વૈભવી હોલિડે હોમ:રણવીર-દીપિકા બાદ હવે અનુષ્કા-વિરાટ કોહલીએ અલીબાગમાં ફાર્મહાઉસ ખરીદ્યું, 19 કરોડમાં ડીલ ફાઇનલ કરી

મુંબઈએક મહિનો પહેલા

ગણેશચતુર્થીનો તહેવાર વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા માટે ઘણો જ ખાસ રહ્યો છે. અનુષ્કા તથા વિરાટે અલીબાગમાં ફાર્મહાઉસ ખરીદ્યું છે. આ ફાર્મહાઉસ અલીબાગના ઝિરાડ ગામમાં આવેલું છે. ફાર્મહાઉસ આઠ એકરમાં ફેલાયેલું છે.

કેટલામાં ખરીદ્યું?
અનુષ્કા-વિરાટે ફાર્મહાઉસ 19 કરોડ 24 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદ્યું છે. અનુષ્કા-વિરાટે સરકારી ટ્રેઝરીમાં 1 કરોડ 15 લાખ ડિપોઝિટ કરાવ્યા છે. વિરાટના ભાઈ વિકાસ કોહલીએ 30 ઓગસ્ટના રોજ આ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ટ્રાન્ઝેક્શન ગણેશચતુર્થીના એક દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું. આ ડીલ જાણીતા રિયલ એસ્ટેટ કંપની સમીરા હેબિટેટ્સે કરાવી છે.

વિરાટ કોહલી હાલમાં દુબઈમાં એશિયા કપમાં વ્યસ્ત છે. વિરાટ કોહલીના ભાઈએ પાવર ઑફ એટર્નીની મદદથી આ ડીલ ફાઇનલ કરી હતી. છ મહિના પહેલાં વિરાટ કોહલી તથા અનુષ્કા શર્મા ઝિરાડ આવ્યાં હતાં અને ફાર્મહાઉસ જોયું હતું. જોકે ક્રિકેટના બિઝી શેડ્યૂલને કારણે વિરાટ કોહલી ડીલ ફાઇનલ કરવા આવી શક્યો નહીં.

અલીબાગના એસોસિયેટ સબ-રજિસ્ટ્રાર અશ્વિની ભગત પાસે ફાર્મહાઉસના ખરીદ-વેચાણના ડોક્યુમેન્ટ્સ રજિસ્ટર્ડ કરાવાયા છે. વિરાટ-અનુષ્કાએ 3 લાખ 35 હજારની સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરી છે.

આવતા મહિને રેસ્ટોરાં શરૂ કરશે
વિરાટ કોહલી સ્વ. કિશોર કુમારના મુંબઈ સ્થિત બંગલામાં આ રેસ્ટોરાં શરૂ કરવાનો છે. વિરાટ કોહલીએ જુહુમાં આવેલા આ બંગલાનો મોટો હિસ્સો ભાડે લીધો છે અને એમાં હાઇ ગ્રેડ રેસ્ટોરાં બનાવી રહ્યો છે. બંગલામાં મોટેપાયે ફેરફાર કરવામાં આવ્યો છે અને રેસ્ટોરાં લગભગ તૈયાર થઈ ગઈ છે. માનવામાં આવે છે કે વિરાટ કોહલી આવતા મહિને રેસ્ટોરાં શરૂ કરશે.

આ ક્રિકેટર્સના પણ અલીબાગમાં ફાર્મહાઉસ
રવિ શાસ્ત્રી, રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલીનું ફાર્મહાઉસ અલીબાગમાં છે. રવિ શાસ્ત્રીએ 10 વર્ષ અગાઉ ફાર્મહાઉસ બનાવ્યું હતું. રોહિત શર્માનું ફાર્મહાઉસ 3 એકરમાં ફેલાયેલું છે અને એ હજી અન્ડર કન્સ્ટ્રક્શનમાં છે.

અલીબાગ સ્થિત શાહરુખ ખાનનું ફાર્મહાઉસ.
અલીબાગ સ્થિત શાહરુખ ખાનનું ફાર્મહાઉસ.

શાહરુખ-દીપિકાનું પણ ફાર્મહાઉસ
બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન, રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, ફેશન-ડિઝાઇનર અનિતા શ્રોફ તથા એક્ટર રાહુલ ખન્નાનું ફાર્મહાઉસ પણ અલીબાગમાં આવેલું છે.