બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકી મળ્યા બાદ તે સતત ચર્ચામાં છે. ભાઈજાન પોતાની સુરક્ષાને કારણે ઘણો જ ચિંતિત છે. હાલમાં જ સલમાન ખાને મુંબઈના પોલીસ કમિશ્નર વિવેક ફનસાલકર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સલમાને પોલીસ કમિશ્નર સાથે હથિયારના લાઇસન્સની આપેલી અરજી અંગે વાત કરી હતી. હવે એવી વાત સામે આવી છે કે સલમાને પોતાની કારને બુલેટપ્રૂફ બનાવી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન હવે બુલેટપ્રૂફ લેન્ડ ક્રૂઝરમાં મુસાફરી કરશે. આ સાથે જ તેણે પોતાની કારના તમામ કાચ બુલેટપ્રૂફ કરાવ્યા છે. જોકે, લેન્ડ ક્રૂઝરનું આ નવું મોડલ નથી.
હથિયાર લાઇસન્સ ઈચ્છે છે
સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ધમકી આપી હતી. ત્યારબાદ સલમાન ખાને પોલીસમાં એક અરજી કરી હતી. આ અરજીમાં સલમાને હથિયારના લાઇસન્સની ડિમાન્ડ કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાની સુરક્ષા માટે હથિયારનું લાઇસન્સ લેવા માગે છે.
ધમકીભર્યા પત્રમાં શું હતું?
સલીમ ખાન 5 જૂનના સવારના સાડા સાત વાગ્યે પોતાના બોડીગાર્ડની સાથે બેન્ડસ્ટેન્ડ વોક માટે ગયા હતા. કસરત અને વોકિંગ કર્યા પછી તેઓ પોતાની રોજિંદી બેસવાની બેન્ચ પર બેસવા ગયા. એ સમયે તેમના બોડીગાર્ડ શ્રીકાંત હેગિસ્ટને એક પત્ર મળ્યો હતો. સલીમ ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો જે તેમને અને પુત્ર સલમાન ખાનને સંબોધીને લખવામાં આવ્યો હતો. સલીમ ખાન, સલમાન ખાન ટૂંક સમયમાં તમારા હાલ મૂસેવાલા જેવા થશે, એવું લખવામાં આવ્યું હતું. સલીમ ખાને પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાંદ્રામાં ફરિયાદ કરી હતી. થોડાં દિવસ બાદ એ વાત સામે આવી હતી કે લોરેન્સ ગેંગે પબ્લિસિટી માટે સલમાનને ધમકી આપી હતી.
10 સ્પેશિયલ ફોર્સ ઓફિસર સિક્યોરિટી કરે છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાનને જ્યારથી લોરેન્સ બિશ્નોઇ ગેંગે જાનથી મારી નાખવાની ધમકી આપી છે, ત્યારથી તે જાહેરમાં તથા પબ્લિકની વચ્ચે જવાનું ટાળે છે. રિપોર્ટ્સ પ્રમાણે, સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ આગળ 10 સ્પેશિયલ ફોર્સના અધિકારી દિવસ-રાત સિક્યોરિટી કરે છે. આ ઉપરાંત તેના ઘરની આસપાસ 15 CCTV લગાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ફોર્સના કેટલાંક ઓફિસર સલમાન ખાન સાથે સેટ પર પણ હાજર હોય છે.
સલમાન ખાનના અપકમિંગ પ્રોજેક્ટ
સલમાન હાલમાં 'કભી ઈદ કભી દિવાલી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેની ફિલ્મ 'ટાઇગર 3' રિલીઝ થશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ છે. આમિરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' તથા શાહરુખની ફિલ્મ 'પઠાન'માં કેમિયો કર્યો છે. આ વર્ષના અંતે સલમાન 'દબંગ 4'નું શૂટિંગ શરૂ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.