બ્રેકઅપ:છ વર્ષના ડેટિંગ બાદ ટાઇગર શ્રોફ ને દિશા પટનીએ અલગ થવાનો નિર્ણય લીધો

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડ સ્ટાર ટાઇગર શ્રોફ તથા દિશા પટની અલગ થઈ ગયા હોવાની ચર્ચા બી ટાઉનમાં જોરશોરથી થઈ રહી છે. દિશા પટની તથા ટાઇગર શ્રોફ છેલ્લાં છ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. જોકે, તેઓ હવે અલગ થઈ ગયા છે.

બંને હાલમાં સિંગલ છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટાઇગર તથા દિશા હવે કપલ તરીકે સાથે નથી. બંનેએ અલગ થવાનો નિર્ણય કેમ લીધો તે હજી કોઈને ખ્યાલ નથી, પરંતુ હવે બંને સિંગલ છે. બંનેએ 2018માં ફિલ્મ 'બાગી 2'માં પહેલી વાર સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે વિવિધ મ્યૂઝિક વીડિયોમાં સાથે કામ કર્યું હતું. 'બાગી 3'માં દિશા પટનીએ એક સોંગ કર્યું હતું.

છેલ્લાં એક વર્ષથી બંને વચ્ચે કંઈ ઠીક નહોતું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિશા તથા ટાઇગર વચ્ચેના સંબંધોમાં છેલ્લા એક વર્ષથી ઉતાર-ચઢાવ આવતા હતા. જોકે, તેમણે આ વાત કોઈના ધ્યાનમાં ના આવે તે રીતે છુપાવીને રાખી હતી. જોકે, છેલ્લાં કેટલાંક મહિનાથી તેમની વચ્ચે કંઈ જ ઠીક નહોતું અને અંતે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો.

ટાઇગર શ્રોફના મિત્રે નામ ના આપવાની શરતે કહ્યું હતું કે તેમને થોડાં અઠવાડિયા પહેલાં જ બંનેના બ્રેકઅપની જાણ થઈ હતી. ટાઇગરે તેના મિત્રોને હજી સુધી આ અંગે કોઈ વાત કહી નથી. તે હાલમાં પોતાના કામ પર ફોકસ કરવા માગે છે. તેના પર બ્રેકઅપની વધુ અસર થઈ નથી.

બ્રેકઅપ બાદ મિત્રો તરીકે સાથે રહેશે
દિશા તથા ટાઇગર બ્રેકઅપ બાદ મિત્રો તરીકે સાથે રહેશે. તેઓ સો.મીડિયામાં એકબીજાને ફોલો કરશે. ઉલ્લેખનીય છે કે દિશા તથા ટાઇગરે ક્યારેય બંને વચ્ચે રિલેશનશિપ હોવાની વાત સ્વીકારી નહોતી. જોકે, બંને અવાર-નવાર સાથે જોવા મળતા હતા. આટલું જ નહીં ઇવેન્ટમાં પણ સાથે આવતા હતા. બંને માલદિવ્સમાં વેકેશન પણ માટે પણ ગયા હતા.

બંને કામમાં વ્યસ્ત છે
ટાઇગર હાલમાં લંડનમાં છે અને પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તો દિશા પટની હાલમાં 'એક વિલન રિટર્ન્સ'ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર તથા તારા સુતરિયા છે. ટાઇગર શ્રોફના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે 'ગણપત', 'સ્ક્રૂ ઢીલા', 'બડે મિયા છોટે મિયા', 'બાગી 4', 'રેમ્બો'માં જોવા મળશે. દિશા પટની 'યૌદ્ધા', 'કેટીના'માં કામ કરી રહી છે. આ ઉપરાંત દિશા પટની સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ 'પ્રોજેક્ટ K'માં પણ જોવા મળશે.