બોલિવૂડમાં હાલમાં જ એક ગજબની વાત બની હતી. આ અંગે જાણીને દરેકને નવાઈ લાગી છે. કંગના રનૌત હંમેશાંથી કહેતી આવી છે કે બોલિવૂડમાં તેને કોઈ સપોર્ટ કરતું નથી અને તેની પ્રશંસા કરવામાં આવતી નથી. જોકે, હવે કંગનાની આ સમસ્યા દૂર થઈ ગઈ છે.
કંગનાને સલમાનનો સપોર્ટ મળ્યો
કંગનાને હવે બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનનો સાથ મળ્યો છે. સલમાન ખાને સો.મીડિયામાં કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ'નું સેકન્ડ ટ્રેલર શૅર કર્યું છે. આ સાથે જ સલમાને કંગના તથા ફિલ્મની પૂરી ટીમને શુભેચ્છા પાઠવી છે. સલમાન ખાન ઉપરાંત વિદ્યુત જામવાલે પણ આ ફિલ્મનું ટ્રેલર સો.મીડિયામાં શૅર કર્યું છે.
કંગનાએ સલમાનના વખાણ કર્યા
સલમાન ખાનની આ હરકત જોઈને કંગના રનૌત એકદમ ખુશ થઈ ગઈ હતી. કંગનાએ સલમાન ખાનને ગોલ્ડન હાર્ટનો ગણાવ્યો હતો. સલમાન ખાને ફિલ્મનું ટ્રેલર શૅર કરીને કહ્યું હતું, 'ધાકડ'ની ટીમને બહુ જ શુભેચ્છા. સલમાને પોતાની પોસ્ટમાં કંગના રનૌત તથા અર્જુન રામપાલને ટૅગ કર્યા હતા. કંગનાએ સલમાન ખાનની પોસ્ટનો સ્ક્રીનશોટ શૅર કરીને કહ્યું હતું, 'થેંક્યૂ મારા દંબગ હીરો, સોનાનું હૃદય..હું બીજીવાર ક્યારેય નહીં કહું કે હું આ ઇન્ડસ્ટ્રીમાં એકલી છું. આખી ટીમ તરફથી આભાર.'
સલમાન-કંગના વચ્ચે મિત્રતા
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઈદ પર અર્પિતા ખાને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કંગના રનૌત પણ આવી હતી. પાર્ટી બાદ એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે ઈદ પાર્ટીમાં સેલેબ્સે તેની ફિલ્મના ટ્રેલરના વખાણ કર્યા હતા, પરંતુ તેઓ જાહેરમાં કંઈ જ કહેતા નથી.
અમિતાભે ટ્રેલર ડિલીટ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમિતાભ બચ્ચને ફિલ્મનું ટ્રેલર સો.મીડિયામાં શૅર કર્યું હતું. જોકે, પછી તેમણે તે પોસ્ટ તરત જ ડિલીટ કરી નાખી હતી. આ અંગે કંગનાએ કહ્યું હતું કે ખબર નહીં, તેમની પર કેટલું પ્રેશર હતું.
'ધાકડ' ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે. આ જ દિવસે કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' રિલીઝ થઈ રહી છે. 'ધાકડ'માં કંગનાએ એજન્ટ અગ્નિનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મના ટ્રેલરમાં કંગનાની જબરજસ્ત એક્શન જોવા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.