આર્યન ખાનનો બેલ ઓર્ડર:હાઇકોર્ટના આદેશ બાદ સેલેબ્સ ભડક્યા, સંજય ગુપ્તાએ કહ્યું- 'શાહરુખના પરિવાર સાથે જે થયું તેનું વળતર કોણ ચૂકવશે?'

મુંબઈ16 દિવસ પહેલા

શાહરુખના દીકરા આર્યન ખાન તથા મિત્રોની કૉર્ડેલિયાના ક્રૂઝમાં ચાલતી હાઇપ્રોફાઇલ પાર્ટીમાંથી અટકાયત અને પછી ધરપકડ કરવામાં આવી હતી. 29 ઓક્ટોબરે આર્યનને જામીન મળ્યા હતા. હવે શનિવાર, 21 નવેમ્બરે બોમ્બે હાઇકોર્ટે પુરાવના ના મળવા પર આર્યનનો બેલ ઓર્ડર રિલીઝ કરીને કહ્યું હતું કે તે કોઈ કાવતરાનો હિસ્સો નહોતો. આ વાત બાદ સંજય ગુપ્તા, રામ ગોપાલ વર્મા, કમાલ આર ખાન સહિતના સેલેબ્સ ગુસ્સે થયા છે.

ફિલ્મમેકર સંજય ગુપ્તાએ સો.મીડિયામાં ન્યૂઝ શૅર કર્યા હતા અને આ ન્યૂઝમાં લખવામાં આવ્યું હતું, 'બોમ્બે હાઇકોર્ટે બેલ ઓર્ડર રિલીઝ કરતાં કહ્યું કે આર્યન વિરુદ્ધ આ ષડયંત્રમાં સામેલ થવાના કોઈ પુરાવા મળ્યા નથી.' આ ન્યૂઝ શૅર કરીને ફિલ્મમેકરે કહ્યું હતું, 'બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે આર્યન ખાન નિર્દોષ છે, પરંતુ તેણે તથા તેના પરિવારે જે સહન કર્યું તેનું વળતર કોણ આપશે?'

અન્ય એક પોસ્ટમાં સંજયે કહ્યું હતું, 'આજે સવારે દરેક ન્યૂઝ પેપરમાં આ જ હેડલાઇન છે. શું ન્યૂઝ ચેનલ પણ આ જ રીતે બતાવશે? આ જ ન્યૂઝ ચેનલે આર્યન ખાન પર પાયાવિહોણા તથા ખોટા આરોપો લગાવ્યા હતા.'

ફિલ્મમેકર રામગોપાલ વર્માએ કહ્યું હતું, 'કોર્ટે કહ્યું કે આર્યનને કારણ વગર 30 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો. હવે સવાલ એ છે કે શું મીડિયા NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ભૂલને પણ 30 દિવસ સુધી બતાવશે. મને લાગે છે કે કદાચ એક દિવસથી વધુ નહીં હોય.'

કમાલ ખાને કહ્યું હતું, 'બોમ્બે હાઇકોર્ટે આર્યનને નિર્દોષ જાહેર કર્યો, પરંતુ તે 26 દિવસ જેલમાં રહ્યો, તેની જવાબદારી કોણ લેશે?'

કોર્ટે 14 પાનાનો ચુકાદો જાહેર કર્યો
ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં રહેલાં આર્યન ખાન વિરુદ્ધ NCB પાસે કોઈ પુરાવા નહોતો. બોમ્બે હાઇકોર્ટે બેલ ઓર્ડર જાહેર કર્યો હતો. કોર્ટે 14 પાનામાં NCBની તમામ થિયરીનો છેદ ઉડાવી દીધો હતો. બોમ્બે હાઇકોર્ટે સ્વીકાર્યું હતું કે આર્યન ખાને અન્ય સાથે મળીને ડ્રગ્સ લેવા માટે કોઈ ષડયંત્ર રચ્યું હોય તેવા કોઈ નક્કર પુરાવા નથી. આર્યનની વ્હોટ્સએપ ચેટને પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં.