જાદુ થિયેટરમાં જોવા માટે રાહ જોઈ રહી છે.'

પહેલાં પણ સમાંથાએ કંગનાના વખાણ કર્યાં હતાં
આ પહેલીવાર નથી કે જ્યારે સમાંથાએ કંગનાના કામના વખાણ કર્યા હોય. આ પહેલાં 'મણિકર્ણિકા'માં કંગનાની એક્ટિંગ જોઈને સમાંથાએ કહ્યું હતું, 'મણિકર્ણિકા'ને જોયે બે દિવસ થઈ ગયા. હું હજી પણ મારા મનમાંથી કંગનાની એક્ટિંગને ભૂલી શકી નથી. મહેરબાની કરીને કંગનાને શુભેચ્છા આપો અને તેને કહો કે અમારું પૂરું સમર્થન છે.'

કંગનાના જન્મદિવસ પર 'થલાઈવી'નું ટ્રેલર રિલીઝ થયું
'થલાઈવી'નું ટ્રેલર કંગનાના 34મા જન્મદિવસ પર એટલે કે 23 માર્ચે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ જયલલિતાના જીવન પર આધારિત છે. ફિલ્મમાં જયલલિતાની ફિલ્મી તથા રાજકીય કરિયરના અનેક પાસાઓ બતાવવામાં આવ્યા છે. ટ્રેલરમાં કંગના દમદાર લુકમાં જોવા મળી છે. ફિલ્મના સંવાદો પણ ઘણાં સારા છે. ટ્રેલર જોઈને મોટાભાગના સેલેબ્સે કંગનાની એક્ટિંગના વખાણ કર્યાં છે.

જૂહીએ કહ્યું હતું, 'કંગના, તું શાનદાર એક્ટ્રેસ છે'

સમાંથા પહેલાં જૂહી ચાવલાએ કંગનાના વખાણ કર્યા હતા. તેણે ટ્રેલર જોયા બાદ કહ્યું હતું, 'કંગના તું શાનદાર એક્ટ્રેસ છે. તું ક્રેઝી, નિડર તથા જીનિયસ યુવતી છે. બહુ જ શુભેચ્છા. આશા છે કે તારી અસીમિત ક્રિએટિવનેસનો ઉપયોગ તું યોગ્ય દિશામાં કરીશ. જન્મદિવસની શુભકામના.'