ધ કાશ્મીર ફાઇલ્સ:ફિલ્મ જોયા બાદ કંગના રનૌત ટુકડે ગેંગ પર ભડકી, કહ્યું- દેશમાંથી આ કેન્સરને હાંકી કાઢો

મુંબઈ8 મહિનો પહેલા
  • કંગના રનૌતે વીડિયોમાં ભારત-પાકિસ્તાન અંગે પણ વાત કરી હતી

બોલિવૂડ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ઘણી જ ચર્ચાઓ થઈ રહી છે. થિયેટર્સની સ્ક્રીન્સ 600થી વધારીને 2000 કરવામાં આવી છે. થિયેટરમાં દર્શકોની ભીડ વધતી જાય છે. ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના હિજરતની વાત કરવામાં આવી છે. હાલમાં જ કંગનાએ ફિલ્મ જોયા બાદ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તે ભારત-પાકિસ્તાન, મુસ્લિમ તથા કાશ્મીરી પંડિતો અંગે વાત કરે છે. તેણે ચાહકોને અપીલ કરી છે કે આ ફિલ્મ એકવાર જરૂરથી જોવી જોઈએ.

શું કહ્યું કંગનાએ?
કંગનાએ કહ્યું હતું કે તેણે પૂરા પરિવાર સાથે આ ફિલ્મ જોઈ છે. કંગના વીડિયોમાં બોલી હતી, 'સૌ પહેલાં વિવેક અગ્નિહોત્રીજી તમે ધન્ય છો. તમારી પૂરી ટીમ ધન્ય છે. તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી દેશને જે આપ્યું છે તેને કારણે અમને બધાને ગર્વ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશાં તમારી આભારી રહેશે. તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક દાયકાના પાપ ધોઈ નાખ્યા. અમારું માર્ગદર્શન, નેતૃત્વ કરવા માટે મારા તરફથી તમને બહુ જ ધન્યાવાદ.'

'એક રાતની ઘટના ના સમજો'
વધુમાં કંગનાએ કહ્યું હતું, 'મિત્રો આ કાશ્મીરમાં થયેલી ઘટનાને એમ ના સમજો કે માત્ર એક રાતમાં આ બધું થઈ ગયું. આ સૌથી મોટી ભૂલ છે. જ્યારે ભારતનું વિભાજન થયું હતું, પાકિસ્તાન બન્યું હતું ત્યારે ત્યાં એટલાં જ હિંદુઓ હતાં, જેટલાં અહીંયા મુસલમાન. આજે અહીંયા મુસ્લિમોની વસતી જુઓ અને ત્યાં નામ માત્રના હિંદુ રહી ગયા છે. મિત્રો તે કરોડો લોકો ક્યાં ગયા, તે અંગે ક્યારેય વિચાર્યું છે? બાંગ્લાદેશમાંથી એ લોકો ક્યાં ગયા? વિચાર્યું છે ખરાં?

'ટુકડે ગેંગના કેન્સરને કાઢો'
કંગનાએ વાત આગળ કરતાં કહ્યું હતું, 'દોસ્તો, આ સરકારની લડાઈ નથી. આ સભ્યતાની લડાઈ છે. દરેક હિંદુસ્તાનીની લડાઈ છે. ટીચર્સે જે વાત તમને કહી નથી, જે વાત પુસ્તકોમાં નથી, મીડિયા તમને કહેશે નહીં. તમારે તમારી માણસાઈને જગાડવાની છે અને કહેવાનું છે કે આપણે આપણી માણસાઈને જાતે ગાઇડ કરવા દઈશું ત્યારે ખબર પડશે. તમે ડરપોક બનીને પડદા પાછળ ના છુપાશો. આ સભ્યતાની લડાઈમાં તમે ભાગ લો. તમારી આસપાસ જ્યારે પણ ટુકડે ગેંગ દેખાય છે, તો તેને આ દેશમાંથી બહાર ફેંકીએ.'

કંગનાએ વીડિયોને અંતે ચાહકોને અપીલ કરી હતી કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' જરૂરથી જુઓ. નવા ભારતનો પાયો નાખવાની પણ અપીલ કરી હતી.