એક્ટરની ચોખવટ:વિવાદ બાદ વીર દાસે કહ્યું, 'ભારત માટે લખવામાં મેં 10 વર્ષ અર્પણ કર્યાં, હું લવ લેટર લખતો રહીશ'

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસ હાલમાં પોતાની વિવાદિત કવિતાને કારણે ચર્ચામાં છે. આ કવિતામાં વીર દાસે કહ્યું હતું કે ભારતમાં લોકો દિવસે મહિલાની પૂજા કરતા હોય છે અને રાત્રે ગેંગરેપ કરે છે. હવે એક ઇન્ટરવ્યૂમાં વીર દાસે આ અંગે ચોખવટ કરી છે. વીર દાસે કહ્યું હતું કે તેણે 10 વર્ષ સુધી દેશને હસાવ્યો છે અને તે દેશને લવ લેટર લખવાનું ચાલુ રહેશે.

હાલમાં જ 'એનડીટીવી'ને આપેલા ઇન્ટરવ્યૂમાં વીર દાસે કહ્યું હતું, 'હું સમજું છું કે લાફ્ટર એક સેલિબ્રેશન છે અને જ્યાં સુધી લોકો હસતા રહેશે અને તાળી પડતી રહેશે ત્યાં સુધી આ ગર્વની વાત છે. મને લાગે છે કે જો કોઈ ભારતીયમાં સેન્સ ઓફ હ્યુમર છે અને તે સટાયરને સમજે છે અથવા જેણે મારો વીડિયો આખો જોયો છે, તેમને ખ્યાલ છે કે શું થયું છે.'

10 વર્ષથી દેશને હસાવતો આવ્યો છું: વીર
વીરદાસને જ્યારે પૂછવામાં આવ્યું કે વિવાદ થયા બાદ તે આગામી પર્ફોર્મન્સમાં આ પ્રકારના મુદ્દાને ટાળશે? આના જવાબમાં વીર દાસે કહ્યું હતું, 'હું મારા દેશને છેલ્લાં 10 વર્ષથી હસાવતો આવ્યો છું. મેં લખવા માટે મારું જીવન દેશને અર્પણ કર્યું છે. હું અહીંયા એમીમાં છું અને તે એટલા માટે કે મેં ભારતને લવ લેટર લખ્યો છે. જ્યાં સુધી કોમેડી કરવા લાયક છું, હું ભારતને લવ લેટર લખતો રહીશ.'

વીર દાસ એમી માટે નોમિનેટ થયો
વીર દાસ એમી અવોર્ડ માટે ન્યૂ યોર્કમાં છે. નેટફ્લિક્સ શો 'વીર દાસઃ ફોર ઇન્ડિયા' માટે ઇન્ટરનેશનલ એમી અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. વીર દાસે હાલમાં જ વોશિંગ્ટન DCના 'જોન એફ કેનેડી સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ'માં એક પર્ફોર્મન્સ આપ્યું હતું. આ વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ છ મિનિટના વીડિયોમાં વીર દાસે ભારતીયોના દંભી હોવાની વાત કરી હતી.

તેણે કહ્યું હતું, 'હું એ ભારતમાંથી આવું છું, જ્યાં અમે દિવસે મહિલાઓની પૂજા કરીએ છીએ અને રાતમાં ગેંગ રેપ કરીએ છીએ.' વીર દાસની આ કવિતા 'આઇ કમ ફ્રોમ 2 ઇન્ડિયા' રાતોરાત વિવાદમાં આવી હતી. અશોક પંડિત, રાજુ શ્રીવાસ્તવ સહિત ઘણાં સેલેબ્સ કવિતાનો વિરોધ કર્યો હતો અને શશિ થરૂર, કપિલ સિબ્બલ જેવા ઘણાં નેતાઓએ સપોર્ટ કર્યો હતો.