તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ-અપડેટ:આંખની સર્જરી બાદ અમિતાભે કહ્યું, 'અત્યારે દરેક અક્ષર ત્રણ-ત્રણ દેખાય છે, મુશ્કેલીથી ટાઈપ કરી શકું છું'

મુંબઈ4 મહિનો પહેલા
અમિતાભ બચ્ચન હાલમાં પોતાના જલસા બંગલોમાં છે અને એકદમ સ્વસ્થ છે.

78 વર્ષીય અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા જ એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર પોતાની રુટિન લાઈફ અંગે અપડેટ આપતા હોય છે. હાલમાં જ તેમણે બ્લોગમાં પોતાની તબિયત અંગે એવી વાત કરી હતી કે ચાહકો ચિંતામાં મુકાઈ ગયા છે. અમિતાભે કહ્યું હતું કે તેમની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેમને સર્જરી કરાવવી પડશે. હવે અમિતાભ બચ્ચનના ફૅન ગ્રુપે દિવ્ય ભાસ્કર સાથે ચેટનો સ્ક્રીનશોટ શૅર કર્યો છે. આ સ્ક્રીનશોટ પ્રમાણે, ગઈકાલે એટલે કે 27 ફેબ્રુઆરીના રોજ અમિતાભ બચ્ચનનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં તેઓ પોતાના જલસા બંગલામાં છે અને એકદમ સ્વસ્થ છે. હવે અમિતાભ બચ્ચને બ્લોગમાં પોતાની સર્જરી અંગે વાત કરી હતી.

અમિતાભ બચ્ચને એક આંખનું મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે.
અમિતાભ બચ્ચને એક આંખનું મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે.

શું કહ્યું અમિતાભે?
અમિતાભે બ્લોગમાં કહ્યું હતું, 'આ ઉંમરે આંખની સર્જરી ઘણી જ નાજુક તથા ઘણી જ સારસંભાળ માગી લેતી હોય છે. બેસ્ટ થયું છે અને આશા છે કે બધું સારું રહેશે. આંખોની દૃષ્ટિ તથા રિકવરી ઘણી જ સ્લો છે અને મુશ્કેલીથી ટાઈપ થઈ શકે છે. ભૂલો પડે તો માફ કરજો. હાલમાં મને ગેરી સોબર્સ જેવી લાગણી થાય છે. ગેરી સોબર્સ વેસ્ટ ઈન્ડીઝનો મહાન ક્રિકેટર છે. તેની પોતાની એક ક્રિકેટ સ્ટોરી છે. સમય મળે ત્યારે આ સ્ટોરીની વાત શૅર કરીશ. આ ક્રિકેટર સ્ટોરી મેં સાંભળી હતી, પરંતુ એ ઓથેન્ટિક છે કે નહીં એ મને ખ્યાલ નથી. શા માટે રાહ જોવી, અત્યારે જ વાત કરું...'

'મને એક શબ્દ ત્રણ-ત્રણ વાર દેખાય છે'
બિગ બીએ કહ્યું હતું, 'ક્રિકેટ મેચમાં વેસ્ટ ઈન્ડીઝ સારી સ્થિતિમાં નહોતું અને એ મેચ હારી જાય એમ હતું. ગેરી સોબર્સ ડ્રેસિંગ રૂમમાં હતો અને તેણે પોતાની ટીમની સ્થિતિ અંગે ખ્યાલ હતો. તેણે રમની બોટલ ખોલી અને થોડુંક પીધું...તેનો વારો આવ્યો અને તેણે ફાસ્ટેસ્ટ સદી ફટકારી દીધી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે કેવી રીતે આમ કર્યું...તો તેણે જવાબ આપ્યો હતો કે તેમને ત્રણ ત્રણ બોલ દેખાતા હતા અને એ વચ્ચેના બોલને મારતો હતો...! બસ મારી આંખની પરિસ્થિતિ પણ અત્યારે કંઈક આવી જ છે. મને એક અક્ષર ત્રણ-ત્રણ વાર દેખાય છે અને હું મિડલ બટન પ્રેસ કરું છું.'

અમિતાભ બચ્ચન હાલમાં થોડા દિવસો આરામ કરશે.
અમિતાભ બચ્ચન હાલમાં થોડા દિવસો આરામ કરશે.

નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે
અમિતાભે આગળ કહ્યું હતું, 'તમામને મારો પ્રેમ...આંખોની સ્થિતિ ધીમે ધીમે સારી થઈ રહી છે અને હજી એક આંખ બાકી છે તો લાંબી પ્રક્રિયા છે. આશા છે કે બધું સમયસાર સારું થઈ જશે. વિકાસ બહલ સાથે નવી ફિલ્મમાં કામ શરૂ કરવાનું છે. આ ફિલ્મનું કામચલાઉ નામ 'ગુડબાય' છે. આ ફિલ્મના કેટલાક લૂક ટેસ્ટ આપ્યા છે અને હજી કંઈ જ ફાઈનલ થયું નથી.'

ચાહકોનો આભાર માન્યો
બિગ બીએ ભાવુક થઈને કહ્યું હતું, 'આ ઈમોશનલ ક્ષણ છે અને મિત્રો, શુભેચ્છકોનો પ્રેમ તથા શુભકામના મળ્યાં. મેં ક્યારેય અપેક્ષા રાખી નહોતી અને જ્યારે તે મળે છે ત્યારે લાગણીશીલ થઈ જાઉં છું. આભાર.'

78ની ઉંમરમાં બિગ બીને અનેક બીમારીઓ છે.
78ની ઉંમરમાં બિગ બીને અનેક બીમારીઓ છે.

કંઈ જ કરી શકતો નથી
અમિતાભે પોતાની અકળામણ વ્યક્ત કરતાં કહ્યું હતું, 'કંઈ જ કર્યા વગર દિવસ પસાર થાય છે. કંઈ જ વાંચી શકતો નથી, કંઈ જ લખી શકતો નથી. જોઈ પણ શકતો નથી. બસ, યાદોને યાદ કરીને બેસી રહ્યો છે. મોટા ભાગે આંખો બંધ જ રહે છે અને મ્યુઝિક સાંભળું છે, પરંતુ આ રીતે સમય પસાર કરવો ગમતો નથી.'

સર્જરી કરાવવાની વાત કરી હતી
શનિવાર, 27 ફેબ્રુઆરીના રોજ અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં માત્ર એક જ લાઈન લખી હતી. આ એક લાઈને તમામને ચિંતામાં મૂક્યા હતા. તેમણે પોતાના બ્લોગમાં કહ્યું હતું, 'મેડિકલ કંડિશન...સર્જરી...હું વધુ લખી શકતો નથી. એબી.'