• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • After Deleting The Previous Tweet, Dharmendra Again Became Worried About The Farmers, Saying, "I Am Saddened By The Pain Of The Farmer Brothers, The Government Should Do Something Soon."

આંદોલનના સમર્થનમાં ધર્મેન્દ્ર:અગાઉનું ટ્વીટ ડિલિટ કર્યા પછી ફરીથી ધર્મેન્દ્રને ખેડૂતોની ચિંતા થઈ આવી, કહ્યું, 'ખેડૂત ભાઈઓની પીડાથી દુઃખી છું, સરકાર જલદી કંઈક કરે'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં રસ્તે ઊતરેલા ખેડૂતોના સમર્થનમાં વરિષ્ઠ અદાકાર ધર્મેન્દ્રને ત્રણ દિવસ પછી ફરીથી લાગી આવ્યું છે. આજે શુક્રવારે સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું છે કે 'ખેડૂત ભાઈઓની પીડા જોઈને હું ઘણો દુઃખી છું, સરકાર ઝડપથી કંઈક કરે.' રસપ્રદ વાત એ છે કે ત્રણ દિવસ પહેલાં પણ ધર્મેન્દ્રએ સરકારને પ્રાર્થના કરેલી કે તેઓ ઝડપથી ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવે, પરંતુ પછી કોઈ અગમ્ય કારણોસર તેમણે એ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. એ મુદ્દે તેઓ ખાસ્સા ટ્રોલ પણ થયા હતા.

અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રના એક્ટર દીકરા અને ગુરદાસપુરથી ભાજપના સાંસદ એવા સની દેઓલે 'નરો વા કુંજરો વા' જેવું નિવેદન આપ્યું હતું. સની દેઓલે તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે 'આ મુદ્દો સરકાર અને ખેડૂતો વચ્ચેનો છે, કોઈ અન્યે આમાં દખલ દેવાની જરૂર નથી.' જ્યારે પિતા ધર્મેન્દ્રએ ફરીથી આગ્રહ કર્યો છે કે ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ.

'દેશભરમાં અફરાતફરી, કઈ રીતે જન્મદિવસ મનાવું'
થોડા દિવસ પહેલાં પોતાના 85મા જન્મદિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં ધર્મેન્દ્રે કહ્યું, 'લોકો કોરોના વાઇરસને ભૂલી ગયા છે. દેશભરમાં અફરાતફરી ફેલાઈ છે. હું જન્મદિવસ કઈ રીતે સેલિબ્રેટ કરું? આપણે બધા ભારત માતાનાં બાળકો છીએ. માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી. કોઈની સારપ, મજબૂરી કે માણસાઈનો ફાયદો ન ઉઠાવો. ખેડૂત શું બોલવા ઈચ્છે છે, તેમની વાત એકવાર સાંભળી લો. તેઓ આટલી ઠંડીમાં રસ્તા પર બેઠા છે. એક પરસ્પર વાતચીતથી ઉપાય મળી શકે છે.'

સોશિયલ મીડિયાને ઝેરી જગ્યા કહી
અગાઉ ધર્મેન્દ્રે ખેડૂત આંદોલનને લઈને એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જે ત્યાર બાદ તેમને એ ડિલિટ કરવી પડી. એની સ્પષ્ટતા કરતાં તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું, 'મારો હેતુ માત્ર એ બોલવાનો હતો કે ખેડૂતોની વાત સાંભળી લો. હું હંમેશાં પોઝિટિવ વાત કરું છું, પરંતુ લોકો એનો અલગ જ અર્થ લે છે. ટ્વિટર પર ભડાસ કાઢે છે. હું હવે એનાથી અંતર રાખીશ, કારણ કે આ ઘણી ઝેરી જગ્યા થઈ ગઈ છે. લોકો દિલ તોડી દે છે.'

ધર્મેન્દ્રે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, 'સરકારને પ્રાર્થના છે કે ખેડૂત ભાઈઓના પ્રોબ્લેમ્સનો કોઈ ઉપાય જલદી શોધે. કોરોનાના કેસ દિલ્હીમાં વધતા જઈ રહ્યા છે. આ દુઃખદાયક છે.'

સની દેઓલનું આખું સ્ટેટમેન્ટ શું હતું?
ગુરદાસપુરના ભાજપ સાંસદ અને એક્ટર સની દેઓલે રવિવારે સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ આપ્યું હતું કે સરકાર હંમેશાં ખેડૂતો વિશે વિચારે છે અને પાર્ટી ખેડૂતો સાથે છે. કેન્દ્રએ હંમેશાં ખેડૂતોનું ભલું વિચાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...